ગલ્ફ કન્ટ્રી કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં બુધવારે એક ઇમારતમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 41 લોકો માર્યા ગયા છે જેમાં 5 ભારતીય પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 50 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલ અનુસાર આગની આ ઘટના સવારે બની હતી અને અનેક ફ્લોર તેની લપેટમાં આવી ગયા હતા. ઘટના અંગે કુવૈત સ્થિત ભારતીય રાજદૂત ત્યાં જવા રવાના થયા છે.
ભારતીય મૃતકો ક્યાં રાજ્યના?
- Advertisement -
માહિતી અનુસાર મૃત્યુ પામનારા ભારતીય નાગરિકો કેરળના હોવાનું સામે આવ્યું છે. કુવૈતની ઓથોરિટીએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને આગ લાગવાના કારણો જાણવાના પ્રયાસો થઇ રહ્યા છે.
વિદેશમંત્રી એસ.જયશંકરની પ્રતિક્રિયા સામે આવી
આ મામલે ખુદ વિદેશમંત્રી એસ.જયશંકરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કુવૈત સિટીમાં બનેલી આગની આઘાતજનક ઘટના વિશે જાણકારી મળી. તેમાં 40થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે ત્યારે 50થી વધુ ગંભીર રીતે દાઝી ગયાની પણ માહિતી છે. અમારા રાજદૂત ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.