ખેડૂત જે હીરાની શોધમાં આખી દુનિયા ભટક્યો, તે હીરો તેની પોતાની જમીનમાં હતો !
આંધ્રપ્રદેશના ગુન્તુર જિલ્લાના એક નાના એવા ગામમાં એક સામાન્ય સ્થિતિનો ખેડૂત રહેતો હતો. આ ખેડૂત ગરીબ હતો પણ સુખી હતો કારણ કે સુખને અમીરી સાથે નહીં પણ સંતોષ સાથે સંબંધ છે. એક દિવસ કોઈ ફકીર આ ખેડૂતના મહેમાન બન્યા અને ફકીરે કહ્યું, આવી સાવ કંગાળ જિંદગી શું જીવે છે. આ હીરાનો પ્રદેશ છે. તું હીરા શોધવાના શરૂ કર. માલામાલ થઈ જઈશ.
તે રાતે પેલો ખેડૂત ઊંઘી ન શક્યો. એને પેલા હીરા મેળવવાની મહત્ત્વાકાંક્ષા જાગી. જ્યારે મહત્ત્વાકાંક્ષા જાગે ત્યારે ઊંઘ ઊડી જ જાય. એ ખેડૂતે પોતાનું નાનું એવું ખેતર હતું તે તથા મકાન વેંચીને હીરા શોધવા નીકળી પડ્યો. હીરા તો ન મળ્યા પણ પાસેનું ધન ખલાસ થઈ ગયું અને એ એક સામાન્ય ભિખારીના મોતે મર્યો.
અમુક વર્ષો બાદ પેલા ફકીર ફરીથી આ ગામમાં આવ્યા અને આ ખેડૂતના ઘેર ગયા. ત્યાં તો નવો માલિક રહેતો હતો. એણે ફકીરને બધી વાત કરી કે એ ખેડૂત તો ઘણાં વર્ષો પહેલા આ મકાન મને વેંચીને જતો રહ્યો છે; અને સમાચાર તો એવા છે કે હવે તો એ મૃત્યુ પણ પામ્યો છે.
આ ખેડૂત એટલે ગોલકુંડા ગામનો અલી હસીસ. વિશ્વનો સૌથી કિંમતી હીરો કોહિનૂર જે ખાણમાંથી મળ્યો એ ખાણ આ અલી હસીસના ખેતરમાં જ હતી. હીરો પોતાના ખેતરમાં જ હતો, પોતાની સાવ નજીક હતો; અને છતાંય એ દૂર દૂર શોધતો રહ્યો અને કંઈ પણ મેળવ્યા વગર જ મૃત્યુ પામ્યો.
ભગવાનની શોધમાં જે માણસ દૂર નીકળી જાય છે, તે અલી હસીસની જેમ ભટકી જાય છે; અને કંઈ પણ મેળવ્યા વગર જીવન સમાપ્ત થઈ જાય છે.
- Advertisement -
ભગવાન હંમેશા ભક્તના હૃદયમંદિરમાં રહે છે, અને પોતાના પ્રિય ભક્ત સાથે હંમેશાં સંવાદ કરતા રહે છે.
– સ્વામી રામદાસ