હવે પવિત્ર નહીં પણ સગવડીયો સંબંધ વધારે જોવા મળે છે
બંને એકબીજાની મરજીથી બાંધે છે અન્ય વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ
મેધા પંડ્યા ભટ્ટ
ડેટીંગ એપ પર જ્યારે અનેકોનેક પાત્રોને મળવાનું થયું ત્યારે કેટલાક કપલ્સને પણ મળવાનું થયું હતું. આવી ડેટીંગ એપ પર કપલ્સ પણ વધારે જોવા મળે છે. આજના સમયમાં સ્વચ્છંદી રીતે વિચારનારા અને જીવનારા લોકોમાં આવા વ્યક્તિઓનો સમાવેશ કરી શકાય છે. કપલ્સ ડેટીંગ પણ આવી એપ્સ પર ખૂબ પોપ્યુલર છે. જોકે કપલ્સ ડેટીંગના કેટલાય કિસ્સાઓ અને સમાચારો અવારનવાર ચર્ચાતા હોય છે અને ક્યાંકને ક્યાંક બહાર આવતા અટકી પણ જતા હોય છે. ડેટીંગ એપના મારા કિસ્સાઓમાં આવા જ એક કપલની વાત આજે તમને કહીશ. તેમની સાથે મેં વિડીયો કોલમાં વાતો કરી હતી. બંને સુરતમાં રહે છે અને ડેટીંગ એપનો ભરપૂર ઉપયોગ કરે છે. સાથે જ બંને પતિ-પત્ની ખૂબ સ્માર્ટ પણ છે. તેમને આવી એપ પર કોનું આઇડી સાચું છે અને કોણ ખોટું તેની પણ તરત જ ખબર પડી જાય છે. ગાર્ગી અને નિશાંત બંને પતિ-પત્ની છે. લગ્નજીવનને હજી એક વર્ષ જ થયું છે. બંનેની ઉંમર પણ 30 થી 35 વર્ષની છે. બે વર્ષ પહેલા તેઓ આવી જ એક ડેટીંગ એપ પર મળ્યા હતા. ગાર્ગી મૂળ બરોડાની છે અને નિશાંત સુરતનો છે. બંનેએ શરૂઆતના છ મહિના સુધી એકબીજા સાથે વાતચિત કરી અને શારીરિક સંબંધનો આનંદ માણ્યો. તે પછી લિવઇનમાં રહ્યા અને હવે પતિ-પત્ની તરીકે જીવન જીવી રહ્યા છે. તો ચાલો આજે ડેટીંગ એપ પર એકબીજાને નહીં પણ અન્યોને ડેટ કરનારા સુરતના એક કપલની વાત તેમની પાસેથી જ જાણીયે.
- Advertisement -
ગાર્ગીએ પોતાની વાત કરતા કહ્યું, હું અને નિશાંત જ્યારે ડેટીંગ એપ પર મળ્યા ત્યારે જ પહેલેથી સંબંધને લઇને સ્પષ્ટ હતા. હું કોઇ છોકરા સાથે બે-ત્રણ મહિનાથી વધારે સંબંધ રાખતી નથી. તેવામાં નિશાંત સાથે છ મહિના સુધી સંબંધ જળવાઇ રહ્યો તે મારા માટે બહુ મોટી વાત હતી. અમે બંને એકબીજા સાથે શરીર સુખ ખૂબ એન્જોય કરીએ છીએ. એકબીજાને ગમતી અને ન ગમતી બાબતોની ચર્ચા પણ પહેલેથી કરતા આવ્યા છીએ અને એટલે જ કદાચ અમે આજે સાથે છીએ. છ મહિના સુધી એકબીજાને ડેટ કર્યા તે પછી અમે બંનેએ નક્કી કર્યું કે આપણે લિવ ઇન રીલેશનશીપમાં રહેવું જોઇએ. હું માર્કેટીંગમાં જોબ કરું છું તેથી મેં મારી કંપનીની બ્રાન્ચ જે સુરતમાં છે, ત્યાં ટ્રાન્સફર લઇ લીધી અને અમે બંને સાથે રહેવા લાગ્યા. નિશાંત પણ એક સારી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર છે. અમે બંને અમારો તમામ ખર્ચ અડધો કરી લેતા અને ઇચ્છા થાય ત્યારે ફરવા જવાનો ખર્ચો સ્પોન્સર કરતા. અમારા બંનેના વિચારો એકસરખા છે. જે મનમાં હોય તે સ્પષ્ટ કહી દેવું ગમે છે. સ્ત્રી તરીકે જે પુરુષ સાથે શારીરિક સંબંધ હોય કે જેની સાથે રહેતી હોઉં તેના પ્રત્યે પ્રેમ હોય તે સ્વાભાવિક છે અને મને પણ નિશાંત પ્રત્યે પ્રેમ છે. પણ મને તે છોડીને જતો રહેશે તેવો ક્યારેય કોઇ ડર રહ્યો નથી. અમે એક વર્ષ સાથે રહ્યા બાદ લગ્ન કરવાનું વિચાર્યું. બીજી તરફ બંનેના કુટુંબમાંથી પણ જીવનમાં સ્થિર થવાનું અને કોઇની સાથે સેટ થવાનું પ્રેશર હતું તો ખૂબ વિચાર કર્યા બાદ એકબીજાના કુટુંબવાળાની ઇચ્છાથી ધામધૂમથી લગ્ન કરી લીધા. લગ્ન બાદ અમારા સંબંધનું નામ બદલાયું પણ વ્યાખ્યા બદલાઇ નહીં. અમારા એકબીજા માટેના વિચારો કે સહકારમાં કોઇ ફરક પડ્યો નથી.
હું અને નિશાંત જ્યારે લિવ ઇનમાં રહેતા હતા ત્યારે તે મારી સાથે બેસીને જ ડેટીંગ એપ પર છોકરીઓને સર્ચ કરતો અને જે તેને યોગ્ય લાગે કે જેની સાથે તે વાતો કરતો હોય તેની વિશે મારી સાથે વાતો પણ કરતો. તે ડેટ પર જાય કે કોઇની સાથે હોટલમાં સેક્સ કરવા માટે જાય તો પણ પહેલા અને પછીની દરેક બાબતોની વાત મારી સાથે કરતો. હું એટલું કહીશ કે એક પુરુષને તમામ પ્રકારની વાતો કરવાનું મન થાય તેવી હું વ્યક્તિ નિશાંત માટે છું. બીજી તરફ હું પણ કોઇ છોકરાને ડેટ કરું તો તેની તમામ જાણકારી તેને આપતી. લગ્ન બાદ પણ તે ક્રમ જળવાઇ રહ્યો છે. તે ઉપરાંત હવે તો અમે ગ્રુપમાં પાર્ટી કરીયે તો પણ જો કોઇ પુરુષ મિત્રને જોઇને મને લાગે કે તે મારા તરફ વધારે ધ્યાન આપી રહ્યો છે અને મને પણ તેનામાં રસ પડે તો હું તેની સાથે એન્જોય કરું છું. ફરવા જાઉં છું. બીજી તરફ નિશાંતને પણ કોઇની પત્ની પ્રત્યે આકર્ષણ થાય તો તે પણ ફ્લર્ટીંગ થી લઇને ડેટીંગ સુધીની તેની ઇચ્છા પૂરી કરી લે છે. આ તમામ બાબતો એકબીજાની મરજીથી જ થતી હોય છે. જોકે એકવાર એક મિત્રની પત્નીએ નિશાંતને બ્લેકમેઇલ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને મને વાત કહી દેશે તેમ ધમકી આપી હતી તો નિશાંતે તેને ઘરે બોલાવી મારી સાથે વાત કરવા કહ્યું હતું. મારી અને નિશાંત વચ્ચે જે સમજણ છે, તેની તેને ખબર નહોતી તેથી તે પૈસા પડાવવા માટે આ પેંતરા કરી રહી હતી. જોકે અમારી વચ્ચેની આ જ સમજણ શક્તિના કારણે અમે બંને ક્યારેય કોઇનો શિકાર બન્યા નથી અને છેતરાયા નથી.
લગ્નબાદ પણ અમે અમારી લાઇફ પહેલાની જેમ જ જીવી રહ્યા છીએ. એકબીજાની તમામ વાતો જાણીયે છીએ. હું તમામ સંબંધમાં ખાસ પ્રોટેક્શનનો આગ્રહ રાખુ છું જેથી મારા શરીરને કોઇપણ પ્રકારની તકલીફ ન રહે. હું તમને આ બધુ કહું છું તો હું એક ખરાબ સ્ત્રી તરીકે ચિતરાઇશ અને લોકો મને ખરાબ માનશે તે સ્પષ્ટ છે પણ એકવાત કહું કે પુરુષને જો તેની ખાસ વ્યક્તિ, કે તેની સ્ત્રી મિત્ર તરફથી બાંધી રાખવા કરતા છૂટો મૂકવામાં આવે તો તે આખી દુનિયા ફરીને અંતે તેના સુખના છાંયામાં જ પાછો ફરશે. નિશાંત માટે હું સુખનો છાંયો છું. જ્યાં તે તેના દરેક ગમા-અણગમાને ખુલ્લા મને કહી શકે છે. રડી શકે છે, પ્રેમ કરી શકે છે, નારાજ થઇ શકે છે, ગુસ્સો કરી શકે છે. એક પરિપક્વ પુરુષ તો ક્યારેક બાળક જેવો પણ બની જાય છે. મેં નિશાંતને દરેક રૂપમાં જોયો છે. તે મિત્ર પણ છે, પ્રેમી પણ છે અને એક પતિ પણ બનીને રહે છે. મેં નિશાંતમાં એક વસ્તુ નોટીસ કરી છે કે હું તેને જેટલી છૂટ આપું છું તે તેટલો વધારે પ્રામાણિક રહે છે. એકવાર તો રાત્રે આઠ વાગે ડિનર-ડેટ પર ગયો હતો. ડિનર બાદ યુવતી સાથે હોટલમાં જવાનું પ્લાનિંગ હતું પણ તે ફક્ત ડિનર કરીને જ પાછો આવી ગયો. તે દિવસે મારી તબિયત થોડી ખરાબ હતી તો તેને મારી સાથે સમય વિતાવવું યોગ્ય લાગ્યું હતું. તેથી તેનું આ રૂપ પણ મેં જોયું છે. ભવિષ્યમાં એક સમય એવો પણ આવી શકે કે અમે બંને ફક્ત એકબીજા સાથે જ સુખ અનુભવીએ. કારણકે શરીરને જ્યાં સુધી ભૂખ લાગશે ત્યાં સુધી તે ભોગવવા માટે દોડશે પણ જ્યારે મનને ભૂખ લાગે છે, ત્યારે તે પ્રેમ શોધે છે અને જ્યારે તે પ્રેમ પામી લે છે, તો બીજે બધે ભટકવાનું બંધ કરી દે છે.
- Advertisement -
અમે બંને જ્યારે ડેટ પર જઇએ ત્યારે એકબીજાને લોકેશન પણ મોકલી દઇએ છીએ. એકવાર મારી સાથે હોટલ રૂમમાં જે વ્યક્તિ હતી તે એકવાર સંબંધ બાંધ્યા પછી ફરીથી મારી સાથે બળજબરી કરવા માગતી હતી. તે દિવસે નિશાંત પણ તે જ હોટલમાં અન્ય યુવતી સાથે હતો. મેં ખૂબ સ્માર્ટલી મારી સાથેના યુવકને કહ્યું કે થોડીવાર આરામ કરીને બીજીવાર કરીએ તો તે માની ગયો. તે દરમિયાન મેં નિશાંતને મેસેજ કરી દીધો. તે તરત જ ત્યાં આવીને મારો પતિ છે અને મારા અહીં હોવાની ખબર પડી ગઇ જેવું નાટક કરી મને ત્યાંથી લઇ ગયો. તેના તરફથી મને તે દિવસે ઠપકો મળ્યો હતો. જોકે આ રીતે મેં પણ તેને એકવાર બચાવ્યો હતો. તે એક કોલગર્લમાં ભરાઇ ગયો હતો. તે સમયે અમે લિવ ઇનમાં રહેતા હતા. તે કોલગર્લને પૈસા આપ્યા બાદ તે ફરીથી વધારે પૈસાની માગણી કરી રહી હતી અને નહીંતર બૂમો પાડશે તેમ ધમકી આપી રહી હતી. નિશાંતે મને મેસેજ કર્યો અને પેલીને વાતોમાં રાખી. તે દરમિયાન હું હોટલ પહોંચી ગઇ અને તે મારો બોયફ્રેન્ડ છે, કેમ અહીં બીજી સાથે છે, તેવું નાટક કરીને તેને તેમાંથી બચાવી લાવી હતી. આ બે ઘટના બાદ અમે ખૂબ સાવધાનીથી ડેટ કરીએ છીએ. જોકે પહેલા કરતા હવે ધીમે ધીમે તેનો આંકડો ઓછો થઇ રહ્યો છે પણ મહિને એકાદ કે બે ડેટ કરી લઇએ છીએ.
શારીરિક સંબંધ અનેક સાથે બાંધવામાં મને કે નિશાંતને કોઇ ખોટું લાગતું નથી. તે તન અને મનની તૃપ્તિ માટે છે. અમારા સંબંધમાં એકબીજાને તમામ વાતો કહેવાની પ્રામાણિકતા જે અમે પહેલેથી જાળવી રાખી છે, તે જ અમારા સંબંધને વધારે મજબૂત અને પરિપક્વ બનાવે છે. એવું અમારું બંનેનું માનું છે.
સમજવા જેવું –
સમાજમાં લગ્નબાહ્યેત્તર સંબંધો એકબીજાની મરજી વિના જ થાય છે પણ જ્યારે મરજી થાય તો તેમાં પતિ પત્નીની સમજણશક્તિ જરૂરી છે. જોકે આજેપણ આપણા સમાજમાં પુરુષો બહાર સંબંધ રાખે તેને સ્વીકારી લેવામાં આવે છે પણ સ્ત્રી કોઇ અન્ય સાથે સંબંધ રાખે તો યોગ્ય ગણાતું નથી. હવેના સમયમાં આવા દાખલા અનેક જોવા મળે છે પણ તેવા પતિ-પત્ની પોતાની વાતો બહાર પાડતા નથી. જોકે એકરીતે જોઇએ તો આ અયોગ્ય છે. તમે મિત્ર હો તો ઠીક છે, લિવઇનમાં રહેતા હો તો ઠીક છે પણ પતિ-પત્ની બન્યા બાદ પણ બાહ્યેત્તર સંબંધો રાખવા તે યોગ્ય ગણાતું નથી. એક રીતે આ વ્યક્તિના વ્યક્તિગત વિચારો પર નિર્ભર કરે છે. સમાજ અને સલાહોથી પર હોય તેવા લોકો આ પ્રકારનું જીવન જીવી શકે છે. જે ક્યાંકને ક્યાંક અયોગ્ય તો છે જ.