નવરાત્રિના પ્રથમ બે નોરતામાં વરસાદની શક્યતા નહિવત, ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની વિદાય શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં 5 ઓક્ટોબરે ચોમાસું વિધિવત વિદાય લેશે. ત્યારે હાલ રાજ્યમાંથી ધીમે ધીમે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. બંગાળની ખાડી પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને રાજ્ય પર તેની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે. જ્યારે 3 દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની પૂરતી સંભાવના છે. 3 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને 5 ઓક્ટોબરથી ચામાસું વિધિવત વિદાય લેતું હોવાથી ગુજરાત આ વખતે મન મૂકીને ગરબે ઘૂમશે.
આ ઉપરાંત ચોમાસાની વિદાયની પણ ધીમે ધીમે શરૂઆત થઈ છે. હાલમાં દક્ષિણ પશ્ર્ચિમ રાજસ્થાન અને પશ્ર્ચિમ કચ્છના ભાગોમાં વિધિવત રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. એટલે કે, આ વરસાદી રાઉન્ડ છેલ્લો હોય શકે છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટરે ગુજરાતના ખેલૈયાઓ માટે પણ સારા સમાચાર આપ્યા છે. જેમાં નવરાત્રિ પહેલાં જ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, ખેલૈયાઓના નવરાત્રિના નવ દિવસ બગડે તેવી શક્યતા ઓછી જણાઇ આવે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં જુદા જુદા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાદમાં ચોથા દિવસથી એટલે કે, 25 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ગાજબીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી છુટા છવાયા વાદળો આકાશમાં દેખાય છે. પરંતુ હાલ પૂરતા આ વરસાદી વાદળ નથી. પરંતુ 25થી 26 સપ્ટેમ્બર બાદ અમદાવાદ શહેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
અમદાવાદ શહેરમાં છુટાછવાયા હળવા વાદળો છવાતા બફારાનું પ્રમાણ પણ વધ્યું છે. સાથે સાથે મહત્તમ તાપમાન પણ 35.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 2.4 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, લઘુત્તમ તાપમાનમાં વધારો થતા દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ સતત વધુ રહે છે. ભેજયુક્ત વાતાવરણ યથાવત્ રહેતા ખરેખર જેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તેના કરતા ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમી અનુભવાય છે.
- Advertisement -
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના પાંચ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું હતું. જેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં 36.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હાલમાં ગુજરાત રાજ્યમાં ઉત્તર અને ઉત્તર પશ્ર્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઇ રહ્યા છે. જે રાજસ્થાનથી ગુજરાત તરફ ખેંચી લાવે છે. જેને કારણે તાપમાન દિવસે વધી રહ્યું છે. પરંતુ બીજી તરફ દેશના પૂર્વ ભાગમાંથી એટલે કે બંગાળની ખાડી તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભેજ ગુજરાત સુધી પહોંચતા વરસાદી એંધાણ છે.