વેસ્ટ ઝોનને 120, સેન્ટ્રલ ઝોનને 80 અને ઈસ્ટ ઝોનનું 100 કરોડનું બજેટ
ટેલિફોન-ગેસ સહિતની લાઈન નાખવા માટે રસ્તા ખોદવા પાછળ પણ થાય છે મબલખ ખર્ચ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દર વર્ષે વરસાદ સહિતના કારણોસર રસ્તા પર ખાડા પડ્યે રાખે છે અને મહાપાલિકા તેના પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યે રાખે છે. જાણવા મળ્યા પ્રમાણે 2022થી 2024 સુધીમાં મહાપાલિકાને ત્રણેય ઝોનના મળી 300 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર તરફથી મળવા પામી છે અને તેમાંથી મહત્તમ રકમ વપરાઈ પણ ગઈ છે આમ છતાં રાજકોટને ખાડામાંથી મુક્તિ મળી રહી નથી જે વાત આશ્ચર્યજનક છે. આ પ્રમાણે વેસ્ટ ઝોનને 120 કરોડ, સેન્ટ્રલ ઝોનને 80 કરોડ અને ઈસ્ટ ઝોનનું 100 કરોડનું રસ્તા કામનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જો કે ત્રણેય ઝોનમાં ટનાટન રોડ-રસ્તા હોય તેવો કોઈ પણ વિસ્તાર મળી જાય તો નવાઈ પામવા જેવું જ રહેશે. મહાપાલિકા જ્યારે રોડ-રસ્તા માટે કોઈ એજન્સીને કામ આપે છે ત્યારે પાંચ વર્ષ સુધી એ રોડમાં કોઈ પણ પ્રકારની નુકસાની થાય તો તેના રિપેરિંગની જવાબદારી જે તે એજન્સીની જ હોય છે પરંતુ તેના દ્વારા પણ અમુક અંશે ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાને કારણે લોકોને હાડપીંજર જેવા રસ્તા પરથી પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે. મહાપાલિકા દ્વારા માત્રને માત્ર ટેલિફોન, ગેસ સહિતની લાઈન નાખવા માટે રસ્તા ખોદવા પડે તો જ તેના રિપેરિંગની જવાબદારી ઉઠાવવાની હોય છે બાકીની તમામ જવાબદારી એજન્સીની રહે છે. જો કે રસ્તા ખોદ્યા બાદ તેને ઠીક કરવા પાછળ પણ મબલખ ખર્ચ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેરએ જણાવ્યું હતું કે એક વર્ષમાં રસ્તા રિપેરિંગ કામ પાછળ 12થી 14 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે જેમાં પેચવર્ક સહિતનું કામ ઉપરાંત લાઈન નાખવા માટે રસ્તા ખોદવા પડ્યા હોય તે સહિતનું કામ સામેલ છે. આ જ રીતે વેસ્ટ ઝોનના ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે એક વર્ષ માટે આ ઝોનને 30 કરોડની સ્વર્ણિમ ગ્રાન્ટ ઉપરાંત 10 કરોડ એક્શન પ્લાનના સ્વરૂપમાં ગ્રાન્ટ મળી છે જેનો તબક્કાવાર વપરાશ થઈ રહ્યો છે. ઈસ્ટ ઝોનના ઈજનેર પરેશ અઢીયાએ જણાવ્યું કે 2022થી પછી રોડ-રસ્તા માટેની ગ્રાન્ટમાં વધારો થયો છે. આ ઉપરાંત 50 વર્ષ સુધી વગર વ્યાજની 100 કરોડની લોન પણ મળી છે. આ પેટે વેસ્ટ ઝોનને બે વર્ષ દરમિયાન 120 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળવા પામી છે. ઈજનેરોનો સ્પષ્ટ મત રહેવા પામ્યો કે રોડ-રસ્તા બનાવવા અથવા રિપેરિંગ માટે ડામરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે પાણીનું દુશ્મન છે ! અત્યારે વરસાદની સીઝન છે એટલા માટે રસ્તા પર વધુ સમય સુધી પાણી ભરાયેલું રહે અને ત્યારબાદ તેના ઉપરથી ભારે વાહન અથવા તો નાનું વાહન સ્પીડમાં પસાર થાય એટલે ડામર છૂટો પડવા લાગે છે. મહાપાલિકા પાસે વરસાદી પાણીના નિકાલની સજ્જડ વ્યવસ્થા ન હોવાને કારણે લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે છે. આ જ કારણથી રસ્તાને નુકસાન થઈ રહ્યું છે.