આમાં માણાવદર શહેરમાં સ્વચ્છતા કયાંથી રહે!
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
માણાવદર નગરપાલિકા તંત્રની દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે લોકો ની સમસ્યાથી નગરપાલિકા તંત્ર પણ ઘેરાઈ ગયું છે. એકબાજુ સ્વચ્છતા પખવાડીયું ઉજવાઈ રહ્યું છે તો બીજી તરફ માણાવદર નગરપાલિકામાં માત્ર ભૂગર્ભ ગટરના પાણી નિકાલની જ 150 જેટલી ફરિયાદોઓનાં ઢગલા થઈ ગયા છે. ત્યારે સમસ્યાનું નિવારણ ન થતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે.
- Advertisement -
માણાવદરના શહેરના લોકોની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ભૂગર્ભ ગટર લોકોની સુખાકારી માટે નહીં અત્યારે તો લોકો માટે આફતરૂપ છે તેવો તાલ સર્જાયો છે ત્યારે પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવી જરૂરી છે. ત્યારે માણાવદર નગરપાલિકાના મોટુ જેટી વાહન પણ ઘણા સમયથી રીપેરીંગમાં છે ત્યારે માણાવદર શહેરની ફરિયાદો માટે અન્ય નગરપાલિકા એટલે કે બાંટવા નગરપાલિકા પાસેથી મંગાવવાની પણ ફરજ પડે છે. અને શહેરની ભૂગર્ભ ગટરના પાણી ખેંચી શકે તે માટે ઝોન વાઇઝ સંપમાં ઈલેક્ટ્રીક મોટરો ફીટ કરવામાં આવેલી છે. જેમાં રઘુવીરપરા સંપમાં 60 એચપી 1 મોટર, 40 એચપીની 2 મોટર, જડેશ્વર મંદિર પાસે સંપમાં 10 એચપીની 2 મોટરો, ગોકુલ નગર પાસે સંપમાં 10 એચપીની બે મોટરો ફીટ કરવામાં આવેલી છે ત્યારે આ તમામ મોટરો હાલ બંધ હાલતમાં છે જેથી માણાવદર શહેરની ભુગર્ભ ગટરના પાણી ખેંચી શકાતા નથી અને પાણી ન ખેંચાતા પાણી રસ્તામાં અને ઘરોમાં ઘૂસી જાય છે. અત્યારે માત્ર ગોકુલનગર સંપ પાસે માત્ર 5 એચપી ની મોટર ફીટ કરીને ગાડુ ગબડાવાય રહ્યું છે. જયારે રઘુવીરપરાના સંપમાં આવેલી મોટર તો 24 કલાકમાં બળી ગઈ હતી.