હવે ચોમાસાના આગમન આડે પણ તારીખ પે તારીખ…
ચોમાસું ચાર દિવસથી એક જ સ્થળે અટકેલું છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં લક્ષદ્વીપ પર સોમવારે સવારે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું. આ પ્રકારની સ્થિતિને સામાન્ય ભાષામાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું એવું કહેવાય છે. તેના કારણે ચોમાસાની કેરળમાં વિધિવત પ્રવેશ કરવાની તારીખ લંબાઈ ગઈ છે. જોકે ભારતમાં ચોમાસાની એક ચોક્કસ વ્યાખ્યા નક્કી છે, જેના કારણે ચોમાસું આવવાની શરતો પૂરી નહીં હોવાના કારણે તે પણ ચોમાસાનો વરસાદ ના ગણી શકાય.
આ સ્થિતિમાં ચોમાસું છેલ્લા ચાર દિવસથી એક જ સ્થળે અટકેલું છે. અરબ સાગરમાં જે વાદળો હવા સાથે કેરળ તરફ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા, જે હવે સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે દૂર ખેંચાઈ ગયા છે. કેરળ નજીક રવિવારે જે વાદળોએ દેખા દીધી હતી, તે હવે સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે વઘુ સઘન થઈને એકત્ર થઈ ગયા છે અને કેરળના આકાશમાં ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા છે. પરિણામે ચોમાસું મોડું થવાની શક્યતા છે.
કેરળના દરિયા કિનારાના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. જોકે દક્ષિણ અરબ સાગરમાં પશ્ચિમી પવનો સમુદ્રની સપાટીથી આશરે 2.1 કિ.મી.ની ઊંચાઈએ ફૂંકાઈ રહ્યા છે, જ્યારે ચોમાસા માટે આ ઊંચાઈ 4.5 કિ.મી. હોવી જરૂરી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન વિકસ્યું હોવાથી કેરળના દરિયા કિનારે પવન ધીમો પડી ગયો છે. ઈનસેટમાં આઉટગોઈંગ લોન્ગરેન્જ રેડિયેશન પણ 200 યુનિટની તુલનામાં ઘણું વધારે મળી રહ્યું છે. વરસાદ પણ 14માંથી દસ સ્ટેશનની તુલનામાં ફક્ત ત્રણ-ચાર સ્ટેશન પર જ નોંધાઈ રહ્યો છે.
- Advertisement -
7-8 જૂને ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાશે, વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, અરબ સાગરમાં વિકસેલું સાઈક્લોનિક સર્ક્યુલેશન આગામી 24 કલાકમાં ઓછા દબાણના ક્ષેત્રમાં બદલાશે. ત્યાર પછી ચોમાસું મજબૂત થઈને ઉત્તર દિશામાં આગળ વધવાની શક્યતા છે. બાદમાં સાતમી અને આઠમી જૂને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. તેનો અર્થ એ છે કે, મધ્ય, દક્ષિણ અને પૂર્વ મધ્ય અરબ સાગરમાં આગામી પાંચ દિવસ સુધી 50 કિ.મી.થી વધુ ગતિથી પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ પણ પડી શકે છે. આઠમી-નવમી જૂને પ્રતિ કલાક 60-70 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાશે.



