વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત નથી કરી શકતા
ખાસ-ખબર સંવાદદાતા
હવે નેધરલેન્ડની સરકારે આગામી વર્ષ સુધીમાં શાળાઓમાં મોબાઈલ ફોન, ટેબલેટ અને સ્માર્ટ વોચના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની કવાયત શરુ કરી છે. કારણકે આ વસ્તુઓ વિદ્યાર્થીઓના અભ્યાસમાં અવરોધ ઉભી કરી રહી છે તેવુ સરકારનુ માનવુ છે. શાળાઓને આ મામલે વાલીઓ અને શિક્ષકોની સંમતિ લેવા માટે કહેવામાં આવ્યું છે.
- Advertisement -
નેધરલેન્ડ સરકારે જણાવ્યું હતું કે અભ્યાસ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ બાળકો પર હાનિકારક અસરો કરે છે અને તેની આડઅસરો હવે દેખાઈ રહી છે. આ ઉપકરણોને લીધે વિદ્યાર્થીઓની અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા ઘટી રહી છે. જેની અસર તેમના રીઝલ્ટ પર પણ દેખાઈ રહી છે. આ કારણોસર, 1 જાન્યુઆરી, 2024 થી શાળાઓમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ અને ટેબલેટને મંજૂરી આપવામાં આવશે નહીં.
દેશના એજ્યુકેશન મિનિસ્ટર રોબર્ટ ડિકગ્રાફે કહ્યું હતું કે આ નિર્ણય સ્કૂલોમાં અને સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તન લાવશે. યુરોપના અન્ય દેશો પણ આ પ્રકારના નિર્ણયો લઈ ચુકયા છે.અગાઉ 2018માં ફ્રાન્સે ઑનલાઇન ધાકધમકીને રોકવા માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂક્યો હતો. યુકેએ પણ આવા પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો. યુકેના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે મોટાભાગની શાળાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પહેલેથી જ પ્રતિબંધ છે.