જાણીતા કરતા અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધી ભૂલી જવું વધારે હિતાવહ છે.
રાત ગઇ બાત ગઇ, જેવા શારીરિક સંબંધો રાખતી યુવતી
- મેધા પંડ્યા ભટ્ટ
હું જાણું છું કે શરીરની ભૂખ એ કુદરતી બાબત છે. તે ભૂખ ઘણામાં ઓછી, ઘણામાં વધારે તો કેટલાકમાં સપ્રમાણ કે જરૂરીયાત પૂરતી હોય છે. જેમ જેમ લોકોને મળી રહી છું એક વાતનું તારણ સ્પષ્ટ સમજાઇ રહ્યું છે કે આજની યુવતીઓ અને મહિલાઓ હવે લાગણીવિહીન થવા લાગી છે. તેની લાગણીનો કે શરીરનો ઉપયોગ કરી જાય તે તેને ફાવે તેમ નથી અને એટલે જ તે પોતાના શરીરને પોતાનું હથિયાર બનાવીને તે પુરુષોનો ઉપયોગ કરવા લાગી છે. તેને તેના જીવનમાં ફક્તને ફક્ત મોજશોખ કરવા હોય તેવું નથી પણ ક્યાંક ને ક્યાંક તે કોઇનાથી ઘવાઇને આ રસ્તે આગળ વધવાનું વિચારી લે છે. સ્ત્રી પ્રેમ તો કરે છે, પણ તે પ્રેમમાં જો તેને દગો મળે તો તેનાથી વધારે ખતરનાક બીજુ કોઇ હોતુ નથી. આ લખી રહી છું ત્યારે મને હિન્દી ફિલ્મો હેટસ્ટોરી અને જૂલી યાદ આવી ગઇ. પ્રેમ અને વિશ્વાસમાં દગો મેળવનાર યુવતી કેવી રીતે બદલો લઇ શકે છે તે આ પાત્રને જોઇને સમજાણું.
આજે કૌશિકી નામની એક યુવતીની વાત કરીશ. તે મને ફેસબુકમાં મળી હતી. મારા અનેક આર્ટીકલની લિંક તેને તેના કોઇ મિત્રએ મોકલી હશે. તે પછી તેણે મારો મેસેન્જરમાં સંપર્ક કર્યો. ત્રણ મહિનાથી આવેલો મેસેજને જોયા બાદ મેં તેને રીપ્લાય કર્યો. અમે બંનેએ નંબર આપ-લે કર્યા અને ફોન પર વાતચિત કરી. તે સુરત રહે છે. એક સારી કંપનીમાં સારા હોદ્દા પર નોકરી કરે છે. તેણે મને કહ્યું કે કંપનીની મીટીંગ વખતે અમદાવાદ આવવાનું થશે ત્યારે તે મને મળશે. વોટ્સઅપથી અમે સંપર્કમાં રહેતા હતા અને એક દિવસ મળવાનું પણ નક્કી થયું. એસ.જી હાઇવેની એક હોટલમાં અમે બંને તેના રૂમમાં બેઠા હતા. તેને જ્યારે મળવા ગઇ ત્યારે તેના રૂમમાં કોઇ પુરુષ રહ્યો હોય તેવી શંકા મને લાગી હતી. તેણે મને સ્પષ્ટ કહ્યું કે કાલે રાત્રે હું મારા બોસના બોસ સાથે હતી અને તેણે મને હળવું સ્મિત આપ્યું.
- Advertisement -
તે મારી સામેના સોફા પર બેસી ગઇ. સામાન્ય ઓળખાણ સાથે તેણે કહ્યું કે, મેધા હું પથ્થર જેવી બની ગઇ છું. જીવનમાં એક ઘટના એવી બની ગઇ કે તે પછી મને પુરુષો પ્રત્યે પ્રેમ ક્યારેય થયો જ નહી. હું અને કૌશિકી ઘણા સમયથી સંપર્કમાં હતા એટલે મિત્રતાની વ્યાખ્યામાં પ્રવેશી ચૂક્યા હતા. તેણે પોતાની વાત મને કહેવાની શરૂ કરી. મેધા, હું જ્યારે માસ્ટર્સ કરતી હતી ત્યારે એક યુવકના પ્રેમમાં હતી. તે સમયે શારીરિક સંબંધોને લગ્નબાદ જ મહત્વ અપાતું હતું. હાલમાં હું 45 વર્ષની છું પણ મેં મારા શરીરને ખૂબ આકર્ષક બનાવીને રાખ્યું છે. પુરુષો માટે નહીં પણ પુરુષોને ફસાવીને મારા કામ કઢાવી શકું અને તેમનો ઉપયોગ કરી શકું તે માટે સુંદર છું. માસ્ટર્સ કરતી ત્યારે મારા ઘરની ગલીના વળાંક પર કેટલાક છોકરાઓનું ટોળું ઊભુ રહેતું. હું તેમાં વધારે ધ્યાન નહોતી આપતી પણ તેમાંથી ભૂવન કરીને યુવક હંમેશા હું પસાર થાવ ત્યારે કોઇ ગીત ગાતો. એકવાર તેણે મારું ફેવરેટ સોંગ ગાયું…તું ઇસ તરહ સે મેરી જીંદગી મેં સામિલ હૈ….તે સમયે મારાથી તેના તરફ જોવાઇ ગયું અને આ રીતે અમારી પ્રેમકહાણીની શરૂઆત થઇ. પછી તે મારી સાથે મારા ઘરથી થોડે દૂર સુધી આવતો. એક દિવસ તેણે મને એક કાગળ આપ્યો. મેં ખૂબ ગભરાઇને ખોલ્યો તો તેમાં આઇ લવ યુ..લખ્યું હતું. હૃદય ધબકારો ચૂકી ગયું. તે પછી અમે કોઇકને કોઇક સ્થળે મળતા રહેતા. મોબાઇલનો જમાનો નહોતો એટલે લેટર્સની આપ-લે થતી. મળીએ ત્યારે વાતચિત ખૂબ ચાલતી. મને તેના પ્રત્યે એક અલગ જ આકર્ષણ હતું કારણકે તે ખૂબ સુંદર દેખાતો હતો અને તેના વાળ મને ખૂબ ગમતા હતા.
અમારી વચ્ચે ફક્ત હાથ પકડ્યા જેટલો જ સંબંધ હતો પણ ઘણીવાર મનમાં તેનાથી આગળ વધવાની ઇચ્છા બંનેની હતી તેવું એકબીજા સમજી ગયા હતા. એકવાર ભૂવનના ઘરે તેના મમ્મી પપ્પા નહોતા, તો તેણે મને મળવા માટે કહ્યું. હું તેના ઘરે ગઇ. તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી. મેં તેને પહેલા તો ન રોક્યો પણ તેના ચુંબનની સાથે તેના હાથ જે રીતે મારા શરીરના અંગો પર ફરવા લાગ્યા, તો મને તે થોડુંક યોગ્ય ન લાગ્યું. હું અનુકૂળ નહોતી. હું તેની સાથે શારીરિક સંબંધ બાંધમાં મનથી તૈયાર નહોતી. મારા માટે તે સમયે લગ્નબાદ જ સંબંધ બાંધવો તે સ્પષ્ટ હતું. પહેલા મેં તેને પ્રેમથી ના પાડી અને તેનાથી બે-ત્રણ વાર દૂર થવા પ્રયત્ન કર્યો, તેને ગુસ્સો આવ્યો તો તેણે મારી સાથે બળજબરી કરવાની શરૂ કરી. પહેલા મારા દુપટ્ટા વડે મારું મોં બંધ કરી દીધુ અને પછી મારા તમામ કપડાં મારા શરીરથી દૂર કરીને મારી સાથે બળજબરીથી સંબંધ બાંધ્યો. મને ખૂબ લોહી નીકળી રહ્યું હતુ અને પીડા થઇ રહી હતી પણ તેને તેની કોઇ પરવાહ નહોતી. તેની ઇચ્છાતૃપ્તિ બાદ હું ઊભી થઇ અને મેં કપડાં પહેર્યા. ત્યાં નજીકમાં મારી એક દોસ્તનું ઘર હતું. તે તેની મમ્મી સાથે રહેતી હતી અને તેની મમ્મીનો શાળાનો સમય હોવાથી તે ઘરે ન હોય તેની મને ખબર હતી. હું તેને ત્યાં ગઇ. તે મને જોઇને સમજી ગઇ અને મેં તેને બધી વાત કરી. મેં તેના કપડાં પહેર્યા અને મને તે સાંજે ઘરે મૂકી ગઇ. મને બે-ત્રણ દિવસ તાવ રહ્યો અને પછી મેં નક્કી કર્યું કે હવે હું ભૂવનને ક્યારેય મળીશ નહીં.
મેં તેને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધુ. મારો કોલેજનો જવા આવવાનો રસ્તો પણ બદલી નાખ્યો. એક દિવસ તે તેના મિત્રો સાથે મારા કોલેજ છૂટવાના સમયે કારમાં આવ્યો. તે કારમાં જ બેઠો હતો. તેનો એક મિત્ર કારથી થોડે દૂર આવીને મને ભૂવન હોસ્પિટલમાં છે અને મને મળવા માંગે છે. માફી માગવા ઇચ્છે છે, તેમ જણાવ્યું. હું થોડી લાગણીશીલ થઇ અને કારમાં જેવી બેઠી તો ભૂવનને જોતા ગભરાઇ ગઇ. હજી કઇ વિચારું તે પહેલા કાર પૂર ઝડપે દોડવા લાગી અને એક ફાર્મ હાઉસ પર જઇને ઊભી રહી. તે પછી તેના ત્રણ મિત્રો અને ચોથો ભૂવન હતો, જેણે મારો રેપ કર્યો. મારું રડવું, વિનંતીઓ અને આજીજીઓની તેમના પર કોઇ અસર ન થઇ. તે દિવસ અને આજનો દિવસ મેં તે ચારેયને બદબાદ કરી નાખ્યા. હું તે સમયે જો માફી મંગાવવા માટે કેસ કરીને બેઠી હોત તો તેમાં મને જ બદનામી મળી હોત, તે લોકો ક્યારેય પકડાયા જ ન હોત.
- Advertisement -
મેં મારું ભણવાનું પૂરું કરીને એક કંપનીમાં નોકરી શરૂ કરી. હું સુંદર તો છું જ બસ થોડી સ્ટાઇલીશ થવાની જરૂર હતી. તે થઇ ગઇ. ધીમે ધીમે મારા કામથી હું આગળ વધવા લાગી. એક હોદ્દા પર પહોંચ્યા પછી તે ચારેયની તપાસ કરી અને તેમની કંપની સાથે ક્યાંકને ક્યાંક કોઇ કામનું જોડાણ કરીને તેમને છેલ્લા પાંચ વર્ષમાં ઘરે બેસાડી દીધા. તેમને બદબાદ કરવા મારે તેમના ઉચ્ચ અધિકારીઓ સાથે સૂઇ જવું પડ્યું. અનેક કાવાદાવા કરીને નક્કી કર્યું કે આ ચારને તો સજા જરૂર કરીશ. મેં મારી ઇમેજ એવી બનાવી કે તેમની કંપનીમાં તેમને જ ન રાખવામાં આવે. તે ચાર જણાયે પોતાની એક કંપની પણ ખોલી હતી. જેને પણ બરબાદ કરવામાં મેં કોઇ કસર રાખી નહીં. ભૂવનને ક્યાંક ને ક્યાંક સમજાઇ ગયું કે હું જ આ કરી રહી છું અને તે મારી ઓફિસે મને મળવા પણ આવ્યો હતો. તે સમયે મેં તેની સાથે જે રીતે વર્તન કર્યું તે પરથી તેને તેની ઓકાત સમજાઇ ગઇ. મારા માટે હવે મારું પ્રોફેશન વધારે મહત્વનું છે. સાથે જ મને સેક્સ કરવાનો અનોખો આનંદ આવે છે. તેથી હું મારા કામને મારા શરીર સાથે જોડેલું રાખું છું. હું માનું છું કે જીવનમાં પ્રગતિ મેળવવા માટે જે રીતે દિમાગનો ઉપયોગ કરીએ છીએ, તો જો સાથે જ શરીરનો ઉપયોગ કરીને તન અને મન બંનેને શાંતિ મળતી હોય તો તે કરવામાં જરાય છોછ નથી. શારીરક પીડા જે હતી તે હવે તે બધાને બરબાદ કર્યા બાદ ઓછી થઇ ગઇ છે. હવે હું મારું જીવન મારી ઇચ્છાથી જીવી રહી છું. ખુશ છું અને સફળ છું. કેટલાય પુરુષો સાથે હું સૂતી છું પણ તે દરેક એક રાત પૂરતા કે કામ પૂરતા સંબંધ રહ્યા છે. તેમાં ક્યારેય લાગણીથી જોડાઇ નથી અને જોડાવા માગતી પણ નથી. કામના સંબંધનો કામમાં જ ઉપયોગ કરું છું.
સમજવા જેવું –
હંમેશા સ્ત્રીઓના ચરિત્રને લઇને અનેક પ્રશ્નો થતા હોય છે. જો કોઇ સ્ત્રી ખરાબ તો તે ખરાબ જ બની જાય છે, પણ તેની પાછળનું સાચુ કારણ શું હશે તે ક્યારેય કોઇ જાણવાનો પ્રયત્ન કરતું નથી. ઘણીવાર કેટલાક ઘા આજીવન રહી જતા હોય છે, તો કેટલીકવાર તેને દૂર કરવાની હિંમત ભેગી કરી તે ભૂંસી નખાતા હોય છે. તેને માટે સ્ત્રીએ પોતાને ખૂબ મજબૂત બનાવવી પડે છે. કોઇપણ સ્ત્રીની વિશે ખરાબ બોલતા કે વિચારતા પહેલા તેની મનની પરિસ્થિતીને પણ સમજવી જરૂરી છે. જોકે બીજી તરફ જોઇએ તો આ રીતે ઘવાયેલી સ્ત્રી ખતરનાક બની જાય છે. તેથી કોઇ સ્ત્રીના કે યુવતીના મન સાથે કે તન સાથે રમત રમતા પહેલા દરેક પુરુષે વિચારવું જોઇએ. કરેલા કર્મોનું ફળ આ જ જીવનમા આપણને મળી જતું હોય છે. તે ક્યારે અને કેવા સમયે સામે આવીને ઊભુ રહે તે આપણે પોતે પણ જાણતા નથી.