8થી વધુ આવાસ યોજના જર્જરિત હાલતમાં, પ્રિ-મોન્સૂન અંતર્ગત નોટિસ આપી તંત્રએ હાથ ખંખેર્યા
ખાસ-ખબર સંવાદદાતા
જામનગરમાં આવાસ યોજનાની વિંગ તુટી જતા ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા આ પછી તંત્ર જાગ્યું છે. છતાં રાજકોટ મહાનગરપાલિકા હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેમ શહેરમાં આવેલી અનેક જર્જરીત આવાસ યોજના સામે પગલા લેવાના બદલે અમે નોટિસ તો આપી તેનો સંતોષ માની હાથ ઉપર હાથ ધરીને બેસી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જેને પગલે આગામી દિવસોમાં રાજકોટમાં પણ જામનગરવાળી થવાનો ભય જળુંબી રહ્યો છે.
- Advertisement -
રાજકોટ શહેરમાં વર્ષો પહેલાં આવાસ યોજના બનાવવામાં આવતી હતી. જેમાં બીમકોલમની પ્રથા નહોતી. ગ્રાઉન્ડ ફ્લોર પરથી પાયા ઉપર ત્રણથી ચાર માળ ખડકી દેવાતા હતા. આ પ્રકારની અનેક વર્ષો જૂની આવાસ યોજના તે વખતે થયેલી સ્થિતિ મુજબ આજે પણ જર્જરીત હાલતમાં ઉભી છે. સામે કાંઠે એક આવાસ યોજના તેમજ વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં પણ આ પ્રકારની ત્રણ માળની આવાસ યોજનામાં રહેવા માટે લોકો મજબુર બની રહ્યા છે.
બે દિવસ જ ધરાશાયી થયેલી જામનગરની આવાસ યોજનાએ ત્રણ વ્યક્તિનો ભોગ લીધો છતા તંત્રની આંખ ઉઘડી નથી. આ બાબતે મનપાના બાંધકામ વિભાગ તેમજ આવાસ યોજના વિભાગમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પ્રી-મોન્સુન કામગીરી અંતર્ગત શહેરની જર્જરીત ઈમારતોની સાથોસાથ જર્જરીત આવાસ યોજનાઓ માટે પણ રિનોવેશન કરાવી લેવાની તેમજ વધુ ભય હોય તો આવાસ ખાલી કરવા સહિતની નોટિસ આપવામા આવી છે.પરંતુ નોટિસ આપ્યા બાદ તંત્ર દ્વારા રિ-સર્વે કરવામા આવ્યો નથી. જેની સામે મધ્યમ અને ગરીબ પરિવાર રહેતો હોય તેવી આવાસ યોજનામાં સામુહિક ખર્ચ એક વ્યક્તિ કરી સકે તેવી સ્થિતિ ન હોય આવી અનેક આવાસ યોજનાઓ ભારે વરસાદના પગલે ગમે ત્યારે ધરાશયી થવાની રાહ જોઈ રહી છે.
શહેરના સેન્ટ્રલઝોન વિસ્તારમાં વોર્ડ નંબર 13માં આવેલી વર્ષો જૂની ગોકુલધામ નામની આવાસ યોજનામાં પાયામાં મોટા બખોલ થઈ ગયા છે. તેમજ છતમાંથી સળિયા દેખાવા લાગ્યા છે. પ્લાસ્ટરનો મોટાભાગની આવાસ યોજનામાં અતોપતો નથી અને ચોમાસા દરમિયાન પ્લાસ્ટીકના સહારે ઘરમા પડતું પાણી બંધ કરવું પડે છે. આ આવાસ યોજનાને કોઈપણ વ્યક્તિ જોઈને પણ કહી શકે કે આ ગમે ત્યારે પડી જશે છતા આ આવાસ યોજનાની બાજુમાંથી દરરોજ મનપાના અનેક ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પસાર થાય છે. છતાં તેમની નજરમાં આ આવાસ યોજના આજ સુધી આવી નથી. આવાસ યોજનામાં રહેતા અનેક લોકોએ જણાવ્યું કે, રિનોવેશન માટે તંત્રને અનેક વખત રજૂઆત કરવામા આવી છે. તેવી જ રીતે ચુંટણી વખતે મત માગવા આવતા નેતાઓને પણ અમારી સમસ્યા જણાવી છે. પરંતુ આજ સુધી કોઈ જાતના પગલા લેવામાં આવ્યા નથી.
- Advertisement -
લાઈટહાઉસમાં પણ છત નબળી
રાજકોટ સ્માર્ટ સીટીમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ રાજકોટ શહેરને જ પ્રાપ્ત થયો છે. આધુનિક પદ્ધતિથી આવાસો બનાવી અરજદારોને ફાળવવામાં આવ્યા છે. આવાસમાં રહેવા ગયા બાદ રહેવાસીઓને તુરંત કડવો અનુભવ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આવાસોનું નિર્માણ કરવામા આવ્યું છે. આ પ્રોજેક્ટ ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ અંતર્ગત શરૂ કરાયો હતો. બાંધકામની એવી ટેક્નોલોજી જે નવી અને ટકાઉ સાબિત થાય તે માટે તમામ ગ્રન્ટ કેન્દ્ર સરકારે આપી છે અને પ્રથમ તબક્કે રાજકોટ સહિત ફક્ત 6 શહેરોની પસંદગી કરવામાં આવી છે. આથી તમામ શહેરોએ અલગ રીતની બનતી આ આવાસ યોજનાની નોંધ લીધી હતી.
આ આવાસ યોજનામાં ફેમ વર્કનો ઉપયોગ કરી મોનોલીથીક ક્રોકિંટ પધ્ધતિથી છત ભરવામાં આવી છે. છતા પ્રથમ વરસાદે જ છતમાંથી પાણી ટપકતું હોવાની ફરિયાદો ઉઠી છે.