શૈક્ષણિક વર્ષમાં એકવાર સલામતી સપ્તાહની ઉજવણી અને સમગ્ર વર્ષ દરમિયાન જન જાગૃતિના કાર્યક્રમો કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કે જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત અનેક સામાજિક, સેવાકીય, સાંસ્કૃતિક, પર્યાવરણલક્ષી અને લોક જાગૃતિના કાર્યક્રમો માટે હંમેશા અગ્રેસર હોય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં છાશવારે બનતી દુર્ઘટના તેમજ રાજકોટ શહેરમાં તાજેતરમાં થયેલ ગેમઝોન અગ્નિકાંડને ધ્યાનમાં લઇ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મારી શાળા સલામત શાળા અભિયાન શરૂ કરવામાં આવનાર છે.
- Advertisement -
આ અભિયાન અંગે વધુ જણાવતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા જણાવે છે કે આ અભિયાન થકી સલામતી અને સુરક્ષાની બાબતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં 360 ડિગ્રી સલામતી માટેની જાગૃતિ કેળવવામાં આવશે. જેમાં ફાયરની ટ્રેનીંગ ઉપરાંત અન્ય તમામ પ્રકારની સલામતીને ધ્યાનમાં લઇ અને કાર્યક્રમો, વર્કશોપ, તાલીમ તેમજ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. આવી પડેલી આપત્તિ એટલે કે જુદા જુદા પ્રકારના અકસ્માતો, આગ લાગવી, ધરતીકંપ, પાણીમાં ડૂબવું, કુદરતી આફતો, રમત ગમતના મેદાનમાં બનતી ઘટનાઓ કે પછી વાહનમાં શાળા એ આવતી જતી વખતે બનતી ઘટનાઓ વગેરે ને ટાળવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શૈક્ષણિક વર્ષમાં એક વાર સલામતી સપ્તાહની ઉજવણી કરશે અને સમગ્ર વર્ષ દરમિયાન જન જાગૃતિના કાર્યક્રમો કરશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજમાં પોતાની અને સમાજની સલામતી માટે જાગૃતિ કેળવવા જે-તે વિષયના નિષ્ણાતોને સાથે રાખીને વર્કશોપ, તાલીમ કાર્યક્રમોના આયોજન કરવામાં આવશે. આ વિષય આધારીત જુદી જુદી સ્પર્ધાઓ અને જન જાગૃતિ અભિ;યાન પણ કરવામાં આવશે.
મારી શાળા સલામત શાળા અભિયાન અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ, મેહુલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ અને મહામંત્રી અજયભાઇ પટેલ તેમજ મંડળના કોર કમિટી, કારોબારીના સદસ્યો, તમામ ઝોન ઉપપ્રમુખ, મહામંત્રી સહિત તમામ સદસ્યો રાજકોટ શહેરની અંદર શાળાઓ આવનારી પેઢીને સલામત રાખવા માટે કટિબદ્ધતા દર્શાવે છે.