કોવિડ-19ની સંભવિત નવી લહેર સામે પૂર્વ તૈયારીઓનું પરિક્ષણ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની સંભવિત નવી લહેર સામે પહોંચી વળવા સામે તંત્રની પૂર્વતૈયારીઓના પરીક્ષણ કરવા માટે સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાવામાં આવી હતી. જેમાં ઓક્સિજન સપ્લાય, સ્ક્રિનીંગ સહિત કોવિડ કેર બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. આ સંદર્ભે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રીમતિ નયનાબેન લકુમે જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કોવિડ-19ની ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વતૈયારીઓના ભાગરૂપે મોકાડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ઓક્સિજન પ્લાન અને તેની સપ્લાય, સ્ક્રિનિંગ, ડ્રાઈઝ સહિત કોવિડ સંબંધિત સારવાર માટેની તંત્રની તૈયારીઓ ચકાસવામાં આવી હતી. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટીલેટર સાથેના 60 આઈસીયુ બેડ, ઓક્સિજન સપ્લાય સાથેના 500થી વધુ આઈસોલેશન વોર્ડ, ઉપરાંત ઓક્સિજન સિલિન્ડર સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સેન્ટ્રલી ઓક્સિજન પાઈપલાઈન છે. જેથી ઓક્સિજન સપ્લાયમાં ખૂબ સરળતા રહે છે. ઓક્સિજન ઉત્પાદન માટે બે 1000-1000 લીટરના અને એક 500 લીટરનો પ્લાન્ટ કાર્યરત છે.