લાખોનો ટેક્સ ભરતી જનતા મૂળભૂત સુવિધાઓ માટે વલખાં મારે છે: આંદોલન બાદ તંત્ર અને ભાજપના નેતાઓ દોડતા થયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
સમગ્ર સૌરાષ્ટ્રમાં ’પેરિસ’ના નામે ઓળખાતા મોરબી શહેરની ઓળખ હવે ’ખાડાનગર’માં બદલાઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી રોડ-રસ્તા અને ગટરના પ્રશ્નોથી ત્રસ્ત મોરબીની જનતાની ધીરજ ખૂટી પડતાં ગઈકાલે શનાળા રોડ પર ઉતરી આવી હતી અને ચક્કાજામ કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ આંદોલન બાદ તંત્ર અને રાજકીય આગેવાનો દોડતા થયા હતા.
- Advertisement -
મોરબી શહેર સિરામિક ટાઈલ્સ અને ઘડિયાળ ઉદ્યોગનું હબ છે, જ્યાં લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે અને કોઈ ભૂખ્યું સૂતું નથી. ઉદ્યોગકારો અને નાના વેપારીઓ કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવી રહ્યા છે, તેમ છતાં શહેરની જનતાને મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ જેવી કે સારા રસ્તાઓ અને ગટર વ્યવસ્થા માટે આવેદન-નિવેદનો અને કાલાવાલા કરવા પડે છે.
શનાળા રોડ પર આવેલી શ્રીકુંજ સોસાયટી, અવધ સોસાયટી સહિતના સ્થાનિકો રસ્તાઓની બિસ્માર હાલત અને કીચડની સમસ્યાથી છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા. અગાઉ કરેલી રજૂઆતોને તંત્ર અને પાલિકાએ તેમજ અમુક રાજકીય આગેવાનોએ ઘોળીને પી જતા, જનતાએ ’દે ધના ધન’ નીતિ અપનાવી હતી. શહેરના મુખ્ય માર્ગ શનાળા રોડને બંધ કરતા જ હજારો વાહનચાલકો, સ્કૂલ બસો અને એસ.ટી. બસોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ચક્કાજામના સમાચાર મળતા જ પાલિકાના ડેપ્યુટી કમિશનર સોની સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ડેપ્યુટી કમિશનરને પગપાળા પોતાની સોસાયટીના “દર્શન” કરાવ્યા હતા, જેથી તેઓ જમીની વાસ્તવિકતા સમજી શકે. જોકે, ડેપ્યુટી કમિશનરની ખાતરી કે વાતનો કોઈ અર્થ ન હોય તેમ, સ્થાનિકોએ “મનપા હાય હાય, ભાજપ હાય હાય” ના નારા લગાવ્યા હતા.
ભાજપ અગ્રણીની દરમિયાનગીરી અને સમાધાન
- Advertisement -
મોડી સાંજે ભાજપના અગ્રણી અજય લોરીયા ઘટના સ્થળે પહોંચ્યા અને મધ્યસ્થી કરી ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો રાજકારણ છોડી દઈશ અને આજીવન ભાજપ છોડી દઈશ.” આ ખાતરી બાદ સમગ્ર સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ તરત જ ભાજપ અગ્રણી અજય લોરીયાએ મોરમ-કપચી પાથરવાનું કામ શરૂ કરાવ્યું હતું. શું આ આંદોલન બાદ મોરબીના રસ્તાઓની દશા સુધરશે અને ’પેરિસ’ ફરી તેની ઓળખ પાછી મેળવશે તે જોવું રહ્યું.