ગુરુવારે સરકારે જાહેરાત કરી હતી કે, લેપટોપ-ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે તાત્કાલિક અસરથી લાયસન્સ જરૂરી રહેશે
કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2023 સુધી લેપટોપ-ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સની આવશ્યકતાના અમલીકરણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ અપડેટ એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પછી આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે ઓર્ડર ઓછામાં ઓછા એક મહિના સુધી લંબાવ્યો છે. નોંધનીય છે કે, ગુરુવારે સરકારે જાહેરાત કરી હતી કે, લેપટોપ-ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે તાત્કાલિક અસરથી લાયસન્સ જરૂરી રહેશે.
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા હવે આ નિર્ણય પર પુનઃવિચાર કરવામાં આવ્યો છે અને નવા ધારાધોરણોને અનુરૂપ થવા માટે હિતધારકોને વધુ સમય આપવા માટે અમલીકરણ મોકૂફ રાખવામાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 31 ઓક્ટોબર, 2023 સુધી લાયસન્સ વિના આયાત માટે પ્રતિબંધિત માલસામાનને મંજૂરી આપી શકાય છે. પરંતુ 1 નવેમ્બર પછી આવી વસ્તુઓની આયાત કરવા માટે માન્ય લાયસન્સ જરૂરી બનશે.
લાયસન્સનો નિયમ કેમ ?
ડેપ્યુટી આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, લેપટોપ અને ટેબલેટની આયાત સંબંધિત નવા ધોરણોને લાગુ કરવા માટે સંક્રમણનો સમયગાળો આવશે. તેમણે કહ્યું કે નિશ્ચિત તારીખ ટૂંક સમયમાં જણાવવામાં આવશે. લાઇસન્સની જરૂરિયાત વિવિધ વ્યવસાય-સંબંધિત ચિંતાઓને દૂર કરવાના પગલાંના ભાગરૂપે રજૂ કરવામાં આવી હતી. લેપટોપ અને ટેબલેટની આયાત માટેના લાયસન્સની જરૂરિયાતને હાલ માટે સ્થગિત કરવાથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને સરકાર સાથે જોડાવવા અને તેમની ચિંતા વ્યક્ત કરવાની તક મળશે.
મેક ઇન ઇન્ડિયા પર ભાર
અત્યાર સુધી HSN 8741 હેઠળ લેપટોપ-ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર અને અન્ય સામાનની આયાત કરવી સરળ હતી. જોકે હવે સરકારે મેક ઇન ઇન્ડિયા પર ભાર મુકતા તેમની આયાત માટે લાયસન્સ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ તેને ચીન માટે એક ફટકો પણ ગણી શકાય કારણ કે ત્યાંનું ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ ઘણું મોટું છે અને આવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચતી તમામ મોટી કંપનીઓ માત્ર ચીન જેવા દેશોમાંથી જ ભારતને સપ્લાય કરે છે.
- Advertisement -
ઇલેક્ટ્રોનિક્સ આયાત
છેલ્લા એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઇલેક્ટ્રોનિક્સ આયાત (જેમાં આ પ્રતિબંધિત ઉત્પાદનોનો સમાવેશ થાય છે) $19.7 બિલિયન રહી હતી. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 6.25 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અલી અખ્તર જાફરી જેવા ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે, આ પગલું સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.