મહાકુંભ મેળાના યાત્રાળુઓ માટે પશ્ર્ચિમ રેલવેએ ખાસ ટ્રેનો ચલાવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
મહાકુંભ મેળામાં જનાર યાત્રાળુઓ અને ભક્તોની યાત્રાને સુખદ અને આધ્યાત્મિક અનુભવ બનાવવામાં ભારતીય રેલ્વે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કુંભ મેળામાં હાજરી આપવા માટે આવતા યાત્રાળુઓના આ વિશાળ ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનો જેમ કે અમદાવાદ, સાબરમતી, મુંબઈ સેન્ટ્રલ, વાપી, વલસાડ, ઉધના, વડોદરા, વિશ્વામિત્રી, ભાવનગર, રાજકોટ, ઇન્દોર વગેરે પરથી 125 ટ્રીપ ખાસ ટ્રેનો ચલાવામાં આવી રહી છે. ભારતીય રેલ્વે મહા કુંભ મેળા 2025 માં આવનારા યાત્રાળુઓને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી રહી છે. રેલ્વે વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓને કુંભ મેળામાં સલામત અને આરામદાયક મુસાફરી મળે તે સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી રહ્યું છે.
- Advertisement -
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, કુંભ મેળામાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને પશ્ચિમ રેલ્વેની વિશેષ ટ્રેનોએ શ્રદ્ધાળુઓની અવરજવરને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ વિશેષ ટ્રેનો પ્રયાગરાજ તેમજ નજીકના અન્ય રેલ્વે સ્ટેશનો સુધી દોડાવવામાં આવી રહી છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ કુંભ મેળા સુધી પહોંચવા માટે સેવાઓનો લાભ લઈ રહ્યા છે. આજ સુધી, પશ્ચિમ રેલ્વેએ આ કુંભ વિશેષ ટ્રેનો દ્વારા 1.65 લાખથી વધુ શ્રદ્ધાળુઓને લઈ જવામાં આવ્યા છે. વિનીતે માહિતી આપી હતી કે કુંભ સ્પેશિયલ ટ્રેનોની 24 ટ્રીપ અમદાવાદ ડિવિઝનથી, 26 ટ્રીપ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનથી, જ્યારે 8 ટ્રીપ ભાવનગર ડિવિઝનથી, 4 ટ્રીપ રાજકોટ ડિવિઝનથી, 2 ટ્રીપ વડોદરા ડિવિઝનથી અને 6 ટ્રીપ રતલામ ડિવિઝનથી ચલાવવામાં આવી રહી છે.