પ્રાણ પ્રતિષ્ઠા પુર્વે ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા તીર્થસ્થાનની મુલાકાત લેતા વડાપ્રધાન
રંગનાથ રામાયણના શ્ર્લોકો પણ સાંભળ્યા: રામ ભજન પણ ગાયા
ખાસ-ખબર સંવાદદાતા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને કેરલની મુલાકાતનો પ્રારંભ આંધ્રના લેપાખીથી કર્યો હતો અને અહીના વીરભદ્ર મંદિરમાં પુજા-અર્ચના કરી હતી તથા રંગનાથ રામાયણના શ્લોક પણ સાંભળ્યા હતા. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પુર્વે વડાપ્રધાન દેશભરના જાણીતા ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા મંદિરોમાં જઈને અનુષ્ઠાન અને પુજા કરી રહ્યા છે અને હવે જયારે પ્રાણ પ્રતિષ્ઠામાં છ દિવસ બાકી રહ્યા છે. ત્યારે રામાયણમાં જેનો ઉલ્લેખ છે તે લેપાખી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને અહી તેઓએ એક અનન્ય ભકતની માફક પુજા-અર્ચના કરવા સાથે શ્રીરામ જય જય રામના ભજન પણ ગાયા હતા અને તેઓ ભક્તિમાં લીન થઈ ગયા હોય તેવું વાતાવરણ સર્જાયુ હતું. બીજી તરફ વડાપ્રધાન બાદમાં કેરલની મુલાકાતે પહોંચી રહ્યા છે અને અહી કોચી શીપયાર્ડ તેમજ કોચી બંદરમાં રૂા.4 હજાર કરોડથી વધુની યોજનાઓનું શિલાન્યાસ કરશે.
તેઓ સાંજે પાંચ વાગ્યે કેરલ પહોંચશે અને અન્નાકુલમમાં રોડ શો પણ કરશે. આવતીકાલે તેઓ ગુરૂવાયુર જવા રવાના થશે અને અહીના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરમાં પુજા કરશે તેમજ અહીના અભિનેતા કમ નેતા સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં પણ સામેલ થશે.