- ધર્મના આધારે નાગરિકતા એ બંધારણીય જોગવાઈનો ભંગ છે: હવે સર્વોચ્ચ અદાલતના વલણ પર નજર
ગઈકાલથી જ દેશભરમાં લાગુ કરાયેલા સીટીઝન (એમેન્ડમેન્ટ) એકટ સામે પ્રથમ કાનુની જંગ શરૂ થયો છે અને મુસ્લીમ લીગે આજે સુપ્રીમકોર્ટમાં અરજી કરીને આ કાનૂનના અમલ સામે સ્ટે માંગ્યો છે. કેન્દ્ર સરકારે ગઈકાલે એક જાહેરનામુ બહાર પાડીને દેશમાં સર્વાંગી રીતે સીએએને લાગુ કર્યો હતો અને તેની સામે વિપક્ષો રાજકીય વિરોધ કરી રહ્યા છે તે સમયે જ ઈન્ડીયન યુનિયન મુસ્લીમ લીગ તરફથી સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
2019માં સંસદે મંજુર કરેલા આ કાનૂનના અમલ સામે સ્ટે માંગ્યો છે. મુસ્લીમ લીગ તરફથી દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે નાગરિકતા ચોકકસ ધર્મોના આધાર પર આપવામાં આવી રહી છે જે દેશના બંધારણની વિરુદ્ધ છે અને કોઈપણ કાનૂનની બંધારણીય યોગ્યતા ન હોય તે લાગુ કરી શકાય નહી.
- Advertisement -
આ કાનૂન હેઠળ ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનીસ્તાન અને બાંગ્લાદેશથી આવતા હિન્દુ, શિખ, બૌદ્ધ, પારસી, જૈન અને ઈસાઈ વર્ગના લોકો કે જેના પર તે દેશમાં અત્યાચાર થયો હોય તેને ભારતની નાગરિકતા આપવામાં આવશે.
પરંતુ તેમાં મુસ્લીમ સમુદાયનો સમાવેશ કરાયો નથી અને તેથી જ મુસ્લીમ લીગ સહિત વિપક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટ આ અંગે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.