ઓરેવા ગ્રુપ સાથે ઝુલતા પુલનો ખાનગીમાં કરાર કર્યા બાદ બચવા માટે કરાસો
મોરબી નગરપાલિકાની માલિકી વાળા જુલતાપુલનો છેલ્લે અજંતા ગ્રુપ (ઓરેવા ગ્રૃપ) સાથે જે કરાર કરવામાં આવ્યો હતો તે કરારને જનરલ બોર્ડમાં લેવામાં આવ્યો ન હતો પરંતુ હાલમાં જ્યારે ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ હાઇકોર્ટમાં સુઓમોટો અને પીએલઆઇની સુનવણી એક સાથે ચાલી રહી છે ત્યારે તેમાં બચવા માટે નગરપાલિકાએ સિનિયર એડવોકેટને મોરબી નગરપાલિકાની રજૂઆત કરવા માટે થઈને રોકિયા છે અને તે માટે તેની એડવોકેટ ફી તથા આ કેસ માટે જે કોઈપણ ખર્ચ થાય તે મંજૂર કરવા તાબડતોબ મોરબી નગરપાલિકામાં પાલિકા પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે અને તેમાં પાલિકાના કેટલાક સભ્યોએ સહમતિ દર્શાવી છે જેથી કરીને આ મુદ્દો ચૂંટણીમાં રાજકીય રીતે રંગ પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
- Advertisement -
મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપ સાથે છેલ્લે ગત માર્ચ મહિનામાં જે કરાર કરવામાં આવ્યો હતો તે કરારનો ઠરાવ પાલિકાના જનરલ બોર્ડમાં કરવામાં આવ્યો ન હતો જેથી કરીને તે કરારની સામે હાલમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને જુદી જુદી એજન્સીઓ દ્વારા ઝૂલતો પુલ તૂટી પડવા મુદ્દે તપાસ ચલાવવામાં આવી રહી છે તેની સાથોસાથ હાઇકોર્ટમાં સુઓમોટો અને પીએલઆઇની સુનવણી પણ એક સાથે ચાલી રહી હોય નગરપાલિકા તરફે આ કેસમાં સિનિયર એડવોકેટ રોકવાની જરૂરિયાત લાગતા તાત્કાલિક ધોરણે નગરપાલિકામાંથી પાલિકાના પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે અને ઠરાવ કરીને સિનિયર એડવોકેટને મોરબી નગરપાલિકા તરફે રજૂઆત કરવા માટે રોકવાની કવાયત શરૂ કરવામાં આવી છે અને કુલ મળીને બે એડવોકેટને મોરબી નગરપાલિકાની હાઇકોર્ટમાં રજૂઆત કરવા માટે થઈને રોકવા માટેનો આ ઠરાવ કરાયો છે અને તેમાં એડવોકેટની ફી તેમજ આ કેસ માટે જે કંઈ ખર્ચ થાય તે ખર્ચ મંજૂર કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીએ છે કે મોરબી નગરપાલિકા દ્વારા ગત માર્ચ મહિનામાં જ્યારે ઓરેવા ગ્રુપ સાથે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી ત્યારે હાલમાં જે રીતે પાલિકાના બચાવ માટે એડવોકેટ પાલિકાના ખર્ચે રોકવા માટેનો તાબડતોબ સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે આવી રીતે જુલતા પુલની જવાબદારી સોંપવા માટે પાલિકાના પ્રમુખ કે જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા સર્ક્યુલેટિવ ઠરાવ કેમ કરવામાં આવ્યો ન હતો તે પણ તપાસનો વિષય છે અને સામાન્ય રીતે દરેક નગરપાલિકામાં પાલિકાના પેનલ એડવોકેટ હોય છે પરંતુ મોરબી નગરપાલિકા દ્વારા વર્ષોથી જે વકિલોને પેનલ એડવોકેટમાં રાખવામાં આવ્યા હોય તેમાં કેમ કોઈ સિનિયર વકીલનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો ? તે પણ ચર્ચાનો વિષય છે અને હાલમાં થતી રાજકીય ચર્ચા મુજબ પાલિકાના અધિકારી, પદાધિકારીઓ સહિતનાઓએ રાખેલી બેદરકારી કે કરેલી ભૂલનો ખર્ચ પાલિકાની તીજોરીમાંથી થાય તે કેટલા અંશે વ્યાજબી છે ?
મોરબી પૂલ દુર્ઘટનાના સાત આરોપીઓએ જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી
મોરબી સહિત સમગ્ર દેશને હચમચાવી નાખનાર ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં એક તરફ મૃતક પરિવાર અને તેમના સ્વજનો ભોગ લેનારાને સજા થાય તેવું ઈચ્છી રહ્યા છે અને પોલીસ આ ઘટનામાં અનેક આરોપીઓને છાવરી રહી હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે તો બીજી તરફ આરોપીઓની કોર્ટમાં જામીન અરજી થવા લાગી છે. મોરબીની અદાલતમાં આરોપીએ જામીન મેળવવા અરજી કરી છે. ફેબ્રિકેશનનું કામ કરનાર પેટા કોન્ટ્રાક્ટર પ્રકાશ પરમારે તો અગાઉ પણ અરજી કરી હતી જ્યારે અન્ય સાત આરોપીઓએ હવે અરજી કરી છે જેની સુનાવણી આગામી તા. 21 ના રોજ હાથ ધરવામાં આવશે.
- Advertisement -
મોરબીનો ઝૂલતો પુલ ગત તા. 30 ઓક્ટોબરના રોજ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થયા હતા જે બનાવ મામલે પુલનું મેન્ટેનન્સ કરતી એજન્સી અને મેનેજમેન્ટ કરતી એજન્સી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે ઓરેવાના મેનેજર દિપક નવીનચંદ્ર પારેખ, દિનેશ મહાસુખરાય દવે, ફેબ્રિકેશન કામગીરી કરનાર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશ પરમાર સહિતનાની ધરપકડ કરી હતી. આ કેસમાં ઝડપાયેલા ઝડપાયેલા પ્રકાશ પરમારે અગાઉ જામીન માટે અરજી કરી હતી જયારે 7 આરોપીઓ દિપક પારેખ, દિનેશ દવે, મનસુખ વાલજીભાઈ ટોપીયા, મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણે હાલ અરજી કરી છે. આ આઠ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી છે જેની તા. 21 ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી સંભાવના છે.