મધ્ય આફ્રિકા અને પૂર્વમાં 11માંથી માત્ર એક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે
ભારતીયો એવરેજ સોશિયલ મીડિયા પર દરરોજ અઢી કલાક જેટલો સમય વિતાવે છે
- Advertisement -
આજે દરેક વ્યક્તિ સતત મોબાઈલ પર બીઝી હોય છે. આપણામાંથી મોટાભાગના લોકોને તો સવારે ઉઠીને તરત જ મોબાઈલ ચેક કરવાની ટેવ છે. સવારે ઉઠીને ફોન હાથમાં લીધો એ લીધો પછી આખો દિવસ તેમાં જ જતો રહે છે. ઈન્ટરનેટના ઝડપથી વધી રહેલા ઉપયોગને કારણે સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. તાજેતરના એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્વની અડધાથી વધુ વસ્તી હાલમાં સોશિયલ મીડિયા પર સક્રિય છે. મોટાભાગના લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ટિક-ટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સોશિયલ મીડિયા પર લોકોની સંખ્યામાં 3.7 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, કેપિયોસની ડિજિટલ એડવાઈઝરી દ્વારા એક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, લગભગ 5.19 બિલિયન એટલે કે લગભગ 519 કરોડ યુઝર્સ હાલમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ સંખ્યા વિશ્વની વસ્તીના લગભગ 64.5 ટકા છે. દરેક સેકેન્ડે 5થી વધુ લોકો કોઈને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઈ છે.
સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યા તમામ સ્થળોએ અથવા તમામ પ્રદેશોમાં અલગ અલગ છે. મધ્ય આફ્રિકા અને પૂર્વમાં 11માંથી માત્ર એક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જો ભારતની વાત કરીએ તો અહીં લગભગ દર ત્રીજો વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલો છે. ભારતીયો એવરેજ સોશિયલ મીડિયા પર દરરોજ અઢી કલાક જેટલો સમય વિતાવે છે.
- Advertisement -
બ્રાઝિલના લોકો દરરોજ લગભગ 3 કલાક 49 મિનિટ સોશિયલ મીડિયા પર એક્ટિવ
સોશિયલ મીડિયામાં માત્ર યુઝર્સની સંખ્યા જ નથી વધી પરંતુ લોકો અહીં ઘણો સમય વિતાવી રહ્યા છે. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે, લોકો સોશિયલ મીડિયા પર દરરોજ સરેરાશ 2 કલાક 26 મિનિટ વિતાવે છે. બીજી તરફ, બ્રાઝિલના લોકો 24 કલાકમાંથી દરરોજ લગભગ 3 કલાક 49 મિનિટ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. જાપાની લોકો દરરોજ સોશિયલ મીડિયા પર 1 કલાકથી ઓછો સમય વિતાવે છે.
મોટાભાગના લોકો ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ
એપ્રિલના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે અને એક્ટિવ યુઝર્સની સંખ્યા દરરોજ ઝડપથી વધી રહી છે. રિપોર્ટ અનુસાર માત્ર 12 મહિનામાં લગભગ 150 મિલિયન સોશિયલ મીડિયા યુઝર્સમાં વધારો થયો છે. મોટાભાગના લોકો સાત પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, વીચેટ, ટિક-ટોક અને ટેલિગ્રામ પર સક્રિય છે.