ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
શ્રી સરસ્વતી શિશુમંદિર દ્વારા માતૃભાષા ગૌરવદિન નિમિત્તે દિનાંક 21 ફેબ્રુઆરી 2025 શુક્રવારના રોજ રાત્રે 9:00 કલાકે ‘શેરીનાટકોનું’ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં માતૃભાષાનું મહત્વ વધે, તેનું ગૌરવ જળવાય, માતૃભાષાની સમૃદ્ધિ વધે અને સમાજમાં માતૃભાષાના માધ્યમથી શિક્ષણની સમજણ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમાજ જાગરણના આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા મોરબીના સાત જેટલા વિસ્તારોમાં શેરીનાટકો ભજવાયા હતા. જેમાં વિદ્યાર્થીઓએ વક્તવ્ય, નાટક, સમૂહગીત તથા તળપદી ભાષામાં સંચાલન દ્વારા માતૃભાષાના મહત્વને ઉજાગર કર્યું હતું પટેલનગર, અવધ સોસાયટી, અવની ચોકડી, ઉમા ટાઉનશીપ (સામા કાંઠે), ચંદ્રેશનગર જેવા વિસ્તારોમાં તથા ટંકારા શહેરમાં આ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અંદાજે 160 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પાત્રને અનુરૂપ વેશભૂષા સાથે આ કાર્યક્રમની રજૂઆત કરાઈ હતી. કાર્યક્રમના પ્રચાર – પ્રસારથી લઈને માઈક, લાઈટ, ખુરશીઓ, પાથરણા જેવી પ્રાથમિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં વિદ્યાલયના વાલીઓએ જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થી દ્વારા માતૃભાષા ગુજરાતીને એના મૂળ અને શુદ્ધ સ્વરૂપે જાળવી રાખવાનો સંકલ્પ લેવડાવાયો હતો. છેલ્લે શાંતિમંત્ર સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. મોરબી શહેર તથા ટંકારા મળીને આશરે 3000 જેટલા નગરજનો એ આ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.



