તેણે મારા નગ્ન શરીરનો ઉપભોગ ન કર્યો : તેણે મારા શરીરને નહીં, મનને પ્રેમ કર્યો
મેધા પંડ્યા ભટ્ટ
ડેટીંગ એપ્સ પર અનેક યુવક, યુવતીઓ, સ્ત્રીઓ અને પુરુષોને મળવાનું થયું, તેમાં આ યુવતી મને સૌથી વધારે અલગ માનસિકતા ધરાવતી હોય તેવું લાગ્યું. તેનું જીવન પણ ખૂબ ડહોળાયેલું છે. તે યુવકો અને પુરુષો સાથે મિત્રતા કરતી હતી પણ તે ફક્તને ફક્ત ફ્લર્ટ કરતી હતી. ડેટીંગ એપ પર જે લોકો હોય, તે ત્યાં અનેક પ્રકારના સંબંધ શોધતા હોય છે અને તેમાં સૌથી વધારે સેક્સ બાંધવા માટે સંબંધની શોધ થતી હોય છે. મારા રીસર્ચ દરમિયાન મને મળેલા લોકોમાં આ પહેલી યુવતી હતી, જેણે મને કહ્યું કે મેં ડેટીંગ એપ પર કોઇને પણ ડેટ કરીને તેની સાથે સેક્સ સંબંધ બાંધ્યો નથી. મને નવાઇ લાગી અને મેં તેને અનેક રીતે ફેરવીને પૂછ્યું તો વાત કંઇક નવી જ જાણવા મળી. હું અહીં કશ્યપી નામની 32 વર્ષની અપરિણીત યુવતીની વાત કરી રહી છું. જે સોશિયલ વર્ક કરે છે અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. તેની વાત સાંભળીને પહેલા તો સાચી ન લાગી પછી તેના પર વિશ્વાસ કરવાનું મન થયું. તો કશ્યપીની વાત તેની પાસેથી જ જાણીયે.
- Advertisement -
હું એક વર્ષથી ડેટીંગ એપ્સનો ઉપયોગ કરું છું. તેમાં અત્યાર સુધીમાં મેં 17 લોકો સાથે ડેટ કરી છે. તે તમામ ડેટ ફક્ત ડિનર ડેટ જ રહી છે અને પછી હું તેમને બીજીવાર ક્યારેય મળી નથી. મારા માટે આ બધાને મળવું તેની પાછળનું કારણ આખુ અલગ હતું. હું કોઇ સારો યુવક કે પુરુષ મારા જીવનમાં સ્થાયી થઇને રહે તે શોધી રહી હતી. જે મને થોડા સમય પહેલા મળી ગયો છે. મારા જીવનની વાત કરું અને ડેટીંગ એપ્સ પર આવવાના મુખ્ય કારણ વિશે જણાવું તો હું પાંચ વર્ષ પહેલા એક પરણિત પુરુષ પરિક્ષિતના સંપર્કમાં આવી હતી. તે સરકારી અધિકારી છે. સાથે જ કેટલાક એનજીઓમાં સરકાર તરફથી મળતી યોજનાઓમાં મદદરૂપ પણ થાય છે. કોઇ ઉચ્ચ કક્ષાનો અધિકારી નથી પણ સામાન્ય પોસ્ટ ધરાવે છે. હું પોતે સોશિયલ વર્ક કરું છું, તેથી તેમને એકવાર મળવાનું થયું અને અમારી વચ્ચે નંબરની આપ લે થઇ. તે પછી ક્યારેક ક્યારેક કોઇ કાર્યના સંદર્ભે મળવાનું થતું. તેમની વાત કરવાની છટા મને ગમતી, તેઓ પણ મને પર્સનલ મેસેજ અને ફોન કરતા. અમે બંને કામ સિવાય પણ મળવા લાગ્યા. હું એકલી ઘર રાખીને ભાડે રહું છું, તેથી તે ઘણીવાર મારા ઘરે પણ આવતા. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા.
મને થયું કે તે મને પ્રેમ કરે છે પણ મારો તે ભ્રમ તૂટી ગયો. એકવાર એક એનજીઓના પ્રોગ્રામમાં મેં તેમને મહેમાન તરીકે બોલાવ્યા અને તે પ્રોગ્રામના ફોટા મેં મારા સ્ટેટસમાં મૂક્યા. તે વખતે મારી એક-બે સ્ત્રી મિત્રોએ મને તે ફોટા જોઇને મને ચેતવી કે આ વ્યક્તિથી ચેતીને રહેજે. તે ચામડીચોર છે. હું તેમની વિશેની આ વાત સાંભળીને નવાઇ પામી. જોકે તેમના વિશે ધીમે ધીમે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો તો સમજાયું કે હું તો ખોટી જગ્યાએ ફસાઇ રહી છું. મારી જે મિત્રએ મને તેમના વિશે જણાવ્યું હતું તેની સાથે મેં વાત કરી તો ખબર પડી કે તે તેના રડારમાં આવનારી કોઇપણ યુવતીને છોડતો નથી. તે સિવાય એક સાથે અનેક યુવતીઓ અને સ્ત્રીઓને પણ ભોગવે છે. ક્યારેક દલાલો પાસે કોલગર્લ પણ મંગાવે છે. સરકારી અધિકારી હોવાથી તેને ક્યારેય કોઇ ખર્ચ કરવો પ઼ડતો નથી. તેમજ તેના સંપર્કો પણ આવા પ્રકારના જ રહેલા હોય છે.
હું તો આ બધુ જાણીને માનસિક રીતે ભાંગી પડી. જેને હું પ્રેમ સમજી બેઠી હતી અને જેના તરફથી મને પ્રેમનો અનુભવ સતત કરાવતા રહેવામાં આવ્યો તે ભ્રમ હતો. તૂટી ગયો. હું પરિક્ષિતમાં એટલી બધી ઊંડી ઊતરી ગઇ હતી કે મને આ બધુ જાણીને ખૂબ અસર થઇ જે મારા ચહેરા અને શરીર પર દેખાવા લાગી. ચાર વર્ષ સુધી હું તેની સાથે જાણે પત્ની બનીને જીવવા લાગી હતી. પરિક્ષિત પણ મારા પર ખૂબ વોચ રાખતો. મારો મોબાઇલ, વોટ્સઅપ ચેક કરવું તે તેનો નિયમ હતો. અમે જ્યારે પણ મળીએ ત્યારે તે સીધો જ આવીને પહેલા મારી સાથે સેક્સ કરતો. જેમાં તેને બ્લોજોબ કરાવવું વધારે પસંદ પડતું. હું મને ન ગમતું પણ તેની સાથે કરતી કારણ કે તેને પ્રેમ કરતી હતી. તે હંમેશા પહેલા મારા શરીરને ભોગવી લે અને પછી મારો ફોન ચેક કરે. તેને સંતોષ થઇ જાય પછી પોતાનો ફોન લઇને બેસી જાય. ઘણીવાર તેને મારા વોટ્સઅપમાં કોઇ વ્યક્તિ સાથેની નોર્મલ વાતચિતમાં પણ શંકા ઊભી થાય તો મારા પર ગુસ્સો કરી ફરીથી મારા કપડાં કાઢીને સેક્સ કરીને તેનો ગુસ્સો વ્યક્ત કરતો હોય તેવું મારી સાથે કરતો. મારી માટે આ પીડાદાયક રહેતું પણ મને હંમેશા મારો વાંક જ દેખાડતો. જેની અસર મને મન પર થઇ હતી. હું તેને ન ગમતું ક્યારેય કરતી નહીં. તેને જ ખુશ રાખવાનો પ્રયત્ન કરતી. જોકે તેની વિશે જાણીને કાપો તો લોહી ન નીકળે જેવું થયું. જોકે છેલ્લા એક વર્ષથી અમારી વચ્ચે બધુ ઓછું થઇ ગયું. ચાર-પાંચ મહિને તેને ઇચ્છા થાય તો મને મળવા આવે અને ઇચ્છા થાય તો સેક્સ કરે નહીંતર ખાલી બ્લોજોબ કરાવીને જતો રહે. છેલ્લા એક વર્ષમાં તે ફક્ત ત્રણવાર જ મારા ઘરે આવ્યો છે. તેણે મારો મોબાઇલ સુદ્ધા જોયો નથી. તેનું વર્તન બદલાયેલું મને લાગ્યું પણ મેં ક્યારેય કોઇ વાત પૂછી નથી.
- Advertisement -
મારી મિત્ર મારી દરેક વાત જાણતી હતી. મારી મિત્રએ મને કહ્યું કે આ બધામાંથી બહાર નીકળી કામમાં ધ્યાન આપું. તે સિવાય કોઇ અન્ય વ્યક્તિ સાથે જોડાઇશ તો મન બીજે લાગશે. સંપર્કો બદલવાની સૂચના આપી. જેને લઇને મેં ડેટીંગ એપ ડાઉનલોડ કરી. હું 17 લોકો સાથે વાતચિત કરીને તેમને મળી છું, પણ દરેક સાથે ક્યારેય શારીરિક સંબંધ બાંધી ન શકી. બધા સાથે ફક્ત ડિનર ડેટ પર જાઉં. તે પછી સામેવાળી વ્યક્તિ મને બીજીવાર મળીને શારીરિક સંબંધ બાંધવા માટે પૂછે પણ હું તેના માટે કોઇની સાથે તૈયાર જ ન થઇ શકી. આ 17 પુરુષોમાં હું ફક્તને ફક્ત એક કૌશિક જોડે જ સંપર્કમાં છું. તેની સાથે વાતચિત કરવી મને ગમે છે. તેની સાથેની બનેલી એક ઘટનાના કારણે મને તેના પ્રત્યે વધારે આકર્ષણ અને માન ઉત્પન્ન થયું છે.
હું જે દિવસે, કૌશિકને મળી તે સમયે રાત્રે વરસાદ ખૂબ પડી રહ્યો હતો. કૌશિક સાંજે પહેલા મારા ઘરે મને મળવા આવ્યો હતો. ઘરમાં બેસીને અમે એકબીજા સાથે વાતો કરી. મને તેની કંપની ખૂબ ગમી હતી એટલે થોડીવાર પછી અમે બંને લોંગ ડ્રાઇવ પર ગયા. અમે ઓપન ગાર્ડન રેસ્ટોરામાં બેસીને ડિનર કરી રહ્યા હતા ત્યાં ધોધમાર વરસાદ પડવા લાગ્યો. હોટલમાં જઇને ડિનર તો પૂરું કર્યું પણ બંને ભીંજાઇ ગયા હતા. બહાર નીકળ્યા તો વરસાદ પડી રહ્યો હતો. ગાડી સુધી પહોંચતા બંને ફરી ભીંજાઇ ગયા. તે મને ઘરે મૂકવા આવ્યો પણ મને ભીંજાવાના કારણે ઠંડી ખૂબ ચડી ગઇ હતી. તેથી તે મને ઘરમાં ઉપર મૂકવા આવ્યો. હું ખૂબ ઘ્રૂજતી હતી અને થોડીવાર રહીને અર્ધબેભાન જેવી થઇ ગઇ. મને કોઇ વાતનો ખ્યાલ જ નહોતો. કૌશિકે મારા શરીર પરથી કપડાં ઊતારીને, શરીર લૂછીને મને બીજા કપડાં પહેરાવ્યા. પથારીમાં સૂવાડીને મને ઓઢાડી દીધૂ. ગરમ હળદરવાળું દૂધ પણ પીવડાવ્યું. આખી રાત તે મારી પાસે બેસી રહ્યો.
હું સવારે ઊઠી તો તે પથારીની બાજુમાં બેસીને માથુ અડાડીને સૂતો હતો. મારા થોડા હલવાથી તે ઊઠી ગયો. તેણે મારા કપાળે હાથ મૂકીને મને તાવ નથી ને તે જોયું. હું હવે સ્વસ્થ હતી. મેં ઊઠીને ચા બનાવી. અમે સાથે ચા નાસ્તો કર્યો. રાત્રિમાં જે પણ થયું તે થોડુંઘણું મને યાદ હોવાથી મેં તેનો આભાર માન્યો. તેણે મને ખાલી એટલું જ કહ્યું કે તું ખૂબ સુંદર છો. ખુશ રહેવાનો પ્રયત્ન કર. મને તેની વાત સ્પર્શી ગઇ. તે ક્યારેક મને ઘરે મળવા આવે છે પણ હજી સુધી અમારી વચ્ચે શરીર સંબંધ બંધાયો નથી. તેની કંપની મને ગમે છે. હું કદાચ પરિક્ષિતમાંથી બહાર આવી જઇશ તેવું મને લાગે છે. કૌશિકને મેં બધી વાતો કરી, તે મને મદદ કરી રહ્યો છે કે હું મારા ખરાબ દિવસો અને વ્યક્તિમાંથી બહાર નીકળું. હાલમાં પરિક્ષિત સાથે ઘણા સમયથી મુલાકાત નથી થઇ અને મને જાણવા મળ્યું છે કે તેના જીવનમાં અત્યારે તે કોઇ નવી સ્ત્રીને પટાવવામાં અને તેને ભોગવવામાં વ્યસ્ત છે.
મેધા, તમને જ્યારે હું મળી ત્યારે કૌશિક સાથે હું સંપર્કમાં આવી ચૂકી હતી. ડેટીંગ એપ હજી પણ મોબાઇલમાં છે પણ કૌશિકને મળ્યા પછી કોઇ નવી વ્યક્તિને મળી નથી. મને લાગે છે કે હું તેની સાથે ખુશ રહી શકીશ પણ બીજી બાજુ મનમાં એક ભય એ પણ છે કે દરેક પુરુષ સ્ત્રીને ત્યાં સુધી જ સમય અને મહત્વ આપે છે, જ્યાં સુધી તેને ભોગવી ન લે અને તેનાથી ધરાઇ ન જાય. તેથી નવા વ્યક્તિ સાથે જોડાવામાં ખચકાટ થાય છે. જીવનમાં નવું શું લખાયું છે, તેની ખબર નથી પણ હવે દુખી થવું કે કોઇની પાછળ પોતાની લાગણીઓને વેડફી નાખવું મને ફાવે તેમ નથી. હું મારા જીવનમાં સાચા વ્યક્તિની રાહ જોઇ રહી છું અને મને લાગે છે તે મને જલદી મળી જશે.
સમજવા જેવું –
તમે જીવનમાં જો કોઇની સાથે પ્રેમમાં બંધાયા હો, તો તે વ્યક્તિનું વર્તન તમને સ્પષ્ટ સમજવી જ દે છે કે તમારા સંબંધમાં પ્રેમ રહેલો છે કે ભોગવિલાસ રહેલો છે. જે વ્યક્તિ સમય ન આપી શકતો હોય, જેના જીવનમાં તમારું મહત્વ ફક્ત પથારીની ચાદર જેટલું જ હોય અને જેને નવી નવી ચાદરો બદલવાનો શોખ હોય, તેવા વ્યક્તિ સાથે સંબંધમાં વધારે સમય રહેવું હિતાવહ નથી. તે જીવનમાં જોખમી સાબિત થઇ શકે છે. ક્યાંક કોઇનામાં ફસાઇ ગયા હો અને બહાર નીકળવાનો રસ્તો ન મળતો હોય તો શાંતિથી વિચારીને કોઇ નજીકના મિત્રને વિશ્વાસમાં લઇને તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો. જીવનથી હારી કે થાકી જવું તે રસ્તો નથી. તમારા જીવનમાં તમારા માટે કોઇ ચોક્કસ વ્યક્તિનું સર્જન થયું જ હોય છે. તે સમય આવે તમને મળશે જ તેટલી ધીરજ રાખવી. નાસિપાસ થવું નહીં અને મક્કમ બનીને પરિસ્થિતીનો સામનો કરવાની હિંમત રાખવી.