રાજકોટ – રાજકોટ જિલ્લાની સંકલિત બાલ વિકાસ યોજના અન્વયે એસ.એ.જી.(સ્કીમ ફોર એડોલસન્ટ ગર્લ્સ) અને પૂર્ણા(પ્રીવેન્શન ઓફ અન્ડર ન્યુટ્રીશન એન્ડ રીડક્શન ઓફ ન્યુટ્રીશનલ એનીમીયા એમંગ એડોલસન્સ) કક્ષામાં ૯૫ ટકાથી વધુની સિધ્ધિ હાંસલ કરાઇ છે.
રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી જિજ્ઞાસાબેન દવેએ જણાવ્યું હતું કે, જુલાઇ-૨૦૨૧ સુધીમાં સમગ્ર રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં કુલ ૭૬૯ એસ.એ.જી.(સ્કીમ ફોર એડોલસન્ટ ગર્લ્સ) એટલે કે ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓની નોંધણી કરવામાં આવી છે, જે તમામને પૂરક પોષણના ટેઇક હોમ રાશનના પેકેટસનું વિતરણ, આરોગ્ય અને બોડી માસ ઇન્ડેકસની તપાસ, લોહતત્વની ગોળીઓ, આરોગ્ય પોષણ શિક્ષણ અને કૌશલ્યવર્ધન તાલીમનો લાભ આપવામાં આવ્યો છે.
- Advertisement -
જયારે ‘‘પૂર્ણા’’ વિભાગ અન્વયે રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં કુલ ૩૪૮૮૬ કિશોરીઓની નોંધણી કરવામાં આવી છે, જે ૫ થી ૧૪ વર્ષની છે અને શાળાએ જતી નથી. આવી ૩૪૮૮૬ કિશોરીઓ પૈકી ૩૪૧૨૨ને પૂરક પોષણના ટેઇક હોમ રાશનના પેકેટસનું વિતરણ, આરોગ્ય અને બોડી માસ ઇન્ડેકસની તપાસ, લોહતત્વની ગોળીઓ, આરોગ્ય પોષણ શિક્ષણ અને કૌશલ્યવર્ધન તાલીમનો લાભ આપવામાં આવ્યો છે. જે નોંધાયેલી કુલ કિશોરીઓના ૯૭.૮૧ ટકા છે.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસાબેન દવે, પૂર્ણા કન્સલ્ટન્ટ શ્રધ્ધાબેન રાઠોડ અને ટીમ દ્વારા શાળાએ ન જતી કિશોરીઓ અને તરૂણીઓનું કાઉન્સેલિંગ કરી તેમને ફરીથી શાળામાં મોકલવા અંગે પણ કામગીરી કરવામાં આવી રહી છે, જેના પ્રોત્સાહક પરિણામો સાંપડી રહયા છે.