તાપમાન ઊંચકાશે: પાટનગર દિલ્હી સહિત અનેક ભાગોમાં પારો 45 ડીગ્રીને આંબશે
હવામાન વિભાગનો નિર્દેશ: ગત વર્ષે એક સપ્તાહ મોડુ પ્રવેશ્યુ હતુ પરંતુ આ વખતે સમયસર કે એક દિવસ વ્હેલું જ આવી જવાની શકયતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
ગુજરાત સહિત દેશના અનેક ભાગો ભીષણ ગરમી-તાપમાનનો સામનો કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ભારતમાં ચોમાસાની એન્ટ્રી એકાદ દિવસ વ્હેલી થવાની આગાહી કરી છે. સામાન્ય રીતે 1લી જુને કેરળમાં પ્રવેશતુ ચોમાસુ 31મી મે એ જ ટકોરા મારી દે તેવી શકયતા છે. ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 31મી મે એ ચોમાસાનો પ્રવેશ વ્હેલો ન ગણાય છતાં નોર્મલ તારીખ આસપાસ જ રહેશે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ 1લી જૂને પ્રવેશતુ હોય છે. આ વખતે 31 મે આસપાસ કેરળમાં પ્રવેશવાનું અનુમાન છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે કેરળમાં મોનસુનની એન્ટ્રીના સમયમાં વર્ષોવર્ષ ભિન્નતા જોવા મળતી હોય છે. છેલ્લા 150 વર્ષોના આંકડા ચકાસવામાં આવે તો સૌથી વધુ એન્ટ્રી 1918માં 11 મે ના રોજ થઈ હતી જયારે સૌથી મોટો પ્રવેશ 1972માં 18 જૂને થયો હતો. ગત વર્ષે ચોમાસુ એક સપ્તાહ મોડુ થયુ હતું. 8મી જૂને કેરળમાં પ્રવેશ્યુ હતું. 2022માં 29 મે ના રોજ આવી ગયુ હતું. 2021માં 3 જૂન તથા 2020માં 1લી જૂને પ્રવેશ થયો હતો. આંદામાનમાં ચોમાસાનો પ્રવેશ આગામી 19મી મે આસપાસ- વ્હેલો થઈ જવાની આગાહી કરવામાં આવી જ છે.
ભારતમાં આગામી નૈઋત્ય ચોમાસુ નોર્મલથી પણ વધુ સારૂ રહેવાની આગાહી હવામાન વિભાગે અગાઉ જ કરી દીધી છે. આ વખતે ઉનાળો પણ ભીષણ રહ્યો છે તેમ ચોમાસુ પણ ઘણુ સારુ રહી શકે છે. આકરી ગરમીના વર્તમાન દોરમાં અનેક રાજયોમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. આજથી તાપમાનનો પારો વધુ ઉંચકાવવાની પણ ચેતવણી આપવામાં આવી છે. પાટનગર દિલ્હીમાં 45 ડીગ્રીને પાર થવાની ચેતવણી આપવામાં આવી છે. ભીષણ ગરમીને કારણે લોકોના આરોગ્ય તથા આજીવિકા પ્રભાવિત થવાની સાથોસાથ જળાશયો સુકાઈ રહ્યા છે. ભારતનુ બાવન ટકા કૃષિક્ષેત્ર ચોમાસાના વરસાદ પર નિર્ભર હોવાથી ચોમાસાની સમયસર કે વહેલી એન્ટ્રીથી કૃષિવર્ષ સારુ નિવડી શકે અને તેના પ્રભાવ હેઠળ સમગ્ર અર્થતંત્રને મોટો ફાયદો થઈ શકે છે. આઈએમડી તરફથી “યલો એલર્ટ એ હવામાન ચેતવણી સૂચવે છે જે લોકોને સાવચેત રહેવાની સલાહ આપે છે અથવા સંભવિત પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ માટે તૈયાર.
- Advertisement -
બેંગલુરુમાં, 16 મે થી 21 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. 16, 17 અને 19 મેના રોજ વરસાદ સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. 18 મેના રોજ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે. 20 અને 21 મે સુધી વરસાદ અથવા વાવાઝોડા સાથે હવામાન આંશિક વાદળછાયું રહેશે. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં તાપમાન મહત્તમ 33 ડિગ્રી સેલ્સિયસથી લઘુત્તમ 22-23 ડિગ્રી સેલ્સિયસ રહેશે રહેવાસીઓએ વરસાદની સંભાવના માટે તૈયાર રહેવા સુચના કર્યા છે. બેંગલુરુ મહાનગરા પાલીકા, વરસાદને કારણે થયેલા નુકસાનને ઘટાડવા માટે એક્શનમાં આવી છે. બેંગલુરુ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ફ્લોને મેનેજ કરવા અને અસરગ્રસ્ત માર્ગો પર મુસાફરોને અપડેટ કરવા માટે અથાક મહેનત કરી રહી છે.