જૂનાગઢ – ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ
વરસાદી સિસ્ટમ સક્રિય થતા કેરી અને ખેતી પાકને નુકસાન
- Advertisement -
સોરઠ પંથકના અનેક વિસ્તારની નદી-નાળામાં પાણી વહેતા થયા
વરસાદ શરુ થતા ભારે ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
- Advertisement -
હવામાન વિભાગની આગાહીના પગલે આજથી ચાર પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં તેજ પવન સાથે હળવા થી ભારે વરસાદની આગાહી વચ્ચે સોરઠ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ગત સામી સાંજથી કાળા ડિબાંગ વાદળો અને મીની આંધી જેવા દર્શ્યો સાથે અનેક તાલુકામાં વરસાદ વરસતા લોકોને ગરમીથી આશિંક રાહત અનુભવી રહ્યા છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આજ સવારથી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને અનેક તાલુકામાં તેજ પવન વરસાદ વરસતા કેરી અને અન્ય પાકોને નુકશાન થયું છે. તેમજ અનેક વિસ્તારમાં સારો વરસાદ થતા નદી, નાળામાં પાણી વહેતા થયા હતા.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગત સામી સાંજે તેજ પવન અને ગાજવીજ બાદ વરસાદ તૂટી પડ્યો હતો અને અને એક કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતા ધ્રાફડ નદીમાં પૂર આવ્યું હતું ઉપરાંત જેતલવડ, કાલાવડ અને ગીર પંથકમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો જેના લીધે વોકળા અને ચેકડેમમાં પાણી ભરાયા હતા. તેમજ સારા વરસાદના લીધે અનેક ખેતરોમાં પાણી ભરાય ગયા હતા અને ખેતરોમાં રહેલ તૈયાર પાક પલળી જતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો હતો એજ રીતે કેસર કેરીના પાક પર બીજી વખત વરસાદ વરસતા બાગાયત પાકને પણ નુકશાન થયું હતું.
જૂનાગઢ શહેરમાં ગત સાંજના ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી અને આજ સવારથી ઘટાટોપ વાદળો અને પવન સાથે શહેરના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા અને શહેરના રસ્તાઓ પણ પાણી વહી ગયા હતા અને લોકોએ અસહ્ય ગરમી માંથી મહદંશે રાહત મળી હતી અને આજે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે માળીયા હાટીના તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો તેની સાથે કેશોદ સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી છે અને હજુ આગામી એક સપ્તાહ સુધી વરસાદ પાડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
સોરઠ પંથકમાં વરસાદની એન્ટ્રી જોવા મળતા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા સહીત ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને 1 ઇંચ જેટલો વરસાદ વરસતા અસહ્ય ગરમીમાં લોકોને ઠંડકનો એહસાસ થયો હતો જોકે આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને તૈયાર થયેલ પાકમાં ભારે નુકશાની જોવા મળી રહી છે જે વરસાદ 15 જુના આસપાસ આવે છે તેના બદલે મેં મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઇ ગયો છે. અને જે ખેડૂતોના ખુલ્લા ખેતર છે તેમાં વાવણી કાર્ય શરુ કરવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
થોડાજ વરસાદની એન્ટ્રી થતા વીજ ધાંધિયા શરુ
જૂનાગઢ સહીત જિલ્લામાં થોડાજ વરસાદની એન્ટ્રી થતા વીજ ધાંધિયા શરુ થયા છે શહેરના અનેક ભાગોમાં ગત સાંજથી વીજળી ગુલ થવાના સમાચાર મળી રહ્યા છે એક તરફ અસહ્ય બફારો અને વીજળી ગુલ થતા લોકો અકળાઈ ઉઠ્યા હતા અને પીજીવીસીએલ દ્વારા પ્રિ – મોનસુન કામગીરી કરવામાં આવી હશે પણ હજુ વરસાદ શરુ થતા વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે.