અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાની વેળાએ યાદગાર સંસ્મરણો
ભવ્ય-દિવ્ય રામમંદિરના નિર્માણના પાયામાં સાડા પાંચ સદીઓનો સંઘર્ષ…
- Advertisement -
રાજકોટનાં કારસેવકોની એ મૂલ્યવાન યાદો….
ખાસ-ખબર સંવાદદાતા
6 ડિસેમ્બર 1992: પ્રથમ કારસેવક જે મિત્રો મુશ્કેલ પરિસ્થિતિમાં કારસેવા કરવા આવ્યા હતા તે જ મિત્રો, કાર્યકર્તાઓ પૂરા જોમ-જુસ્સાથી ‘સોગંદ રામ કી ખાતે હૈં, હમ મંદિર વહી બનાયેંગે’ના નારા સાથે રાજકોટથી ગિરીશભાઈ ભટ્ટ, પ્રભુદાસભાઈ ભુત, પરેશભાઈ ઠાકર, ભગીરથભાઈ ભુત, પ્રદ્યુમનભાઈ શુકલ સહિતના રામ કારસેવા સમિતિ દક્ષિણ પ્રખંડ અને રાજકોટ મહાનગરના કારસેવકો રાજકોટથી ટ્રેઈન મારફત અયોધ્યા બે દિવસ પછી પહોંચ્યા હતાં. સમગ્ર ટ્રેઈન સૌરાષ્ટ્રના કારસેવકોથી ખીચોખીચ ભરેલી હતી. આ ટ્રેઈનની વ્યવસ્થા માટે પ્રફુલભાઈ દોશી અને ગિરીશભાઈ ભટ્ટને જવાબદારી સોંપવામાં આવી હતી. રાજકોટના જુદા જુદા મઠ, મંદિરો, ટ્રસ્ટો દ્વારા અને સ્થાનિક વિસ્તારની બહેનો દ્વારા તમામ કારસેવકો માટે સુખડી, લાડુ, અડદિયા અને ગાંઠિયા, ચેવડો વગેરેની હજારો કિલોની વ્યવસ્થા કારસેવકો માટે કરવામાં આવી હતી અને ગામે-ગામના રેલવે સ્ટેશન પર શાહી સ્વાગત તમામ કારસેવકોનું ટ્રેઈનોનું કરવામાં આવ્યું હતું. તમામ ડબ્બાઓ ઉપર ‘હિંદુ રક્તના ટીપેટીપે મંદિર બનશે, ઈંટે ઈંટે રામલલ્લા હમ આયેંગે મંદિર વહીં બનાયેંગે’ સૂત્રો લખવામાં આવ્યા હતા. રાજકોટથી લઈ અયોધ્યા સુધી ભગવા વાતાવરણમાં સંતો, મહંતો, બજરંગીઓ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા, આગેવાનો સાથેની ટ્રેઈન અયોધ્યા ખાતે પહોંચી હતી. સમગ્ર ટ્રેઈનમાં જયશ્રી રામના નારા સાથે ‘યે તો સીર્ફ ઝાંકી હૈ, કાશી-મથુરા બાકી હૈ’ સૂત્રોચ્ચાર સાથે અયોધ્યામાં રાજકોટ અને ગુજરાતના કારસેવકોની રહેવા-જમવાની વ્યવસ્થા હનુમાનગઢી મંદિરમાં કરવામાં આવી હતી. સવારે 7-00 કલાકે સ્થાનિક જગ્યાએ સંઘની શાખા લાગી હતી અને શાખાની પ્રાર્થના પૂરી થયા બાદ હળવા નાસ્તા બાદ ગુજરાતના કારસેવકોનો બપોરે વારો આવશે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર દેશમાંથી આવેલા અંદાજે 20 લાખથી વધારે કારસેવકોના કારણે સમગ્ર અયોધ્યા રામમય બની ગયું હતું. વિશ્ર્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ વિશાળ ધર્મસભા અયોધ્યામાં ચાલુ હતી.
રાજકોટના જુદા જુદા મઠ, મંદિરો, ટ્રસ્ટો દ્વારા અને સ્થાનિક વિસ્તારની બહેનો દ્વારા તમામ કારસેવકો માટે સુખડી, લાડુ, અડદિયા અને ગાંઠિયા, ચેવડો વગેરેની હજારો કિલોની વ્યવસ્થા કારસેવકો માટે કરવામાં આવી હતી….
- Advertisement -
માનનીય સાધ્વી શ્રી ઋતુંભરાદેવી, મુરલી મનોહર જોશી, એલ. કે. અડવાણી, અશોકસિંહ સિંધલ, પ્રમોદ મહાજન તથા સાધ્વી શ્રી ઉમાભારતી તેમજ સમગ્ર દેશમાંથી આવેલા સંતો-મહંતો, સાંસદો, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ ભગવો લલકાર કર્યો હતો. તે સમય સુરક્ષા વ્યવસ્થાને એકબાજુમાં મૂકી કારસેવકોનો મોટો સમૂહ બાબરી ઢાંચા તરફ આગળ વધ્યો હતો અને પછી પરિસ્થિતિ કારસેવકોના હાથમાં હતી અને સવારે 9-00 કલાકથી ઢાંચો તોડવાનું કારસેવકોએ શરૂ કરેલ, તે 11-20 સુધીમાં મેદાન કરવામાં આવ્યું હતું અને આ ઢાંચા તોડવાની કામગીરીમાં અનેક કારસેવકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જેટલા ઈજાગ્રસ્ત થતા હતાં તેની સામે નવા નવા કારસેવકો આવી રહ્યા હતા. અંદાજે એક એક ફૂટની જાડાઈના અડધો અડધો કિલોમીટર સુધીના મોટા દોરડાં એક એક પીલોર ઉપર ચાર રાઉન્ડ મારીને પીલરને અગણિત કાર્યકર્તાઓ દોરડાના માધ્યમથી ખેંચતા હતા અને પીલરો જમીનદોસ્ત થતા હતા. બપોરે 1-20 સુધીમાં સમગ્ર પરિસરમાં મેદાન કરી દેવામાં આવ્યું હતું. બપોરે વાજતેગાજતે 1-20ની આસપાસ રામલલ્લાને ત્યાં સ્થાપિત કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર અયોધ્યામાં જય જયકાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રામભક્તો ચોકે-ચોકે નૃત્ય, સંગીત અને રાસ અને જે તે રાજ્યની ખૂબીઓ વર્ણવી રહ્યા હતા. સમગ્ર અયોધ્યાના લોકો રોડ ઉપર આવી ગયા હતા અને તમામ લોકોને અબીલ ગુલાલથી રંગી ત્યાંની સ્થાનિક મીઠાઈ પેઠાથી મીઠું મોંઢુ કરી રહ્યા હતા. તેવા સમયે સ્થાનિક મુસ્લિમોએ ફાયરીંગ કરતાં અમુક કારસેવકોને ગોળી લાગી હતી. પછી ટોળું બેકાબુ થતાં સ્થાનિક પોલીસ ઓછી પડતાં આર્મીના જવાનોએ પરિસ્થિતિને અંકુશમાં લીધી હતી અને ઠેર-ઠેર જયશ્રી રામના નારાથી સમગ્ર અયોધ્યા રામમય બની ગયું હતું. ત્યાર બાદ બધા ટ્રેઈનમાં રાજકોટ આવતા ટ્રેઈન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો પણ સમગ્ર ટે્રઈન કારસેવકોથી ભરી હોય સામે જવાબ મળતાં ભાંગતોડીયા તત્ત્વો ભાગી ગયા હતાં. આ કારસેવકોમાં પરેશભાઈ ઠાકર, ભગીરથભાઈ ભુત, પ્રભુદાસભાઈ ભુત, પ્રદ્યુમનભાઈ શુકલ સહિતના કારસેવકો છેક અયોધ્યા સુધી સાથે જોડાયેલા હતા ત્યારબાદ આ તમામ કારસેવકો રાજકોટ આવતાં જ જુદા જુદા આગેવાનો, ગરબી મંડળો, સામાજિક આગેવાનો, મહિલા અગ્રણીઓએ હાર-તોરાથી સ્વાગત કર્યું હતું.
30 ઓક્ટોબર 1990નો એ દિવસ અને ફતેહગઢ જેલ….
દેવઉઠી અગિયારસના પરમ પવિત્ર દિવસે સમગ્ર દેશમાંથી રામજન્મભૂમિ આંદોલનને અનુલક્ષીને ગામે-ગામ અને તમામ જિલ્લા અને તમામ રાજ્યોમાંથી અગણિત કારસેવકો અયોધ્યા જવા રવાના થયા હતા. રામજન્મભૂમિ આંદોલન સમિતિ દ્વારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જુદા જુદા આગેવાનોને આ કાર્યક્રમ સફળ થવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. રાજકોટ મહાનગર વિશ્ર્વ હિન્દુ પરિષદની તે વખતની જવાબદારી પ્રકાશભાઈ ટિપરેને આપવામાં આવી હતી. પ્રકાશભાઈ ટિપરે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અદના સ્વયંસેવક હતાં. રાજકોટ મહાનગર જુદા જુદા વિસ્તારોમાં રામજન્મભૂમિ આંદોલનને વ્યાપક વેગ મળે અને જન જન સુધી આ આંદોલન પહોંચે તે અનુલક્ષીને રાજકોટના ચાર પ્રખંડો રચવામાં આવ્યા હતા. પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર અને દક્ષિણ પ્રખંડના સંયોજક તરીકે દેવપરા સાયમ શાખાના સ્વયંસેવક પરેશભાઈ ઠાકરની જવાબદારી હતી. સાથો ગોપાલનગર સાયમ શાખાના સ્વયંસેવક ભગીરથભાઈ ભુત અને શૈલેષભાઈ વ્યાસ અને સંદિપભાઈ પટ્ટણી તેમજ રવિન્દ્રભાઈ ઠાકર સહિતના સ્વયંસેવકો રામજન્મભૂમિ આંદોલનને ઘર સુધી પહોંચાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. પ્રથમ કારસેવા વખતે પરેશભાઈ ઠાકર, ભગીરથભાઈ ભુત, શૈલેષભાઈ વ્યાસ તથા સંદિપભાઈ પટ્ટણી અને રવિન્દ્રભાઈ ઠાકર સહિતના કાર્યકર્તાઓ રાજકોટથી રામજન્મભૂમિ આંદોલન માટે અયોધ્યા જવા ટ્રેઈન માર્ગે રવાના થયા હતા. આ ટુકડીને ભૂગર્ભ ટુકડી તરીકે જવાનું હતું. આ ટુકડીએ લખનઉ સ્ટેશને ત્યાંની મુલાયમસિંહ સરકારની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યાંથી તેમને સ્થાનિક લખનઉથી 120 કિલોમીટર દૂર ઉરઈ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ત્યાં કડકડતી માઈનસ 0 ડિગ્રીમાં રાખવામાં આવ્યા હતા. ઉરઈ જેલના ત્યારના જેલર મુસ્લિમ હતા અને દક્ષિણ પ્રખંડના કારસેવકોની સાથે કેરળ અને કર્ણાટકના પણ કારસેવકો આ જેલમાં હતા ત્યારે મોડી રાતે આ જેલરે સમગ્ર જેલ પરિષદની લાઈટો બંધ કરીને કારસેવક ભાઈઓ અને ઉપસ્થિત જેલમાં આવેલી દુર્ગાવાહિની બહેનો સાથે અત્યંત ખરાબ વ્યવહાર કરી બેફામ માર માર્યો હતો. જેલના સ્ટાફને લાઠીચાર્જ કરવાની સૂચના આપી હતી અને તે વખતે સ્થાનિક ભાજપના ધારાસભ્ય અને જેલતંત્ર વચ્ચે અને કારસેવકો વચ્ચે બેફામ મારામારી થઈ હતી. તમામ કારસેવકોના વાંસા (પીઠ) અને પગ સોજી ગયા હતા. તેની જાણ સ્થાનિક આગેવાનોને થતાં મોટા સ્વરૂપમાં લોકો ઉરઈ જેલ તરફ કૂચ કરી હતી તેથી સ્થાનિક વહિવટી તંત્રએ તમામ અંદાજે 300થી ઉપરના કારસેવકોને સ્થાનિક એસ.ટી.ની બસમાં તાત્કાલિક ત્યાંથી ફતેહગઢ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ફતેહગઢ જેલ ખૂબ જ મોટી હતી અને સમગ્ર દેશમાંથી કારસેવકોને ત્યાં રાખવામાં આવ્યા હતા. દક્ષિણ પ્રખંડના સંયોજક પરેશભાઈ ઠાકરને જે તે વખતે ટે્રઈનમાં જ સખત તાવ હોય, ઉંમર ખૂબ જ નાની હોય વડીલ કાર્યકર્તાઓએ ખૂબ જ ધ્યાન રાખ્યું હતું પરંતુ ઝાંસીથી જુદી જુદી ધરપકડો થતાં બધા ગ્રુપ્સ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. કોઈ સાથે સંપર્ક ન હતો અને ઉરઈ જેલના બંધકોને ફતેહગઢ જેલમાં લઈ જવામાં આવ્યા તે કોઈના ધ્યાનમાં ન હતું. રાજકોટ શહેરના વરિષ્ઠ અગ્રણી અને જનસંઘની સ્થાપના પૈકીના મનસુખભાઈ છાપીયાને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાંના સ્થાનિક સમાચાર પત્રમાં ગુજરાતના એક કારસેવકના મૃત્યુના સમાચાર સાંભળી મનસુખભાઈ છાપીયાને લાગ્યું કે આ ઠંડીમાં પરેશભાઈ ઠાકરનું મૃત્યુ થયુ છે. તેમણે જેલમાં કાર્યકર્તાઓ સાથે ઉપવાસ રાખી અને ગીતાજીના પાઠ પરેશભાઈ ઠાકરને અર્પણ કર્યા હતા અને જ્યારે 24 દિવસ પછી રાજકોટ રેલવે સ્ટેશન ઉપર પરેશભાઈ ઠાકર સાથે ભેટો થતાં તેમને ભેટીને ખૂબ જ રડ્યા હતા.
ફતેહગઢ જેલમાં સમગ્ર યુ.પી.માંથી કારસેવકો માટે અગણિત ભોજન, ચા, નાસ્તો આવતો હતો. આ જેલમાં જન્મટીપની સજા ભોગવતા કેદીઓએ તમામ રામભક્તોનું ખૂબ જ ધ્યાન રાખેલ હતું. તે વખતે પરેશભાઈ ઠાકરને અને અન્ય કારસેવકોને તાવ, ટાઢ ખૂબ જ આવતા હતા. તેમની અગણિત સેવા આ જન્મટીપના કેદીઓએ કરી હતી. જેલની અંદર આવેલી ગૌશાળામાંથી રોજ ચોખ્ખુ ગાયનું દૂધ કારસેવકોને સેવાના સ્વરૂપે પીરસતા હતા અને અંદાજે 24 દિવસ પછી લાગલગાટ સંઘર્ષ પછી સૌ કારસેવકો હૈયાત વજન કરતાં 10થી 12 કિલો વજન ઉતારીને પરત ફર્યા હતા.