અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે પહિંદ વિધિ
રથયાત્રાને લઇ મંદિરમાં તૈયારીઓ શરૂ: વાજતે-ગાજતે થયું મામેરૂ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે ગુજરાતમાં 180 રથયાત્રાઓ વાજતે-ગાજતે હર્ષોલ્લાસ સાથે યોજાશે. રથયાત્રાના દિવસે અમદાવાદમાં વહેલી સવારે પ્રભુને આદિવાસી નૃત્ય અને રાસગરબા રમાશે એટલું જ નહીં, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ પહેલી વાર પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.ગઈ કાલે વાજતે-ગાજતે સાત જોડ વાઘા અને ઘરેણાં સાથે ભગવાનનું મામેરું થયું હતું. ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ રથયાત્રાની વિગતો આપતાં કહ્યું હતું કે આ વર્ષે પહેલી જુલાઈએ ગુજરાતમાં કુલ 180 રથયાત્રાઓ યોજાશે, જેમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાંથી નીકળશે જેમાં 10 લાખથી વધુ લોકો ભાગ લેતા હોય છે. અમદાવાદ પછી મોટી રથયાત્રા ભાવનગરમાં નીકળશે જેમાં એક લાખ લોકો જોડાતા હોય છે. આ ઉપરાંત 10 હજારથી વધુ લોકો જોડાતા હોય એવી 16 રથયાત્રાઓ ગુજરાતનાં જુદાં-જુદાં શહેરોમાં યોજાશે. 2020માં રથયાત્રા યોજાઈ નહોતી, જયારે 2021માં 59 રથયાત્રાઓ ઓછા સમય માટે નિયમિત રૂટ પર નીકળી હતી.
આ વખતે અમદાવાદમાં 145મી રથયાત્રા છે જે 19 કિલોમીટરના રૂટ પર નીકળશે. ભાવનગરમાં 37મી રથયાત્રા છે અને એ 17 કિલોમીટરના રૂટ પર યોજાશે.
અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું હતું કે શુક્રવારે રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે. સાડાચાર વાગ્યે ખીચડી ભોગ ધરાવવામાં આવશે. સવારે પાંચ વાગ્યે ભગવાનને પ્રિય આદિવાસી નૃત્ય અને રાસગરબા યોજાશે. પોણાછ વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે. સાત વાગીને પાંચ મિનિટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે અને રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. રથયાત્રામાં 18 ગજરાજ, બે હજાર સાધુસંતો, 100થી વધુ શણગારેલી ટ્રકો, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજાં જોડાશે.
- Advertisement -
ભુપેન્દ્ર પટેલનાં બે દિવસનાં કાર્યક્રમો રદ: અનેક તર્કવિતર્ક
ખાસ-ખબર સંવાદદાતા
સામાન્ય રીતે મંગળવારનો દિવસ મુખ્યમંત્રી આમજનતાને મળતા હોય છે પરંતુ ગઈકાલે અચોક્કસ કારણોસર તેઓ કાર્યાલય પર આવશે નહીં તેવા સંદેશાની સાથે આજે બુધવારે યોજાનારી કેબીનેટની બેઠક રદ કરવામાં આવી હોવાના સચિવ કક્ષાએથી સંદેશો પાઠવતા પાટનગર વર્તુળમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન સરકાર કે ભાજપના કોઈ મોટા કાર્યક્રમો નથી કે ગુજરાતમાં કોઈ મહત્વની વ્યક્તિની પણ મુલાકાત નથી એક સમયે મુખ્યમંત્રી અને પાટીલે પોતાની તમામ મુલાકાતોને કાર્યક્રમો રદ કરી ને સમય અનામત કરી દેતા અનેક તર્ક સર્જાયો છે.