મોર્નિંગ મંત્ર
ડૉ.શરદ ઠાકર
મેડિટેશન અને મંત્ર-જાપ એ કોઈ નિશ્ચિત સમય પુરતા મર્યાદિત ન રહેવા જોઈએ. આ વિષે ‘મોર્નિંગ મંત્ર’ માં અનેક વાર થોડી-થોડી ચર્ચા કરતા રહ્યા છીએ. કેટલાક સાચા સાધકો જેમની ઈચ્છા સાધના-માર્ગમાં ખરેખર આગળ વધવાની છે, તેઓ મંત્ર-જાપ અંગે પ્રશ્નો પૂછતાં રહે છે. એમના માટે થોડીક વિશેષ માહિતી આપું છું.
‘મંત્ર-જાપ’ શબ્દમાં બે શબ્દો રહેલા છે, મંત્ર અને જાપ. સામાન્ય રીતે જાપ કરવા માટે પસંદ કરાતા મંત્રોની સંખ્યા 5-7 જેટલી છે. કેટલાક સંન્યાસીઓ તથા તાંત્રિકો એમની સાધના માટે ખાસ મંત્રો પસંદ કરતાં હશે. એમને બાદ કરતાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ ૐ નમ: શિવાય, શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી રામ જય રામ જય જય રામ, ૐ નમો ભગવતે વાસુદેવાય જેવા લોકપ્રિય મંત્રો પસંદ કરતાં હોય છે. મા દુર્ગા, અંબા, કાલી અને લક્ષ્મી તેમ જ સરસ્વતી જેવા શક્તિના વિવિધ સ્વરૂપોનો મંત્ર-જાપ પણ કરવામાં આવે છે. આ બધામાં સૌથી વધુ વાર અને સૌથી વધુ સિદ્ધો દ્વારા જાપાયેલો મંત્ર ૐ નમ: શિવાય મનાય છે. કેટલાક મિત્રો ગાયત્રી મંત્રનો જાપ કરવા વિશે પ્રશ્નો પૂછે છે. એ એક આખો અલગ વિષય છે. ક્યારેક એની ચર્ચા પણ કરીશું.
- Advertisement -
મંત્રનો મૂળ નાદ છે અને નાદ દ્વારા જ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. ઈશ્વરનું પ્રથમ પ્રાગટ્ય નાદ સ્વરૂપે થયું. આ આદિ નાદને જ સ્પંદ કહેવામાં આવે છે. સ્પંદન થકી જ આ વિશ્વનું સર્જન થયું છે, અને તે નિરંતર સર્વત્ર વ્યાપીને સ્પંદિત થતું રહ્યું છે. અર્વાચીન વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે વિશ્વના કેન્દ્રમાંથી સતત એક ખાસ પ્રકારના સ્પંદનનું આવર્તન થઈ રહ્યું છે. આ સ્પંદન એ માત્ર વિશ્વનું જ નહીં, પરંતુ તમામ મનુષ્યોનું પણ મૂળ સ્રોત છે. જે સ્પંદન વિશ્વના કેન્દ્રમાં ધબકે છે તે જ આપણામાં ધબકી રહ્યું છે.
શિવ સિદ્ધાંત અનુસાર આપણી અંદર ધબકતું અંતર સ્પંદન એ જ સાચો મંત્ર છે. એટલા માટે જ મંત્રના અતિ સૂક્ષ્મ રહસ્યને સમજવું ખૂબ જરૂરી છે. મારા સહિત મોટા ભાગના લોકો ‘ૐ નમ: શિવાય’ અથવા ’હરે રામ હરે કૃષ્ણ’ જેવા બાહ્ય મંત્રો જપતા હોય છે. આ મંત્રો શ્રેષ્ઠ છે, પરંતુ શિવ સિદ્ધાંત અનુસાર તેમને ખરી રીતે મંત્ર ન કહી શકાય. સાચો મંત્ર એ માત્ર અક્ષર અને વર્ણોનો સંયોગ નથી. એ એક અંતર સ્પંદન છે. જે મનના મૂળ સુધી ધબકતું હોય છે.
આ વાત સમજવી અઘરી લાગે છે ને? હું જાણું છું કે હું તમને મંત્રના મહાસાગરમાં સપાટી પરથી લઈને ઊંડા જળમાં ખેંચી રહ્યો છું. પણ મારે ધીમે-ધીમે તમને ત્યાં સુધી દોરી જવા છે જ્યાં મંત્ર વિશે આવી વ્યાખ્યા કરવામાં આવતી હોય.