9 જુલાઈની સવારે આણંદ જિલ્લાના પાદરા પાસે આવેલો જૂનો અને મહત્વપૂર્ણ ગંભીરા બ્રિજ તૂટી પડતા ભયાનક અકસ્માત થયો. બ્રિજ તૂટી પડવાથી 4 વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા અને 9 લોકોના મૃત્યુ થયા.
9 જુલાઈની સવારે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વપૂર્ણ અને જૂનો ગણાતો ગંભીરા બ્રિજ તૂટી પડતા ભારે દુર્ઘટના સર્જાઈ છે. આણંદ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીક આવેલો આ બ્રિજ 1985માં બનાવાયો હતો અને ઘણા વર્ષોથી સતત ઉપયોગમાં હતો. આજે સવારે બ્રિજના એક ભાગે અચાનક ભંગાણ આવતા 4 વાહનો જેમાં બે ટ્રક, એક પિકઅપ વાન અને એક બાઈક સામેલ છે સીધા મહીસાગર નદીમાં ખાબક્યાં હતા.
- Advertisement -
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયા છે અને 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટના પછી તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર લોકોએ ટોળા ઊમટ્યા હતા અને પોલીસ તથા સ્થાનિક તંત્રએ ઝડપથી દૌડી આવી હતી.
મંત્રી ઋષિકેશ પટેલેનું નિવેદન
મંત્રી ઋષિકેશ પટેલે પણ આ અંગે નિવેદન આપ્યું હતું કે આણંદ અને પાદરાને જોડતો બ્રિજનો એક ભાગ ધરાશાય થયો છે અને તેમાં અંદાજે 5 જેટલા વાહનો પડ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા ટેક્નિકલ એક્સપર્ટને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
માર્ગ અને મકાન વિભાગના સચિવનું નિવેદન
માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલિયાએ પણ જણાવ્યું કે બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે અને હાલમાં જર્જરિત 20 બ્રિજના નવા બાંધકામ શરૂ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ બ્રિજ ટ્રાફેકેબલ એટલે કે વાહનવ્યવહાર માટે ચાલુ જ હતો અને મુખ્ય ઈજનેર તથા બ્રિજ એક્સપર્ટને સ્થળ પર મોકલી દેવાયા છે.
આ દુર્ઘટનાથી દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતાં મુસાફરોને મોટી મુશ્કેલી સર્જાઈ છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ તરફથી આવતા મુસાફરો માટે આ બ્રિજ સૌથી ટૂંકો માર્ગ હતો. બ્રિજ તૂટી પડતાં હવે લાંબો રસ્તો લેવો પડશે અને ટોલ પ્લાઝા પર લાંબી કતારો જોવા મળી શકે છે. આ દુર્ઘટનાએ એક વખત ફરીથી જૂના અને જર્જરિત બ્રિજોની હાલત સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સરકાર દ્વારા આગામી સમયમાં વધુ સાવચેતી અને મજબૂત અભિગમ અપનાવવાની જરૂરિયાત સ્પષ્ટ દેખાઈ રહી છે.