ગોકુળનગરની જર્જરિત શાળા અને આંગણવાડીને ખસેડવાની કાર્યવાહી: 117 ખાનગી ઇમારતો સામે પણ પગલાં
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
રાજસ્થાન રાજ્યમાં બનેલી દુર્ઘટના બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે, અને તેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની જર્જરિત સરકારી અને ખાનગી ઇમારતોનું સઘન નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓની ટીમ દ્વારા આજે મોરબી શહેરના ગોકુળનગર વિસ્તારમાં આવેલી આંગણવાડી અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
ગોકુળનગરની પ્રાથમિક શાળાના બે ઓરડા અને આંગણવાડીનું મકાન જર્જરિત હોવાનું સામે આવતા, તેને તાત્કાલિક અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આંગણવાડીમાં માઈનોર રિપેરિંગ પણ હોવાથી તેને રિપેર કરવા માટે સૂચના આપવામાં આવી છે.
મોરબી શહેરમાં કુલ 82 આંગણવાડીઓ અને 56 પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ તમામ મિલકતોની ચકાસણી માટે સૂચના આપી દેવામાં આવી છે. મોટાભાગની કચેરીઓ ગંભીર રીતે જર્જરિત ન હોવાનું અને માત્ર માઈનોર રિપેરિંગની જરૂર હોવાનું જાણવા મળ્યું છે. સરકારી કચેરીઓ કે જ્યાં અવરજવર હોય, તેને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવા અને કર્મચારીઓને કામગીરી દરમિયાન કાળજી રાખવા પણ સૂચના અપાઈ છે.
ખાનગી મિલકતો પર પણ તવાઈ
સરકારી મિલકતો ઉપરાંત, શહેરમાં આવેલી કુલ 117 જર્જરિત ખાનગી ઇમારતો ને પણ ચકાસણી હેઠળ લેવામાં આવી છે. આ ઇમારતોના રિપેરિંગ અને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, 43 બિલ્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ આવી ગયા છે, જ્યારે 23 ઇમારતોના યુટિલિટી કનેક્શન (જેમ કે પાણી, વીજળી) કાપવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.
મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ સાંજ સુધીમાં તમામ જગ્યાએ ચકાસણી કરીને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. આ પગલાં શહેરીજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે.