નેકસ્ટ-1 અને 2 પાસ થયા બાદ જ કાઉન્સિલ દ્વારા રજિસ્ટ્રેશન કરાશે
પાસ થવા માટે 50 ટકા, પર્સન્ટાઇલ પદ્વતિ રદ્દ, નાપાસ થાય તો પૂરક પરીક્ષા પણ આપી શકશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નેશનલ મેડિકલ કમિશન દ્વારા આગામી વર્ષથી લેવાનારી નેશનલ એક્ઝીટ પરીક્ષાનો ડ્રાફ્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પરીક્ષા લાગુ થયા બાદ દરેક યુનિવર્સિટીઓમાં લેવામાં આવતી છેલ્લા વર્ષની થિયરી પરીક્ષાના બદલે વિદ્યાર્થીઓએ નેકસ્ટ-1 આપવાની રહેશે એટલે કે યુનિવર્સિટીઓમાં હવે આ થિયરી પરીક્ષા લેવામાં આવશે નહીં. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા પણ લેવામાં આવશે. જો કે, પૂરક પરીક્ષામાં પણ નાપાસ થનારા વિદ્યાર્થીઓએ બીજા વર્ષે જ આ પરીક્ષા આપવાની રહેશે. પ્રેક્ટીકલ પરીક્ષા યુનિવર્સિટીઓએ લેવાની રહેશે.
દેશની જુદી-જુદી મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હાલમાં જે-તે યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષા આપ્યા બાદ પી.જી.માં પ્રવેશ માટે નીટ આપવી પડે છે. નવી વ્યવસ્થા પ્રમાણે નેકસ્ટને જ પી.જી. એન્ટ્રન્સ તરીકેનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે એટલે કે હવે નીટ પી.જી. આપવાની રહેશે નહિં. નેકસ્ટ એમસીક્યુ આધારિત કોમ્પ્યૂટર બેઝ પરીક્ષા લેવામાં આવશે. કુલ બે પ્રકારની પરીક્ષા લેવાશે. જેમાં નેકસ્ટ-1 થિયરી પરીક્ષાના બદલે લેવામાં આવશે. જ્યારે નેકસ્ટ-2 પરીક્ષા ઇન્ટર્નશીપ પછી લેવામાં આવશે.
આ બંને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું જ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે. વિદેશથી મેડિકલનો અભ્યાસ કરીને આવનારા વિદ્યાર્થીઓએ પણ નેકસ્ટ-2 આપવાની રહેશે. અત્યાર સુધી નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવામાં આવતી ફોરેન સ્ટુડન્ટ એક્ઝામ વિદ્યાર્થીઓને આકરી લાગતી હતી. ગણતરીના વિદ્યાર્થીઓ જ પાસ થતા હતા. હવે આ પરીક્ષાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. હાલમાં પી.જી. નીટમાં પર્સન્ટાઇલના આધારે પાસિંગ માર્ક્સ ગણવામાં આવે છે.
નવી પદ્વતિમાં હવે 50 ટકા લાવવા અનિવાર્ય છે. પ્રેક્ટીકલ પરીક્ષા હાલમાં જે-તે યુનિવર્સિટીઓએ જ લેવાની રહેશે. કુલ છ વિષયની પરીક્ષા લેવામાં આવશે. ક્યા ક્યા વિષયની પરીક્ષા લેવામાં આવશે. તેની વિગતો પણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
નવી પધ્ધતિમાં હવે વિદ્યાર્થીઓ ગમે તેટલી વખત પરીક્ષા આપી શકશે. પરીક્ષાનો સમય કેટલો રહેશે અને માર્ક્સ કેટલા રહેશે. તેની વિસ્તૃત જાણકારી પણ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે. મેડિકલ એક્ઝીટ પરીક્ષાને જ પી.જી. એન્ટ્રન્સ લેવલની પરીક્ષા ગણવાના કારણે હવે પી.જી. નીટ આપવાની રહેશે નહિં. આમ, પી.જી.માં પ્રવેશ માટે અને એમબીબીએસ ફાઇનલ માટે સમગ્ર દેશમાં એક જ નેકસ્ટ-1 અને 2 લેવામાં આવશે.



