અંગદાન અને ચક્ષુદાન માટે પણ માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુમંદિર દ્વારા આજીવન સ્વયંસેવક અને કેળવણીકાર સ્વ. પ્રવીણભાઈ મણીઆર (પ્રવીણકાકા)ની 91મી જન્મજયંતિ નિમિત્તે એક વિનામૂલ્યે મેડિકલ કેમ્પ અને રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 770 દર્દીઓને નિ:શુલ્ક તપાસ કરીને દવાઓ આપવામાં આવી હતી, જ્યારે 500 પર્યાવરણ પ્રેમીઓને વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું હતું.
- Advertisement -
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ શાસનાધિકારી નરેન્દ્રભાઈ આરદેશણા, મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો. યોગેશભાઈ જોગશન, સ્વ. પ્રવીણકાકાના ધર્મપત્ની પ્રમિલકાકી અને તેમના પુત્ર અપૂર્વભાઈ મણીઆર ઉપસ્થિત રહ્યા હતા.
જનસેવાનો મહાયજ્ઞ: પંચનાથ હોસ્પિટલ, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, બજરંગ મિત્ર મંડળ, સી.જે. ગ્રુપ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન જેવી સંસ્થાઓના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનો લાભ એક હજારથી વધુ લોકોએ લીધો હતો. સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે તેમના પિતાના સેવાકાર્યોને યાદ કરતાં જણાવ્યું કે, ભવિષ્યમાં પણ આવા સેવાકાર્યો ચાલુ રાખવામાં આવશે.
વિવિધ વિભાગોની સેવાઓ: મેડિકલ કેમ્પમાં જનરલ મેડિસિન, આંખ, કાન-નાક-ગળા, ચામડી, દાંત, એક્યુપ્રેશર, આયુર્વેદ, હોમિયોપેથી જેવા વિવિધ વિભાગોમાં દર્દીઓને તપાસ કરવામાં આવી હતી. મનોવિજ્ઞાન ભવનના સહયોગથી મનોચિકિત્સકની સેવાઓ પણ ઉપલબ્ધ હતી. આ ઉપરાંત, અંગદાન, ચક્ષુદાન અને ત્વચાદાન માટે જાગૃતિ ફેલાવવા માટે કાઉન્સિલિંગ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું હતું, જ્યાં લોકોએ સંકલ્પ પત્રો ભર્યા હતા.
પ્રવીણકાકાનું સેવાકાર્ય પ્રેરણાદાયક: સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, ડો. અનિલભાઈ કિંગર, ખંતિલભાઈ મહેતા અને રક્ષિતભાઈ પટેલે પ્રવીણકાકાની સેવાભાવનાને યાદ કરતા જણાવ્યું કે, તેમના કાર્યો સમાજસેવા માટે પ્રેરણા પૂરી પાડે છે. ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ તેમના વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈ આવા જ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.