કાર્તિક મહેતા
બ્રિટીશ ગેઝેટિયર મુંબઈને “અર્બસ્ પ્રાઇમા દી ઇન્ડીઝ” અર્થાત્ ભારતનું પ્રથમ શહેર કહે છે. આમ તો ભારતમાં અનેક નગરો હતા પરંતુ ભારતીય નગરો હમેશા ઊંચાઈ વાળા સ્થળે બાંધવામાં આવતા , ઊંચાઈ વાળા સ્થળને નગ કહેવાય આથી આવા સ્થળને નગર કહેવાતું અને ત્યાં વસનારા નાગર અથવા નાગરી. આવી લાંબી દ્રષ્ટિનો અભાવ આપણને ત્યારે જણાય છે જ્યારે આપણા શહેરો ચોમાસામાં “ગંદા ગોબરા વેનીસ” સમાન બની જાય છે. ઇટાલીનું વેનિસ પાણીમાં બનેલું શહેર છે અને પ્રવાસીઓમાં પ્રખ્યાત છે પણ આ વેનિસની પાણીની નહેરો પણ એકસમયે કચરા વગેરેથી પ્રદૂષિત થઈ ગયેલી જેને ઇટાલિયન નાગરિકોએ જાગૃત થઇને હટાવ્યો અને વેનિસ્ ને વૈશ્વિક પ્રવાસી આકર્ષણ બનાવી નાખ્યું. મુંબઇ પર પાછા ફરીએ તો , ટોલેમી નામનાં ગ્રીક ભૂગોળ શાસ્ત્રીએ બનાવેલ નકશામાં મુંબઈનો ઉલ્લેખ હપ્તોનેશિયા એટલે કે સાત(સપ્ત) ટાપુઓના સમૂહ તરીકે કરેલો અને તે પણ છેક અઢારસો વર્ષ પહેલાં.. મુંબઇના આ ટાપુઓ પર વસનારા લોકો સૌરાષ્ટ્રમાં મૂળ ધરાવતા કોળી સમાજના લોકો હતા. કોળાબા અને માહિમ સહિત તમામ ટાપુઓ ઉપર એમની વસ્તી હતી અને આજે પણ છે. આ કોળી પ્રજા શક્તિપુજક હતી અને મોમાઈ માતાજી એમના કુળદેવી હોઈ એમને ખુબ શ્રધ્ધાથી પૂજતી. કોળીઓની વસ્તીને લીધે મુંબઈના મૂળ સાત ટાપુઓ પૈકી એક ટાપુ કોળાબા (હવે કોલાબા) કહેવાયો અને એક ટાપુ મોમાઈ માતાજીના મંદિર ને લીધે મોમાઈ (હવે મુંબઈ).. વહાણવટા માં કુશળ કોળી સમાજનું વર્ચસ્વ કેવું હશે કે આજના પાકિસ્તાનનું કરાંચી પણ કોળી સમાજની બહુમતી વાળું કોળાંચી હતું જે કાળક્રમે કરાંચી બન્યું. અતિશય લાંબી બુદ્ધિ અને દ્રષ્ટિ ધરાવતા અંગ્રેજોને મુંબઈ વિકસાવવાનું મન થયું એનું કારણ હતું : કપાસનો વેપાર . અમેરિકન ગૃહયુદ્ધ પછી વિશ્વમાં કપાસની અછત સર્જાઈ. આથી કાઠિયાવાડ સહિત ભારતના કાળી માટી ધરાવતા પ્રદેશોમાં ઉગતા કપાસની કિંમતો આસમાને પહોંચી. ત્યારે હજી ઇજિપ્ત એટલું કપાસ ઉગાડતું નહોતું . સુએઝ નહેર નું બાંધકામ ચાલુ હતું આથી એ બની જાય એટલે યુરોપ પહોંચવાનો રસ્તો એકદમ ટુંકો થવાનો હતો. આ વાસ્તવિકતાને ધ્યાને લઇને અંગ્રેજોએ અગાઉથી મુંબઈને એક જબ્બરદસ્ત શહેર તરીકે વિકસાવવાનું શરૂ કર્યું.
- Advertisement -
કપાસના વેપારમાં જેમનો ડંકો વાગતો હતો એવા કચ્છી ભાટિયા, જૈન, કાઠિયાવાડના કપોળ વૈષ્ણવ અને મોઢ વૈષ્ણવ વાણિયાઓ અને પારસીઓને મુંબઈમાં વસાવ્યા.પારસીઓ વેપાર અને વહાણવટા બેયમાં કાબેલ હતા. સાસુન પરિવાર જેવા અમુક યહૂદી પરિવારો પણ મુંબઈ આવ્યા. (આ સાસુન પરિવાર નો વડલો એવડો મોટો છે કે એના તાર યુરોપ થી લઈને અમેરિકા સુધી પહોંચે છે) . ભારતનું પહેલું દસ્તાવેજીકરણ પામેલું રમખાણ મુંબઈમાં પારસીઓ અને મુસ્લિમો વચ્ચે થયેલું.. જેમાં બેય પક્ષે થોડી થોડી જાનહાનિ નોંધાયેલી. મુંબઈમાં ભારતની પહેલી ટ્રેન દોડાવવામાં આવી. મહેનતુ શ્રમિક પ્રજાઓને પણ મુંબઈમાં વસાવાઈ. અનેક નમૂનારૂપ બાંધકામો કરવામાં આવ્યા જે આજે પણ મુંબઈની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અંગ્રેજોએ વસાવેલું આ મુંબઈ શાનદાર અને જાનદાર હતું. ઘાટના વરસાદથી સિંચાયેલું મુંબઈ કદી બીજા શહેરોની જેમ પાણી માટે તરસતું નહોતું. મુંબઈનું પાણી પણ એટલું મીઠું અને પોષક કે ગુજરાતના માંદલા શહેરોની જેમ મુંબઈના લોકોને દવાઓ ઉપર નિર્ભર રહેવું પડતું નથી. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત અને મુંબઈ બોમ્બે પ્રેસિડેનસી નામનો પ્રાંત કહેવાતા. આજની તારીખે મહારાષ્ટ્ર સરકારની સહુથી વધુ આવક મુંબઈથી આવે છે. પરંતુ અંગ્રેજો ગયા બાદ ભારતીય શાસકો નગર આયોજન અને વ્યવસ્થાપન બાબતે ઘણા નબળા સાબિત થયા. સરવાળે ભારતના મુંબઈ સહિતના શહેરો લોકોના ગીચ વસવાટ બન્યા જ્યા માણસના જીવનની બેઝિક જરૂરતો પ્રત્યે પણ દુર્લક્ષ સેવવામાં આવતું હતું.
આવી દારુણ નગર રચના અને નબળી વ્યવસ્થાએ ગુંડારાજ ને જનમ આપ્યો. દાઉદ જેવા ટપોરીઓ મોટા ડોન તરીકે ઉભરી આવ્યા અને મુંબઈ ઉપર પરોક્ષ શાસન ચલાવવા લાગ્યા. સમય જતાં ભાષા અને પ્રાંતનું રાજકારણ પણ ભળ્યું જેણે મુંબઈને અતિ પ્રભાવિત કર્યું. મુંબઇ , જેને અંગ્રેજોએ એક બેનમૂન નગર તરીકે ઘડેલું તે એક વિશાળ , ગીચ અને રાજકારણથી ખદબદતું શહેર બની ગયું. આજે પણ મુંબઈના જૂના વિસ્તારોમાં અંગ્રેજોની દૂરંદેશી દર્શાવતા બાંધકામો અને નગર આયોજનના પ્રમાણો દેખાય છે. કુટિલ અંગ્રેજોની કુટિલતા તો આપણે શીખી ગયા પણ એમની આયોજન ક્ષમતા અને દૂરંદેશી આપણે પામી શક્યા નહિ. ભારતના મોટાભાગના પ્લાન્ડ સિટી અંગ્રેજ (કે યુરોપિયન) સ્થપતિ દ્વારા ડિઝાઇન થયેલા છે અથવા તો એમાંથી પ્રેરિત છે તે વાત દર્શાવે છે કે આપણે પણ દુર્યોધનની જેમ જાણીએ છીએ કે ધર્મ શું છે , પણ ધર્મનું આચરણ કરી શકતા નથી.