ચર્ચ પરના હુમલામાં બે લોકો પર ઇશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યા બાદ બુધવારે પાકિસ્તાનના જરાંવાલામાં મુસ્લિમ સમુદાયના હજારો લોકોએ 10 કલાક સુધી હોબાળો અને આગચંપી કરી હતી. આ દરમિયાન પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી. ટોળાએ 21 ચર્ચને નિશાન બનાવ્યા હતા. તેમજ 50 ઘરોને આગ ચાંપી દીધી હતી.
લોકો રોડ પર સળિયા, લાકડીઓ અને છરીઓ સાથે ફરતા હતા અને બંને આરોપીઓને તેમને સોંપવાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ કિંમતી સામાન પણ લૂંટ્યો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે ખ્રિસ્તી સમુદાયના લોકોએ અન્ય વિસ્તારોમાં ભાગીને આશ્રય લેવો પડ્યો હતો. સાવચેતીના પગલારૂપે ગુરુવારે જરાંવાલામાં શૈક્ષણિક અને વ્યાપારી સંસ્થાઓ બંધ રહી હતી.
- Advertisement -
600 શકમંદો સામે કેસ નોંધાયો
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે ગુરુવારે કહ્યું કે અત્યાર સુધીમાં 135 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં તહરીક-એ-લબૈક પાકિસ્તાનના સભ્યો પણ છે. 600 શકમંદો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ચર્ચ અને લઘુમતીઓના ઘરોની આસપાસ 3000થી વધુ પોલીસકર્મીઓ અને રેન્જર્સની બે કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ઝરાંવાલા વિસ્તારમાં સાત દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ખ્રિસ્તી સમુદાયના લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે મુસ્લિમ સમુદાયના લોકો ફરી હુમલો કરી શકે છે. ઇસ્લામાબાદ પોલીસે ગુરુવારે લઘુમતીઓના ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે 70 જવાનોની એક ટીમ બનાવી છે.
- Advertisement -
હિંસા કોઈપણ સ્વરૂપે સ્વીકાર્ય નથી
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું છે કે તેઓ ઇશનિંદાના આરોપમાં પાકિસ્તાનમાં થયેલી હિંસાથી વાકેફ છે. હિંસા અથવા હિંસાની ધમકી ક્યારેય અભિવ્યક્તિનું સ્વીકાર્ય સ્વરૂપ હોઈ શકે નહીં. આ મામલાની વિગતવાર તપાસ માટે પાકિસ્તાની અધિકારીઓને અપીલ કરવામાં આવી છે.