ચક્રવાતી તોફાન દાના આગામી 24 કલાકમાં દરિયાકાંઠે ત્રાટકી શકે છે. હવામાન વિભાગે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. બંને રાજ્યોની સરકારોએ તોફાનને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ચક્રવાત દાનાની અસર 6 રાજ્યોને થશે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. આજે અને આવતીકાલે આ તોફાન ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોની સરકારોએ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી લીધી છે.
- Advertisement -
ચક્રવાતની તાજેતરની સ્થિતિ
ચક્રવાતી તોફાન દાના છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્વ-મધ્ય અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર મંડરાઈ રહ્યું છે. ગઈ કાલે 23 ઓક્ટોબરે તોફાન આ જ વિસ્તારમાં કેન્દ્રિત હતું. હાલમાં વાવાઝોડું પારાદીપ (ઓડિશા)થી લગભગ 420 કિમી દક્ષિણ-પૂર્વમાં, ધમારા (ઓડિશા)થી 450 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં અને સાગર ટાપુ (પશ્ચિમ બંગાળ)થી 500 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં છે. તેના ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને આજે 24 ઓક્ટોબરની સવાર સુધીમાં મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
24 ઓક્ટોબરની મધ્યરાત્રિથી 25 ઓક્ટોબરની સવાર સુધી, આ તોફાન પુરી અને સાગર દ્વીપ વચ્ચે ભીતરકણિકા અને ધમારા (ઓડિશા) નજીક ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરશે. 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે 120 કિમી પ્રતિ કલાકની ઝડપવાળો પવન ફૂંકાવાની સાથે આ ચક્રવાતી તોફાન દરિયામાં ભરતીની સ્થિતિ સર્જી શકે છે. એવામાં આગામી 24 કલાકમાં દરિયામાં લગભગ 6 ફૂટ ઉંચા મોજા ઉછળશે, જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા પર ટકરાશે. બંને રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ થશે. તેથી દરિયાકિનારા પર જવું જોખમી બની શકે છે.
- Advertisement -
6 રાજ્યો પર થશે ચક્રવાતની અસર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચક્રવાતી તોફાન દાના 6 રાજ્યોને અસર કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 24 થી 26 ઓક્ટોબર સુધીના 3 દિવસ માટે ઓડિશાના 14 તટીય જિલ્લાઓમાં તોફાની પવન અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. 7 થી 20 CM વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે.
આંધ્રપ્રદેશના રાયલસીમામાં 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાના આગમન પહેલા વરસાદના કારણે કર્ણાટકમાં પૂરની સ્થિતિ છે. વરસાદના કારણે બેંગલુરુમાં નિર્માણાધીન એક ઈમારત ધરાશાયી થવાને કારણે દુર્ઘટના ઘટી છે, જેમાં 8 લોકોના મોત થયા છે. તમિલનાડુ, પુડુચેરી અને પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.
સાથે જ જણાવી દઈએ કે આ વાવાઝોડાની અસર ગુજરાત પર થાય એવી શક્યતા ખૂબ જ ઓછી છે. ચક્રવાત દાના ગુજરાતથી સેંકડો કિલોમીટરો દૂર છે અને તે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે. સાથે જ હાલમાં હવામાનની આગાહી પ્રમાણે વાવાઝોડાના બાદની નબળી પડેલી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે.