સેંકડો લોકોનું સ્થળાંતર: રેલ વ્યવહાર પ્રભાવિત
સાવિત્રી સહિત અર્ધો ડઝન નદીઓ ગાંડીતુર, પાણી ગામોમાં ઘૂસ્યા
- Advertisement -
વરસાદના નવા રાઉન્ડમાં મુંબઈ અને મહારાષ્ટ્ર પણ ધમરોળાયા હોય તેમ આજે ભારેથી અતિભારે વરસાદ ખાબકયો છે.થાણે તથા પાલઘર જેવા ભાગોમાંથી સેંકડો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.રત્નાગીરી-રાયગઢમાં પુર પરિસ્થિતિ ઉદભવી છે અને શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનજીવન ગંભીર રીતે પ્રભાવીત થયુ છે.થાણે તથા પાલઘરમાં અતિ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા થાણેમાંથી 250 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
પાલઘર જીલ્લામાં અનેક ભાગોમાં પાણી ભરાવાના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.ઉલ્હાસ, અંબા, સાવીત્રી અને પાતાળગંગા જેવી નદીઓ ગાંડીતુર બનતા ગામોમાં પાણી ઘુસ્યા હતા અને માર્ગ વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.કોંકણ ક્ષેત્રમાં આવતા રત્નાગીરી અને રાયગઢમાં પણ પુર પરિસ્થિતિ ઉદભવી હતી.
- Advertisement -
આવતા ત્રણ દિવસ તટીય ભાગોમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાયગઢની સાવીત્રી અને પાતાલગંગા નદી ખતરનાક સ્તરથી ઉંચે વહેતી હોવાથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અન્ય ચાર નદી પણ એલર્ટનાં સ્તરે પહોંચી ગઈ છે.
મુંબઈમાં પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો અને દરીયામાં 4 મીટરથી વધુનાં મોજા ઉછળતા દરીયા કાંઠે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.જનજીવન વ્યાપક રીતે પ્રભાવીત થયુ હતું. બદલાપુર અને અંબરનાથ રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહાર અટકાવવામાં આવ્યો હતા.રાયગઢ અને પાલઘરમાં એનડીઆરએફની એક ટીમ મોકલવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા રેડએલર્ટ જાહેર કરવામાં આવેલ છે.