વન વીક વન રોડ અભિયાન ફરી શરૂ, 20 કેબિનો અને 25 હોર્ડિંગ્સ હટાવાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
મોરબી મહાપાલિકાએ લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. આજે મહેન્દ્રનગર વિસ્તારમાં રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં 20 કેબિનો અને 25 હોર્ડિંગ્સનો સમાવેશ થાય છે.
- Advertisement -
મહાપાલિકા દ્વારા અગાઉ “વન વીક વન રોડ” ઝુંબેશ ચલાવવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કામગીરી સ્થગિત થઈ ગઈ હતી. આજે સવારે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ મહેન્દ્રનગર વિસ્તારની મુલાકાત લીધા બાદ દબાણો ધ્યાનમાં આવતા તાત્કાલિક ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો.
આ કાર્યવાહીમાં પીપળી જવાના રોડ પર રામધન આશ્રમની બંને બાજુના દબાણો હટાવવામાં આવ્યા હતા. આ દબાણોમાં 20 જેટલી કેબિનો અને 25 જેટલા હોર્ડિંગ્સનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, દબાણ હટાવવાની કામગીરી દરમિયાન 5 જેટલી ડોર-ટુ-ડોર કલેક્શન માટેની સાઈકલ લારીઓ પણ મળી આવી હતી, જે ગ્રામ પંચાયત હસ્તક હતી. મહાપાલિકાની ટીમે આ લારીઓને હસ્તગત કરી હતી.
આ કાર્યવાહીથી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને રસ્તો ખુલ્લો બનશે. મહાપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી સંભાવના છે.