ઝૂલતા પુલના મેન્ટેનન્સનો કોન્ટ્રેક્ટ જયસુખના ઓરેવા ગ્રૂપને આપ્યો હતો
હાઈકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી વધુ સુનાવણી 17મી ઓગસ્ટે નિશ્ર્ચિત કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135થી વધુ નિર્દોષ લોકોના મોતના ચકચારભર્યા કેસમાં મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપ (મેસર્સ અજન્ટા પ્રા.લિ)ના સંચાલક જયસુખ પટેલ દ્વારા કરાયેલી જામીન અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકાર અને તપાસનીશ એજન્સીને નોટિસ જારી કરી હતી. કોર્ટે કેસની વધુ સુનાવણી તા.17મી ઓગસ્ટના રોજ મુકરર કરી હતી. ઓકટોબર-2022માં 135 લોકોના જીવ લેનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મુદ્દે અગાઉ ખુદ ગુજરાત હાઇકોર્ટે પણ સુઓમોટો જાહેરહિતની રિટ અરજી દાખલ કરી હતી.
જેમાં હાઇકોર્ટે ઓરેવા ગ્રુપના સંચાલક જયસુખ પટેલને કુલ રૂ.14.62 કરોડ જેટલી રકમ પીડિતોના વળતર માટે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવી હતી અને હાઇકોર્ટે આ વળતરની રકમ ભોગ બનનારના પરિજનોને ચૂકવી આપવા રાજય સરકારને હુકમ કર્યો હતો. તો, હાઇકોર્ટના આકરા વલણ બાદ રાજય સરકારે મોરબી નગરપાલિકાને પણ તા.11-4-2023ના હુકમથી વિખેરી નાંખી હતી. ચકચારભર્યા એવા આ કેસમાં ઓરેવા ગ્રુપના સંચાલક જયસુખ પટેલે હાઇકોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન અરજી કરી એવો બચાવ રજૂ કર્યો છે કે, તેઓ છેલ્લા ઘણા સમયથી જેલમાં છે. તેમની આ કેસમાં કોઇ સીધી ભૂમિકા કે સંડોવણી બનતી નથી. અરજદારપક્ષ તરફ્થી પીડિતો માટે વળતરની પૂરતી અને યોગ્ય રકમ જમા કરાવવામાં આવી છે.
કેસની તપાસ હવે પૂરી થઇ ગઇ છે ત્યારે હવે અરજદારને જેલમાં રાખીને કોઇ અર્થ નથી અને તેથી હાઇકોર્ટે તેઓને જામીન આપવા જોઇએ. આ કેસમાં અગાઉ પાંચ આરોપીઓને જામીન મળી ચૂકયા છે, ત્યાર તેમને પણ જામીન આપવા જોઇએ. અરજદારની રજૂઆત ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે રાજય સરકાર અને તપાસનીશ એજન્સીને નોટિસ જારી કરી હતી અને કેસની સુનાવણી તા.17મી ઓગસ્ટે રાખી હતી.