એક દરોડામાં આરોપીના ચહેરા દેખાડ્યા, બીજા દરોડામાં આરોપીના મોઢા રૂમાલથી ઢાંકી દીધા!
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં દિન પ્રતિદિન દારૂ જુગારની બદી વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા ભલે જુગારધામ પર દરોડા કરી કેસ કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવે પરંતુ મોરબી જીલ્લામાં જુગારધામ પર પોલીસની લગામ નથી તે હકીકત છે અને પોલીસ શા માટે આ બદી કાબુમાં લઈ નથી શકતી તેના ઘણા કારણો છે. કેટલાક કેસમાં પોલીસ જાણે વ્હાલા દવલાની નીતિ રાખતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મોરબી એલસીબી દ્વારા ટંકારાના લજાઈ ગામ નજીક તેમજ મોરબીના ઈન્દિરાનગરમાં દરોડો પાડીને જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને દરોડા એક પ્રકારના હોવા છતા અલગ એ રીતે પડે છે કે ઈન્દીરાનગરમાંથી જુગાર રમતા ઝડપેલા આરોપીઓના ચહેરા દેખાય તેવી રીતે ફોટા પોલીસે જાહેર કર્યા હતા જયારે લજાઈ નજીકની રેઈડમાં મોરબી એલસીબીએ ચાલાકીથી આરોપીઓના મોઢા પર રૂમાલ ઢંકાવીને ફોટા જાહેર કર્યા હતા.
- Advertisement -
મોરબી એલસીબી ટીમે મહેન્દ્રનગર નજીક ઈન્દિરાનગર વિસ્તારમાં આવેલ ભંગાર ડેલામાં દરોડો પાડીને જુગાર રમતા મનીષભાઈ ભાણજીભાઈ પટેલ, રોહિતભાઈ જયંતિભાઈ પટેલ, પરેશભાઈ મહાદેવભાઈ પટેલ, દિનેશભાઈ બાલજીભાઈ પટેલ, હરસુખભાઈ ગાંડુભાઈ પટેલ (રહે. પાંચેય નવી પીપળી) અને અશોકભાઈ ગાંડુભાઈ બાપોદરા (રહે. માનગઢ, તા. હળવદ) ને ઝડપી લીધા હતા અને એલસીબી ટીમે રોકડા રૂ 1,11,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં એલસીબીએ આરોપીના ઉઘાડા મોઢા સાથે ફોટા જાહેર કર્યા હતા. જ્યારે બીજા એક બનાવમાં મોરબી એલસીબીએ ટંકારાના લજાઈ ગામની સીમમાં દરોડો પાડીને ઉમિયા એસ્ટેટ નામના કોમ્પ્લેક્ષની બંધ દુકાનના ઓટલા ઉપર જુગાર રમતા રમેશભાઈ તળશીભાઈ પટેલ અને જગદીશભાઈ ભગવાનજીભાઈ પટેલ (રહે. બંને મોરબી)ને ઝડપી લીધા હતા અને રોકડા રૂ. 1,02,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો જોકે આ દરોડાની પ્રેસનોટમાં એલસીબીએ ચાલાકી વાપરી બંને આરોપીના મોઢા ઢાંકી દીધા હતા અને જાણે બંને આરોપીની ઓળખ છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબી એલસીબીએ એક જ પ્રકારના બે ગુનામાં આ રીતે અલગ અલગ નીતિ કેમ અપનાવી તે ચોંકાવનાર છે. આ અંગેનો જવાબ ખુદ એલસીબી જ આપી શકે તેમ છે અને જીલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી પાસેથી આ બાબતે ખુલાસો પૂછવામાં આવશે કે પછી તેરી ચૂપ, મેરી ચુપ કરી મામલો રફેદફે કરી દેવાશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.