આ ઈમારતમાં કવિ કાવ્યપાઠ કરે ત્યારે એ ભવન બને છે: ભાગ્યેશ જહા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કવિ ભાગ્યેશ જહાએ તથા મહામાત્ર ડો.જયેન્દ્રસિંહ જાદવે એક અનોખી પહેલ કરી છે. એમણે ગાંધીનગરના મેઘાણી હોલમાં મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર તથા મુંબઈના કવિઓ ,પ્રોફેસર તથા કલાકારોને નિમંત્રણ આપીને ગુજરાતના ભાવકોને મુંબઈના સર્જનની ઝાંખી કરાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મંજાયેલા ગાયક તથા અભિનેતા જોની શાહે સરસ્વતી વંદના રજૂ કરી . કવિ હિતેન આનંદપરાએ આ આયોજન માટે આનંદ વ્યક્ત કરી સંચાલનનું સુકાન સંભાળ્યું હતું. મહેમાનોનું ખેસથી સ્વાગત કર્યા બાદ ડો.જયેન્દ્રસિંહે ગુજરાત સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપી આવકાર આપ્યો હતો.ત્યારબાદ કવિ સંજય પંડ્યાએ મુંબઈગરાને પડોશમાં બ્યુટી ક્વિન રહેતી હોય એવો દરિયો મળ્યો છે , સહ્યાદ્રિની લીલીછમ હારમાળા મળી છે એની વાત કરી હતી. મુંબઈના નેશનલ પાર્ક તથા હેંગિંગ ગાર્ડન પણ સર્જકોને લખવાનું વાતાવરણ પૂરું પાડે છે એવું એમણે જણાવ્યું હતું . ગુજરાત સાહિત્ય અકાદમીએ એક વર્ષમાં 175 પુસ્તકો પ્રકાશિત કર્યાં એ માટે એમણે અકાદમીને અભિનંદન આપ્યા હતા.
- Advertisement -
કવિ ભાગ્યેશ જહાએ એમના સ્વાગત પ્રવચનમાં પ્રકૃતિની આ વાતને પકડીને જણાવ્યું હતું કે ગાંધીનગર પણ રાજનીતિ કરતાં પ્રકૃતિની નજીક છે. એમણે માતૃભાષાના પ્રસારની ખેવના દરેકે રાખવી જોઈએ અને યુવાનોને ભાષા અને સાહિત્યના કાર્યક્રમમાં સાથે રાખવા જોઈએ એની વાત કરી હતી. એક હજાર વર્ષ જૂની ગુજરાતી ભાષાને ટકાવવામાં અન્ય બધી રીતે ડાહ્યાં ગુજરાતીઓ પાછાં પડ્યાં છે એનો અફસોસ એમણે વ્યક્ત કર્યો હતો.મુંબઈના સર્જકો કેવી પરિસ્થિતિમાં ભાષાને જાળવીને લખી રહ્યાં છે એનો પણ ઉલ્લેખ કર્યો હતો. એમણે જણાવ્યું હતું કે ગુજરાત અને મુંબઈના સાહિત્યને સાંકળતા કાર્યક્રમ તો ફક્ત શરૂઆત છે અને હવે પછી વધુ કાર્યક્રમો દ્વારા મુંબઈ અને ગુજરાત વચ્ચેનું અંતર ઓછું કરાશે. ગાંધીનગર વિશેની એમની એક સંસ્કૃત કવિતા પણ એમણે રજૂ કરી હતી.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારે પ્રથમ દસ મિનિટ સંસ્કૃતમાં સંભાષણ કરી બન્ને રાજ્યોની અકાદમીના સહકાર્યને અનુમોદન આપ્યું હતું ત્યારબાદ એમણે ’ચલ મન મુંબઈ નગરી’ની વિભાવનાને ખાસ્સી જૂની ગણાવીને સંભવત: ઈ.સ. 1026માં ભીમદેવ સાથે સાંકળી હતી. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ગુજરાત અને ગુજરાતીઓના પ્રદાન અંગે ચર્ચા કરી પંડિત ઓમકારનાથજી અને ન્હાનાલાલ વિશે વાત કરી હતી. અંતમાં શાર્દૂલવિક્રીડિત છંદમાં એમણે આભાર વ્યક્ત કર્યો હતો. મુંબઈની એસ.એન.ડી.ટી.યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.દર્શના ઓઝાએ મુંબઈની સ્ત્રી સર્જકો વિશે અભ્યાસી વક્તવ્ય આપ્યું હતું. મુંબઈનું નામ મુંબા આઈ (મુંબા માતા) પરથી પડ્યું એવું એમણે જણાવ્યું હતું.પોર્ટુગીઝે આ સ્થળને બોઆવડા નામ આપ્યું હતું.પછીથી અંગ્રેજોએ આવીને ‘બોમ્બે’ નામ આપ્યું હતું.
મુંબઈની સ્ત્રી સર્જકોએ કાવ્યમાં વિશેષ કામ કર્યું છે એવું જણાવી દર્શના ઓઝાએ પેરીન ડ્રાઈવરથી માંડી આજની કવયિત્રીનાં નામોલ્લેખ કર્યાં હતાં.સ્ત્રી કવિતા કેમ લખે છે, કયું બળ એને લખાવે છે, સ્ત્રી પરંપરા, દ્રષ્ટિકોણ, ભાષા, બોલી, ઈતિહાસ વગેરેના પૃથક્કરણની એમણે વાત કરી. કેટલીક કવયિત્રી બ કે વ એવા નામે પણ લખતી જેથી એમની ઓળખ છતી ન થાય. આ બધી કવયિત્રીની અભિવ્યક્તિની તરાહો સમજવી રસપ્રદ હોય છે એવું એમણે જણાવ્યું હતું.
- Advertisement -
કવિ સંજય પંડ્યાએ પણ કવિ નર્મદથી માંડી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ રણજિતરામ વાવાભાઈ મહેતા અને ત્યાંથી મોહનલાલ મહેતા ‘સોપાન’થી લઈને અનેક જાણીતા સર્જકોનો ઉલ્લેખ કર્યો જેમણે મુંબઈમાં રહી સાહિત્ય સર્જન કર્યું. વરિષ્ઠ ગઝલકાર હેમેન શાહ, કવિ ભાગ્યેશ જહા, હિતેન આનંદપરા, સંજય પંડ્યા, ડો.ભૂમા વશી તથા મીતા ગોર મેવાડાનાં ગીત, ગઝલ, દુહાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં. ડિમ્પલ આનંદપરાની એકોક્તિ ‘મારું સરનામું આપો’ એ એમના લાજવાબ લેખન તથા અભિનયનો પરિચય કરાવ્યો. કનૈયાલાલ મુનશીની નવલકથાના યાદગાર પાત્ર ‘મંજરી’ ને ડો.મંજરી મુઝુમદારે પોતાના અભિનયથી જીવંત કર્યું. સ્નેહલ મુઝુમદારે છંદોબદ્ધ ગાનથી કાર્યક્રમને પડાવ તરફ દોર્યો. નવલકથાકાર કેશુભાઈ દેસાઈ, જિજ્ઞેશ અધ્યારૂ તથા અન્ય ભાવકોથી હોલ ભરાયેલો હતો. કાર્યક્રમનું સંચાલન કવિ હિતેન આનંદપરાએ કર્યું હતું અને મુંબઈના કવિ ગઝલકારની પંક્તિઓ એમણે ટાંકી હતી. ‘આ ઈમારતમાં કવિ આવીને કાવ્યપાઠ કરે ત્યારે એ ભવન બને છે’ એવા કવિ ભાગ્યેશ જહાના શબ્દો કાર્યક્રમના અંતે જાણે સાચા પડતા હતા.