ગોંડલના શિવરાજગઢની ઘટના : આરોપીએ હત્યા છુપાવવા ગરમ તેલથી બાળકના શરીરે દાઝ્યાનાં નિશાન બનાવ્યા
ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે પ્રફુલભાઈ મદડિયાની વાડીએ ખેતમજૂરીનું કામ કરતા રેખાબેન ઉર્ફે રેવકાબાઈ સંજયભાઈ ડોડવેના 13 વર્ષીય પુત્ર આકાશની ગળાટૂંપો દઈ નિર્મમ હત્યા થઈ હોવાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસમાં દાખલ થઈ હતી, જેમાં મૃતકની માતાએ જણાવ્યું હતું કે ગત રોજ બપોરના એક વાગ્યાની આસપાસ આકાશ પાડોશમાં રહેતા મુકેશની સાઇકલ ચલાવતો હતો અને થોડીવાર બાદ ત્યાં જોવા ન મળતાં તેની તપાસ શરૂ કરતાં મગફળીના ઢગલા ઉપર હાથ-પગેથી દાઝી ગયેલી હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તેઓ દ્વારા પાડોશી મુકેશ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
બનાવ અંગે પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે બાળકનાં પરિવારજનો દ્વારા પ્રથમ ઈલેક્ટ્રિક કરન્ટ લાગવાથી મોત નીપજ્યું હોવાનું જણાવાયું હતું, પરંતુ સરકારી હોસ્પિટલના તબીબો અને બનાવ સ્થળ પર પોલીસને શંકા જતાં બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને પીએમ રિપોર્ટમાં શ્વાસ રુંધાવાથી મોત થયું હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં. જેને પગલે શંકાના આધારે પોલીસે પાડોશી મૂળ ખઙના વતની મુકેશ જમેરા (ઉં. 28)ની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતાં મુકેશે ગુનો કબૂલી લીધો હતો. મુકેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે આકાશ તેની સાઇકલ પૂછ્યા વગર અવારનવાર ફેરવ્યા કરતો હતો અને એમાં પંચર પાડી દેતો હતો, એ ઉપરાંત તેનાં સંતાનો સાથે ઝઘડો પણ કરતો હતો, જેનો ખાર રાખી તેને ગળાટૂંપો દઈ હત્યા નીપજાવી દીધી હતી. બાદમાં આ હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવા ગરમ તેલ કરી રૂ દ્વારા આકાશના શરીરે દાઝ્યાના ડાઘ પાડી દીધા હતા અને ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટથી તેનું મોત નીપજ્યાની કહાની ઘડી કાઢી હતી. આરોપીની કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઊઠી હતી.


