અર્થાત: જેવી રીતે સૂક્કું વૃક્ષ આગમાં સળગે તો આખા વનમાં દાવાનળ ફેલાવી દે છે, તેવી જ રીતે એક કૂપુત્ર આખા કુળને ભસ્મ કરી નાંખે છે. તેથી જ કહેવાય છે કે, નહીં જન્મેલાં, મરણ પામેલાં અને મુર્ખ પુત્રમાંથી પહેલાં બેઉ બહેતર છે. કારણ કે એ બેઉ તો એક જ વખત દુ:ખ આપે છે, મુર્ખ પુત્ર તો આજીવન દુ:ખ આપતો રહે છે. મોરબી દુર્ઘટના સ્વયં એક અત્યંત આંચકાજનક ઘટના છે પરંતુ એટલી જ સ્તબ્ધ કરી દેનારી વાસ્તવિકતા છે: ઓરેવાનાં જયસુખ પટેલનું સપરિવાર ફરાર થઈ જવું. એટલીસ્ટ, ઓધવજીભાઈ પટેલ જેવા મહાનુભાવનાં પુત્ર-પરિવાર પાસેથી કોઈને આવી અપેક્ષા ન જ હોય. લોકો દાઢમાં કહે છે: ‘ઓધવજીભાઈની કમાણી, જયસુખભાઈમાં સમાણી!’ ઝૂલતો પુલ તૂટ્યો અને ક્ષણભરમાં ઓરેવાનાં જયસુખ પટેલનો પરિવાર ગાયબ થઈ ગયો એ હકીકત જ પુરવાર કરે છે કે, તેઓને ખ્યાલ હતો કે ક્યાંક ને ક્યાંક આ ઘટના માટે પોતે જવાબદાર છે. પણ, જવાબદાર હોય તો સામે ચાલીને જવાબદારી સ્વીકારવી જોઈએ. પરિવારનાં સભ્યોને અને ઓરેવાનાં સ્ટાફને રાહત-બચાવમાં કામે લગાડી દેવા જોઈએ. તત્કાળ આર્થિક સહાયની જાહેરાત કરવી જોઈએ. બીજું કશું નહીં, એમણે ફક્ત એટલું વિચારવાની જરૂર હતી કે, તેઓ કોનાં પુત્ર છે.
ઓધવજીભાઈ પટેલ જિંદગી આખી ચિક્કાર પૈસા અને પૈસા કરતાં સોગણી શાખ કમાયા, આદર કમાયા
- Advertisement -
જયસુખ પટેલે પળભરમાં બધાંનો સોથ વાળી દીધો, દોઢસો માનવ જિંદગીનો ભોગ લીધાં પછી તેઓ કોઈ જ જાતની શરમ વગર સપરિવાર રફુચક્કર થઈ ગયાં
જયસુખ પટેલના પિતા ઓધવજીભાઈ પટેલ એક પ્રતિબદ્ધ આગેવાન અને ઉદ્યોગપતિ હતાં. તેઓ આજીવન અનેક ટ્રસ્ટ સાથે સંકળાયેલાં રહ્યાં, ડઝનબંધ સંસ્થાઓની જવાબદારી નિભાવી, ચેકડેમનાં વિરાટ કાર્યો કર્યા, કરોડોનું દાન અનેક વખત કર્યું. નક્કર કાર્યો થકી તેઓ અમૂલ્ય ગણાય તેવી શાખ કમાયા. તેમણે કદી તરંગ-તુક્કાનાં ઘોડાં દોડાવ્યા નથી- જે કાર્ય હાથમાં લીધું તે સુપેરે-જવાબદારીપૂર્વક પાર પાડ્યું. માત્ર એક ભામાશા હોવાને કારણે જ નહીં, પરિણામલક્ષી કાર્યો કરવાની તેમની આદતે તેમને સમગ્ર પાટિદાર સમાજનાં મોભીનો દરજ્જો અપાવ્યો હતો.
બીજી તરફ જયસુખ પટેલ છે. તેમનાં પુત્રરત્ન. હાથમાં લીધેલું એકપણ કાર્ય સારી પેઠે પાર પાડે તો તમારું જોડું અને અમારું માથું.
ઓધવજીભાઈ પટેલ જિંદગી આખી ચિક્કાર પૈસા અને પૈસા કરતાં સોગણી શાખ કમાયા, આદર કમાયા. પુત્ર જયસુખ પટેલે પળભરમાં બધાંનો સોથ વાળી દીધો. દોઢસો માનવ જિંદગીનો ભોગ લીધાં પછી તેઓ કોઈ જ જાતની શરમ વગર નૈતિક ફરજની ઐસીતૈસી કરીને સપરિવાર રફુચક્કર થઈ ગયાં. ઓધવજીભાઈએ દાયકાઓ સુધી ખંતપૂર્વક ધંધો કર્યો, અભૂતપૂર્વ પ્રતિબદ્ધતાથી લોકસેવાનાં કાર્યો કર્યા, દાન-પૂણ્ય કર્યા… આ બધું જ એક જ પહોરમાં જયસુખ પટેલે ધૂળધાણી કરી નાખ્યું.
- Advertisement -
નબળું રિનોવેશન, પરિક્ષણ વગર પુલ પુન: ખૂલ્લો મૂકી દેવાની તેમની સમજી ન શકાય તેવી ઉતાવળ અને પબ્લિસિટીનાં કિડાએ એક એવી દૂર્ઘટના સર્જી દીધી- જેણે અનેક પરિવારો ખેદાનમેદાન કરી નાખ્યાં. ઓધવજીભાઈનાં બધાં જ પૂણ્યકર્મો ધોવાઈ ગયા. હવે જયસુખ પટેલ ચારધામની યાત્રા કરે, સાત પુરી અને એકાવન શક્તિપીઠોનાં દર્શન કરે, કૈલાસની પ્રદક્ષીણા કરે કે માન સરોવરમાં સ્નાન કરે, ગૌશાળાઓ બંધાવે કે સદાવ્રતો ચાલું કરે કે ધ્રુવ જેવું તપ કરે તો પણ તેનાં પાપ ધોવાય તેમ નથી. ગલોટીયા ખાતાં-ખાતાં તેઓ બાર જયોતિર્લિંગના દર્શન કરવા જશે તો પણ ઈશ્ર્વર તેમને ગુનો માફ નહીં કરે.
મોરબીની દુર્ઘટનાથી એ વાત પણ સ્પષ્ટ થઈ છે કે, સરકાર હસ્તકની આવી મિલ્કતો કોઈ બેજવાબદાર લોકોને હરગીઝ અપાવી ન જોઈએ. શા માટે આપવાની? ગુજરાત સરકાર જો સ્ટેચ્યુ ઑફ યુનિટી જેવાં મેગા પ્રોજેક્ટ કરી શકતી હોય, તેની જાળવણી કરી શકતી હોય, સાબરમતી રિવરફ્રન્ટ અને સોમનાથ કોરિડોર અને ગિરનાર રોપ-વે તૈયાર કરાવી શકતી હોય તો ઝૂલતો પુલ વળી એવું ક્યું તોતિંગ ટુરિસ્ટ સ્પોટ છે કે જેની જાળવણી-રિનોવેશન સરકારથી ન થાય! સમજાય નહીં તેવી વાત છે. માત્ર બે કરોડનો ખર્ચ બચાવવા જયસુખ પટેલ જેવાં બેજવાબદાર માણસને જોખમી ઝૂલતો પુલ શા માટે સોંપવામાં આવ્યો? એવી તો શી જરૂર ઊભી થઈ? સવાલ તો અનેક છે: એફ.આઈ.આર.માં જયસુખ પટેલનું નામ સુદ્ધાં કેમ નથી? ઓરેવાનો મેનેજર જો દોષિત ગણાતો હોય તો એમ.ડી. શા માટે નહીં? કોઈએ એક ચોટદાર ટ્વિટ કરી છે: ‘દક્ષિણ કોરિયામાં હમણાં ભીડમાં દોડધામને કારણે દોઢસો લોકોનાં મોત થયા તો પોલીસ વડાને પૂર્ણત: જવાબદારી સ્વીકારી ગૃહમંત્રીએ સંસદમાં નતમસ્તકે માફી માંગી. અને આપણે ત્યાં 140 લોકોનાં મોત પછી ટિકિટ કલાર્કની ધરપકડ થઈ છે!