પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં પુર આવતા માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ
સુત્રાપાડામાં વધુ 4 ઇંચ, ઉનામાં 3 ઇંચ વરસાદ: જૂનાગઢ જિલ્લામાં અડધાથી અઢી ઇંચ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સોરઠનાં 16 તાલુકામાં આજે અડધાથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. તેમજ સુત્રાપાડા તાલુકામાં વધુ 4 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. પ્રાચી તિર્થમાં સરસ્વતી નદીમાં પુર આવતા માધવરાજી મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. તેમજ જૂનાગઢ શહેરમાં પણ બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે ઠેરઠેર પાણી ભરાયાં હતાં. ગઇકાલે ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા અને કોડીનારને મેઘરાજાએ ધમરોળ્યાં બાદ આજે પણ મેઘ સવારી યથાવત રહી હતી. ગઇકાલે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. બાદ મોડીરાત્રીનાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી હતી. રાત્રીનાં 4 થી છ વાગ્યા દરયિમાન સુત્રાપાડામાં 18 મીમી વરસાદ થયો હતો. જયારે જૂનાગઢ જિલ્લાનાં માંગરોળમાં 41 મીમી વરસાદ વરસી ગયો હતો. બાદ સવારનાં 6 થી બપોરનાં 12 વાગ્યા દરમિયાન સોરઠનાં 16 તાલુકામાં વરસાદ થયો હતો. સોરઠનાં 16 તાલુકામાં અડધા ઇંચથી લઇને 4 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડામાં રાત્રથી લઇ બપોરનાં 12 સુધીમાં 4 ઇંચ વરસાદ થયો હતો. બે દિવસમાં સુત્રાપાડામાં 17 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ઉનામાં આજે 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ કોડીનારમાં દોઢ ઇંચ, ગીર ગઢડામાં અઢી ઇંચ, વેરાવળમાં એક ઇંચ વરસાદ થયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પડી રહેલા સતત વરસાદનાં પગલે હજુ પાણી ભરાયેલા છે. તેમજ પ્રાચી તિર્થની સરસ્વતી નદીમાં પુર આવતા માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. મંદિરની અંદર સરસ્વતી નદીનાં પાણી ભરાઇ ગયા હતાં. જિલ્લાનાં ગામડાઓમાં હજુ પાણી ભરેલા છે. તેમજ કોડીનાર -સોમનાથ હાઇવે ઉપર પણ ઠેરઠેર પાણી ભરાયા છે. જૂનાગઢ જિલ્લામાં રાત્રીનાં વરસાદ થયો હતો. વહેલી સવારનાં 4 થી 6 કલાક દરમિયાન માત્ર માણાવદરમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો. બાદ બપોરનાં 12 સુધીમાં સમગ્ર જિલ્લાને વરસાદે પ્રભાવીત કર્યો હતો. જૂનાગઢ જિલ્લામાં બપોરનાં 12 વાગ્યા સુધીમાં ભેંસાણમાં અઢી ઇંચ, મેંદરડામાં અઢી ઇંચ, માણાવદરમાં અઢી ઇંચ, જૂનાગઢમાં બે ઇંચ,માંગરોળમાં બે ઇંચ, વંથલી અને વિસાવદરમાં દોઢ ઇંચ અને કેશોદમાં એક ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ શહેરમાં બે ઇંચ વરસાદ થતા રસ્તા ઉપર પાણી દોડવા લાગ્યા હતાં.
ચાર તાલુકામાં 50 ટકાથી વધુ વરસાદ થયો
સોરઠનાં ચાર તાલુકામાં સિઝનનો 50 ટકા કરતા વધુ વરસાદ થઇ ગયો છે. જેમાં માંગરોળ તાલુકામાં સિઝનનો 55.14 ટકા અને માણાવદરમાં સિઝનનો 54.02 ટકા વરસાદ થયો હતો. ગીર સોમનાથનાં કોડીનારમાં 55.29 ટકા અને સુત્રાપાડામાં 66.27 ટકા વરસાદ થયો છે. જૂનાગઢ શહેરમાં 40.68 ટકા સિઝનનો વરસાદ વરસી ગયો છે.
- Advertisement -
ઉનાનો દ્રોણેશ્ર્વર ડેમ પણ ઓવરફ્લો થયો
ગીર સોમનાથ જિલ્લામાં આવેલો ઉના તાલુકાનાં દ્રોણેશ્ર્વર ડેમમાં નવા નીરની આવક થઇ છે. દ્રોણેશ્ર્વર ડેમ પણ ઓવરફ્લો થઇ ગયો છે. સોરઠમાં અષાઢ મહિનામાં સારો વરસાદ થયો છે. હજું ચોમાસાની સિઝન બાકી છે.ત્યારે સારો વરસાદ થઇ જતા ખેડૂતો ખુશ થઇ ગયા છે.