ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામાએ પીએમ મોદીને એવોર્ડ અર્પણ કર્યો
પ્રધાનમંત્રી મોદીએ આ સન્માન ભારતના યુવાનો અને વારસાને સમર્પિત કર્યું
- Advertisement -
ઐતિહાસિક મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય ભાગીદારી વધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જોન મહામા પાસેથી ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એવોર્ડ મેળવ્યો, જે ત્રણ દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ઘાનાની પ્રથમ મુલાકાત હતી. મોદીએ આ એવોર્ડ બંને દેશોના યુવાનો, તેમના સહિયારા ઇતિહાસ અને સાંસ્કૃતિક વિવિધતાને સમર્પિત કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસીય મુલાકાત પર ઘાના પહોંચ્યા. જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. અકરાના કોટોકા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને 21 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીને ઘાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા પીએમ મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ઘાનાના રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ મહામા, ઘાના સરકાર અને ઘાનાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું ૧.૪ અબજ ભારતીયો વતી આ સન્માનનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું. હું આ સન્માન આપણા યુવાનોની આકાંક્ષાઓ, તેમના ઉજ્જવળ ભવિષ્ય, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને પરંપરાઓ અને ભારત અને ઘાના વચ્ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કરું છું.”
પીએમ મોદીએ ઘાનાની ધરતી પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું કે, રાષ્ટ્રપતિ પોતે એરપોર્ટ પર આવ્યા તે તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. સંયુક્ત નિવેદન જાહેર કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, ભારત-ઘાના મિત્રતાના કેન્દ્રમાં આપણા સહિયારા મૂલ્યો, સંઘર્ષ અને સમાવિષ્ટ ભવિષ્ય વિશેના સહિયારા સપના છે, જેણે અન્ય દેશોને પણ પ્રેરણા આપી છે.
ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો
તેમણે ઘાનાને એક જીવંત લોકશાહી અને પશ્ચિમ આફ્રિકામાં “આશાના દીવાદાંડી” તરીકે પ્રશંસા કરી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું, ‘આજે અમે ઘાના માટે ITEC અને ICCR શિષ્યવૃત્તિ બમણી કરવાનો નિર્ણય લીધો છે. યુવાનોના વ્યાવસાયિક શિક્ષણ માટે, કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્થાપિત કરવા માટે કામ કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં અમને રાષ્ટ્રપતિ મહામાજીના “ફીડ ઘાના” કાર્યક્રમમાં સહયોગ કરવામાં ખુશી થશે.’
આ ઉપરાંત જન ઔષધિ કેન્દ્રો દ્વારા ઘાનાના નાગરિકોને સસ્તી અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. રસી ઉત્પાદનમાં સહયોગ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આતંકવાદ સામેની લડાઈમાં ઘાનાના સહયોગની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે, બંને દેશોએ આતંકવાદ વિરોધી સહયોગને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુધારાઓ પર પણ સમાન દ્રષ્ટિકોણ શેર કર્યો.
ઘાનાના રાષ્ટ્રપતિને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “… હું આવતીકાલે ભારતીય સમુદાય સાથેની મારી મુલાકાત માટે ખૂબ જ ઉત્સાહિત છું. શ્રી રાષ્ટ્રપતિ, તમે ભારતના નજીકના મિત્ર છો. તમે ભારતને ખૂબ સારી રીતે જાણો છો. હું તમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપું છું. મને વિશ્વાસ છે કે તમે અમને ભારતમાં તમારું સ્વાગત કરવાની તક આપશો. ફરી એકવાર હું ઘાના સરકાર અને ઘાનાના તમામ લોકોનો તેમના અદ્ભુત સ્વાગત માટે આભાર માનું છું.
4 મહત્વપૂર્ણ કરારો:
સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ પર સમજૂતી કરાર: કલા, સંગીત, નૃત્ય, સાહિત્ય અને વારસાના ક્ષેત્રમાં પરસ્પર સમજૂતીને પ્રોત્સાહન આપવા માટે.
ભારતીય માનક બ્યુરો (BIS) અને ઘાના માનક સત્તામંડળ (GSA) વચ્ચે સમજૂતી કરાર: માનકીકરણ અને પ્રમાણપત્રમાં સહયોગ માટે.
ITAM (ઘાના) અને ITRA (ભારત) વચ્ચે સમજૂતી કરાર: પરંપરાગત દવા શિક્ષણ, તાલીમ અને સંશોધનમાં સહયોગ માટે.
સંયુક્ત કમિશન બેઠક પર સમજૂતી કરાર: ઉચ્ચ-સ્તરીય સંવાદને સંસ્થાકીય બનાવવા અને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવા માટે.