અમદાવાદમાં મેટ્રો રેલની આવક વર્ષ 2025માં રેકોર્ડ રૂપિયા 58 કરોડને પાર થઇ ગઇ છે. વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025માં મેટ્રોની આવકમાં 35 ટકા જેટલો વધારો થઇ ગયો છે. મુસાફરોની સંખ્યા પણ પ્રથમવાર 4.83 કરોડ નોંધાઇ છે. આમ, પ્રતિ મુસાફર પાસેથી મેટ્રો રૂપિયા 12ની ટિકિટ પેટે આવક મેળવે છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મેટ્રોને વર્ષ 2023માં 32.12 કરોડ, 2024માં 43.62 કરોડની આવક થઇ હતી. આમ, મેટ્રોમાં મુસાફરો અને થતી આવકમાં તબક્કાવાર વધારો જોવા મળ્યો છે. જેમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં સૌથી વધુ 45.96 લાખ મુસાફરોથી રૂપિયા 5.57 કરોડની આવક થઇ હતી.
આ સ્થિતિએ મેટ્રોએ પ્રતિ દિવસે સરેરાશ રૂપિયા 17.96 લાખથી વધુની આવક મેળવી હતી. ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2025 દરમિયાન મેટ્રોમાં 23.51 લાખ મુસાફરો નોંધાયા છે. જેમાંથી તેમને રૂપિયા 39.61 કરોડની આવક થયેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીઆરટીએસની સરખામણીએ મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બીઆરટીએસમાં વર્ષ 2021માં 96967, વર્ષ 2022માં 1.70 લાખ અને વર્ષ 2023માં 2 લાખ જેટલા મુસાફરો નોંધાયા હતા. વર્ષ 2024માં બીઆરટીએસની આવક રૂપિયા 22.77 લાખ જેટલી નોંધાયેલી હતી.
- Advertisement -
મેટ્રો હવે એરપોર્ટ સુધી દોડશે : ઉત્તરાયણ સુધીમાં નવા ફેઝની જાહેરાત
મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનના રૂટનું આગામી 12 જાન્યુઆરીના લોકાર્પણ કરવામાં આવશે. જેની સાથે જ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીના ભાગરૂપે નવા ફેઝની પણ જાહેરાત કરાશે. જેમાં ફેઝ 2એમાં કોટેશ્વર રોડથી એરપોર્ટ, ફેઝ 2બીમાં ગિફ્ટ સિટીમાં ઈન્ટરનલ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. વર્ષ 2028 સુધીમાં એરપોર્ટ રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી થઇ જાય તેવી સંભાવના છે.
ફેઝ 2એ : કોટેશ્વર રોડથી એરપોર્ટ : 6 કિલોમીટરના રૂટ પાછળ 1800 કરોડ ખર્ચાશે. કોટેશ્વર રોડથી તાજ સર્કલ વાયા હાંસોલ થઇને જશે. જેમાં તાજ સર્કલથી એરપોર્ટનો રૂટ અંડરગ્રાઉન્ડ રહેશે.
- Advertisement -
ફેઝ 2બી : ગિફ્ટ સિટીની ઈન્ટરનલ કનેક્ટિવિટી. આ રૂટમાં 3 સ્ટેશન હશે. ગિફ્ટ સિટીમાં કાર્યરત્ ઓફિસ અને રહેણાંક લોકોને તેનાથી લાભ થશે.
વર્ષ 2025માં 4.83 કરોડથી વધુ મુસાફરો




