ધોરણ 9-10ની આંતરિક પરીક્ષામાં શૂન્ય માર્ક્સ લાવેલા વિદ્યાર્થીઓને પણ ગ્રેસિંગ માર્ક્સ આપી પાસ કરાયા
કેટલાક વિદ્યાર્થીઓને પાસ કરવા 198 ગ્રેસિગ માર્કસ અપાયા
ખાસ-ખબર સંવાદદાતા
ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેના કારણે 8.57 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે અનેક વિદ્યાર્થીઓ નાપાસ થતાં હોય છે. પરંતુ માસ પ્રમોશનના કારણે તમામ વિદ્યાર્થીઓને પાસ કરવા પડ્યા છે. ધોરણ 9 અને 10માં શૂન્ય માર્કસ મેળવ્યા હોય તેમને પણ પૂરેપૂરા ગ્રેસિંગ માર્કસ આપીને પાસ કરી દેવાયા છે અને હવે આ વિદ્યાર્થીઓ આગળ ભણવા માટે પ્રવેશ પણ મેળવશે..
ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.બોર્ડની વેબસાઇટ ના દર્શાવ્યા પ્રમાણે અનેક વિદ્યાર્થીઓને પાસ કરવા માટે 198 માર્કસ ગ્રેસિંગ તરીકે આપવામાં આવ્યા છે.દરેક વિષયમાં ઓછામાં ઓછાં 33 માર્કસ જરૂરી છે અને કુલ 6 વિષય હોવાને કારણે પાસ થવા માટે 198 માર્કસ જરૂરી છે. અનેક વિદ્યાર્થીઓ શૂન્ય માર્કસની ગણતરીમાં પણ આવે છે જેથી તે તમામને 198 માર્કસ ગ્રેસિંગ તરીકે આપવામાં આવ્યા છે.