રાજ્યપાલના પ્રવચનમાં રાજ્યના સર્વાંગી વિકાસની સાથે સાથે સર્વ સમાવેશક વિકાસની ઝલકનો સમાવેશ: ભાનુબેન બાબરીયા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યપાલના સંબોધન માટેના આભાર પ્રસ્તાવ સંદર્ભે છેલ્લા દિવસે આભાર વ્યક્ત કરતાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે રાજ્યપાલના પ્રવચનમાં રાજ્યના સર્વાંગી વિકાસની સાથે સાથે સર્વે સમાવેશક વિકાસની ઝલકનો સમાવેશ કર્યો છે. રાજ્ય સરકારના પ્રયત્નોથી રાજ્યના છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતાં નાગરિકોના જીવનમાં આર્થિક ઉન્નતિ તેમજ જીવનધોરણની ગુણવત્તા સુધારવા માટે આજીવિકા, કૌશલ્ય વિકાસ, સામાજિક સુરક્ષા અને માળખાકિય સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો થયો છે. ગુજરાતની જનતાએ મૂકેલા વિશ્ર્વાસને વધુ વ્યાપકપણે સાકાર કરવા અમે બમણી મહેનતથી જનસેવા કરી રહ્યા છીએ અને કરીશું. મંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતનું ગૌરવ, પ્રખર રાષ્ટ્રભક્ત, નિડર, સામાજિક સમરસતાના હિમાયતી, વહીવટી કુશળતા ધરાવતા, યુવાનોના પ્રેરણાસ્ત્રોત, મા ભારતના સપૂત એવા નરેન્દ્રભાઈ મોદીએ ભારતને દુનિયાના નકશા પર અલગ ઓળખ અપાવી વિશ્ર્વમાં ગૌરવ અપાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે છેવાડાના અંતિમ પગથિયે બેઠેલો વ્યક્તિ અમારું પ્રથમ લક્ષ્ય છે. વિકાસ એ ગુજરાતની તાસીર રહી છે. છેલ્લાં બે દાયકામાં અમારી સરકારે પ્રજાજનોનો વિશ્ર્વાસ જીત્યો છે. આપત્તિઓને અવસરમાં પલટાવવાનું સામર્થ્ય ગુજરાતના મિજાજમાં છે.
વધુમાં વાઈબ્રન્ટ ગુજરાતની વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે એક સમયે 2003માં પ્રથમવાર સાયન્સ સીટી અમદાવાદ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ હતી ત્યારે ગુજરાતને વિકાસ તરફ આગળ વધારવા વિશ્ર્વના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવાનું આમંત્રણ અપાયું હતું. વિશ્ર્વના અનેક દેશો ગુજરાતમાં મૂડીરોકાણ કરી રહ્યા છે જેના થકી આજે વાઈબ્રન્ટ એક વિશાળ વટવૃક્ષ બન્યું છે. આ સાથે મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત આ દેશની આઝાદીમાં અનેક વીર શહીદોએ પોતાના જીવની આહુતિ આપી છે એ વીર શહીદોની યાદમાં ગામડે-ગામડે શીલાફલકમ બનાવવામાં આવી છે. આવનારી પેઢીમાં માતૃભૂમિનું ગૌરવ રહે, આપણા વીર શહીદોની યાદ આપણા વારસામાં રહે અને દેશભક્તિની ખુમારી પ્રજામાં રહે તે માટે આ કાર્યમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને દિલ્હીમાં ‘અમૃત વાટિકા’ બનાવવા માટે 7 હજાર 500 કળશમાં દેશના ખૂણે-ખૂણેથી માટી વહન કરીને અમૃત કલશ યાત્રા કાઢવામાં આવી હતી. આ અમૃત વાટિકા એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે તથા વડાપ્રધાન દ્વારા સશક્ત ભારત માટે મહિલા સશક્તિકરણને પણ વેગ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું પણ પૂર્ણ યોગદાન રહે તે માટે પહેલાં સ્થાનિક સ્વરાજ્યમાં 50% મહિલા અનામત આપ્યું અને તેના પરિણામે ઘણી બધી બહેનો રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહી છે અને એ જ રીતે હવે કેન્દ્રમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ આવ્યું હતું. વધુમાં ગુજરાતમાં એક સાથે તમામ સ્તરે લોકશાહીના સત્રમાં વધુ દીકરીઓ દ્વારા ભાગ લેવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો જેને એશિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ મારા મહિલા બાળ વિકાસને મળ્યો છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી અનેકવિધ યોજનાઓ દીકરીઓ અને મહિલાઓ માટે સાકાર કરવામાં આવી જેવી કે ચિરંજીવી યોજના, બેટી બચાવો બેટી પઢાવો, ક્ધયા કેળવણી રથ, સરસ્વતિ સાધના સાયકલ સહાય, વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, 181 અભયમ, માતા યશોદા એવોર્ડ, પૂર્ણા યોજના લાવી મહિલાઓને સ્વનિર્ભર થવા પ્રેરણારૂપ બન્યા છે. સમગ્ર ભારતમાં, સમાજમાં દીકરીઓની સતત ઘટતી જતી સંખ્યા અન્વયે લોકોમાં જાગરુકતા લાવવા, દીકરીઓ પ્રત્યેની સંકુચિત માનસિકતા બદલવા તથા દીકરીઓના જન્મ, શિક્ષણ, સુરક્ષા, સલામતીને પ્રોત્સાહન આપવા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન શરૂ કરાવવામાં આવ્યું હતું જેના પરિણામે દીકરી જન્મદરના પ્રમાણમાં વધારો થયો છે તેવું અંતમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું.