અરજી કરવાની અંતિમ તારીખ 5મી ડિસેમ્બર સુધી લંબાવાઈ; ક્ષતિવાળી અરજીઓમાં સાધનિક કાગળો તુરંત જમા કરાવવા ખેડૂતોને અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
ઓક્ટોબર 2025ના વરસાદથી પાકને થયેલા નુકસાન બદલ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત મોરબી જિલ્લામાં સહાય ચૂકવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
જિલ્લા વહીવટી તંત્રની રાત-દિવસની કામગીરીના પરિણામે, ટૂંકા ગાળામાં જ અત્યાર સુધીમાં 42,964 ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. 144 કરોડથી વધુની નાણાકીય સહાય જમા થઈ ચૂકી છે.
જિલ્લામાં તા. 14/11/2025 થી 29/11/2025 સુધીમાં કુલ 1,22,471 ખેડૂત ખાતેદારોએ સહાય માટે અરજીઓ કરી છે. સરકાર દ્વારા ખેડૂતો અરજીથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની સમય મર્યાદા વધુ 7 દિવસ એટલે કે 05-12-2025 સુધી વધારી દેવામાં આવી છે.
જોકે, ઘણી અરજીઓમાં ખેડૂતોની સહી અથવા સંયુક્ત ખાતેદારોની સંમતિ જેવા સાધનિક કાગળોની ક્ષતિઓ હોવાનું ધ્યાને આવ્યું છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીએ તમામ ખેડૂતોને વિનંતી કરી છે કે જેમની અરજીઓમાં આવી કોઈ ખામી હોય, તેઓ તુરંત જ પોતાના વિસ્તારના ગ્રામસેવક/તલાટી કમ મંત્રીને જરૂરી આધાર પુરાવા પહોંચાડે, જેથી સહાયની ચુકવણીમાં વિલંબ ટાળી શકાય અને ખેડૂતોને ઝડપથી રાહત મળી શકે.



