ટેરીફ વોરને કારણે સિરામિક ઉદ્યોગ પર ફરી મંદીના વાદળો ઘેરાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.2
ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થઇ ના હતી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 1 ઓગસ્ટથી ભારતના ઉત્પાદનો પર 25 ટકા ટેરીફ ઉપરાંત પેનલ્ટીની જાહેરાત કરવામાં આવી હતી જે ટેરીફ દરો આજથી લાગુ થવાના હતા જોકે સાત દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યા છે છતાં મોરબી સિરામિક ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે અને ટેરીફનો મુદો જલ્દી નહિ ઉકેલાય તો અમેરિકામાં મોરબીથી થતા 1500 કરોડના એક્સપોર્ટ પર અસર થશે.
- Advertisement -
મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા દર વર્ષે 1500 કરોડની સિરામિક ટાઈલ્સનું એક્સપોર્ટ કરવામાં આવે છે સિરામિક ઉદ્યોગ પર અગાઉ જ અમેરિકામાં 9 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી, 3 ટકા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ પડતી હતી અને હવે 25 ટકા ટેરીફ લાગુ પડતા કુલ ટેક્ષ 37 ટકા પર પહોંચી ગયો છે જેથી મોરબીથી જતી ટાઈલ્સ અમેરિકામાં ખુબ મોંઘી થઇ જશે અને ચીન સામે હરીફાઈમાં કોઈ રીતે ટકી સકે તેમ નથી ટેરીફને પગલે અમેરિકાના ઈમ્પોર્ટર દ્વારા ઓર્ડર કેન્સલ કરવામાં આવી રહ્યા છે જેથી સિરામિક ઉધોગની મુશ્ર્કેલીઓ શરુ થઇ છે હાલ સાત દિવસ માટે ટેરીફ સ્થગિત કરવામાં આવ્યા છે અને 7 ઓગસ્ટ સુધી લાગુ નહિ પડે છતાં ત્યારબાદ પણ અમેરિકન સરકાર સાથે ભારત સરકારની ડીલ નહિ થાય તો ટેરીફ લાગુ પડી જશે અને મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડશે. મોરબી સિરામિક એસો પ્રમુખ હરેશભાઈ બોપલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગનું કુલ ટર્નઓવર 60 હજાર કરોડનું છે જેમાંથી 20 હજાર કરોડ એક્સપોર્ટ થાય છે અને માત્ર અમેરિકામાં દર વર્ષે 1500 કરોડની ટાઈલ્સ એક્સપોર્ટ કરવામાં આવે છે એક વર્ષ પહેલા સુધી મોરબી સિરામિક ઉદ્યોગ જેને સૌથી વધુ એક્સપોર્ટ કરે છે તે લીસ્ટમાં અમેરિકા પહેલા નંબરે આવતું હતું.
જોકે હવે ટેરીફ યુદ્ધ બાદ સ્થિતિ કેટલી બદલાશે તેનું હાલ અનુમાન લગાવવું મુશ્ર્કેલ છે પરંતુ અમેરિકા સાથેનો વેપાર ઘટી જશે તો મોરબી સિરામિક ઉદ્યોગના 1500 કરોડના એક્સપોર્ટને સીધી અસર થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી હાલ સિરામિક એસો પ્રમુખ તેમજ ઉદ્યોગકારો પણ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે પરંતુ લાંબા ગાળે ઉદ્યોગને નુકશાન થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી અને ભવિષ્યને લઈને ચિંતિત નજરે પડી રહ્યા છે