ગુજરાતમાં સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતના આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યારે મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે. લોકો વરસાદના તાંડવથી તોબા પોકારી ઉઠ્યા છે તેમ છતાં વરસાદનું જોર ઘટવાની શક્યતા નથી. આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
- Advertisement -
આ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર
બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તેમજ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે.
આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની માછીમારોને સૂચના
હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે.