જેનું પરિણામ તે આજે માનસિક, શારીરિક અને આર્થિક રીતે ખર્ચાઇ ગઇ: બે વાર એબોર્સન કરાવવું પડ્યું
- મેધા પંડ્યા ભટ્ટ
શારીરિક ભૂખ વ્યક્તિને કેટલી હદે પરેશાન કરી નાખે છે, તે આ પાત્રને મળ્યા પછી જાણ્યું. જ્યારે તમારો તમારા તન-મન પર કાબૂ રહેતો નથી ત્યારે તમે જીવનમાં પછડાટ અનુભવો તે વાત નક્કી છે. ક્યારેક કોઇકના માટે ફક્તને ફક્ત શરીરસુખ જ મહત્વનું બની જતું હોય છે ત્યારે તેનું મગજ કઇ દિશામાં ભાગે છે, તે એને પોતાને ખબર પડતી નથી. શરીરની ભૂખને સંતોષવા માટે તેવી વ્યક્તિ ઘણીવાર ખોટા વ્યક્તિઓના સંપર્કમાં આવી જતી હોય છે અને પસ્તાવા સિવાય કશું જ રહેતું નથી.
અહીં આજે હું તમને એવી વ્યક્તિની વાત કહીશ કે તેની વિશે મને તેની મિત્ર સ્નેહાએ જણાવ્યું છે. મુખ્ય પાત્ર હાલમાં હોસ્પિટલમાં છે. બે વખતના અબોર્શન અને પૈસાથી પાયમાલ થઇ ચૂકેલી મનીષાની તબિયત હાલમાં સુધારા પર છે. સ્નેહાએ મને ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક કર્યો. અમે બંને મળ્યા. તેણે મને તેની મિત્ર મનીષાની વાત કરી. મનીષા બે થી ત્રણ ડેટીંગ એપનો ઉપયોગ કરતી હતી. આ ડેટીંગ એપનો ઉપયોગ કર્યા પછી તેની શું પરિસ્થીતી થઇ છે, તે જણાવવા માટે તેણે મારો સંપર્ક કર્યો હતો. સ્નેહાએ મને મનીષાની વાત કહેવાની શરૂ કરી.
- Advertisement -
મનીષાએ અમદાવાદની કોલેજમાં એડમિશન લીધુ અને તેનું નવું ગ્રુપ પણ ઝડપથી બની ગયું. નજીકના ગામડાંની હોવાથી તેને શરૂઆતમાં થોડી તકલીફ પડતી હતી પણ તેની સુંદરતા અને ભણવામાં હોંશિયાર હોવાના કારણે તેનું ગ્રુપ બનતા વાર ન લાગી. તે અહીં હોસ્ટેલમાં રહેતી હતી. શહેરની હવા હજી મનીષાને લાગી નહોતી. તે ભણવામાં હોશિયાર હતી. પણ સમયની સાથે જીવવામાં તે માનતી હતી. તેના બધા ફ્રેન્ડ્સ યુવક-યુવતીઓ શહેરના જ હતા. કોલેજ છૂટ્યા પછી ફરવા જવું, ક્યાંક કોઈ સ્થળે બેસીને સિગરેટ પીવી, લેટ નાઈટ કોઇના ઘરે ભેગા થઇને ડ્રીન્ક્સની પાર્ટીઓ કરવી, આ તે બધાનું નિયમિત શિડ્યુલ હતું. શરૂઆતમાં તો મનીષાને આ નહોતું ગમતું, પણ પછી તે વિચારતી કે મને બધા ગામડીયણ કહેશે એટલે તે પણ તે બધાની સાથે જોડાતી અને પછી તો આ તેના માટે નિયમિત બની ગયું.
એક દિવસ તેની ફ્રેન્ડ રીમાએ તેને પૂછયું કે તને સેક્સનો અનુભવ છે, તો તેને ખૂબ જ આંચકો લાગ્યો. જોકે પછી આવી વાતો ગ્રુપમાં બિન્દાસ થતી હતી. મનીષા માટે આ એક એવો શબ્દ હતો, જેનું વાંચનનું જ્ઞાન હોવા છતાંય તે કશું બોલી નહોતી શકતી. તેની ગ્રુપની ફ્રેન્ડ્સ તેને કોલેજના યુવકોની સાથે ફરવા માટે શું કરવું તે સતત કહેતી રહેતી. હવે તેને સમય અને મિત્રોનો સાથ એવો રંગ લાગી ગયો કે આજે મનીષાને કદાચ પૂછશો કે કેટલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે, તો તેનો જવાબ તે કદાચ નહીં આપી શકે. ગામડાંમાં ફક્ત સાયકલ લઈને ફરતી તે શહેરમાં આવ્યા પછી ગાડીમાં ફરતી થઈ ગઈ હતી. તેનો અભ્યાસ તો ચાલું જ હતો પણ મોજશોખ અને પૈસા પાછળ ઘેલી બનીને તે પોતાના દેહનો પ્રેમથી ઉપયોગ કરવા લાગી હતી. જેનું પરિણામ તે આજે હોસ્પિટલમાં છે.
સ્નેહાએ મને કહ્યું કે, હું મનીષાના સંપર્કમાં બે વર્ષ પહેલા જ આવી હતી. તેનું ગ્રુપ અલગ હતું પણ અમે બંને રૂમમેટ હતા. તેથી મને તેના વિશે ખબર હતી. તે મને બધી વાતો કરતી તેથી હું તેને ઘણીવાર ચેતવતી કે આવા લોકોથી દૂર રહે. તે વારંવાર પાર્ટીમાં જતી. એક વખતે તે પાર્ટીમાંથી રાત્રે દોઢ વાગે આવી ત્યારે તેણે ડ્રીંક કર્યું હતું. મેં તેને તે વખતે જ સમજાવી હતી. તે દિવસે મને તેનું વર્તન થોડું અલગ લાગ્યું, પણ તે સૂઇ ગઇ. બીજે દિવસે તેણે મને પેટમાં દુખાવો થાય છે તેની ફરીયાદ કરી અને પેશાબ કરતી વખતે તેને પીડા અને બળતરા થતી હોવાનું જણાવ્યું. હું તેને ગાયનેક પાસે લઇ ગઇ તો તેમણે કહ્યું કે પહેલીવાર સંભોગ વખતે આવી પીડા થવી નોર્મલ છે. તેમણે દવા આપી અને અમે બંને રૂમ પર આવ્યા. મનીષાને પોતાને ખબર નહોતી કે તેની સાથે આગલી રાત્રે શું થયું હતું. કોની સાથે તેણએ સંબંધ બાંધ્યો હતો તે પણ તેને ખબર નહોતી. તેણે જેના ઘરે પાર્ટી હતી, તે મિત્રને આ વાત જણાવી તો તેણીએ તેને લાઇફને એન્જોય કરવી આવું બધુ ટેન્શન ન લેવું તેમ જણાવ્યું. મનીષાનું ગ્રુપ જ એવું હતું કે તે તેમના દોરવાયા દોરવાઇ ગઇ. પછી તો તેના માટે શારીરિક સુખ માણવું, ડ્રીંક્સ કરવું જાણે નિત્યક્રમ બની ગયો હોય તેવું લાગતું. જોકે તે ફક્ત એક છોકરા સાથે જ પ્રેમમાં હોવાનું મને જણાવતી હતી.
- Advertisement -
એક દિવસ મેં તેના મોબાઇલમાં ડેટીંગ એપ્સના સિમ્બોલ જોયા અને તેને પૂછ્યું તો તેણે વાત સ્વીકારી કે તે અનેક છોકરાઓ સાથે ડેટ કરી રહી છે. તે કોઇ એક સાથે પ્રેમમાં ફસાઇને રહેવા માગતી નથી. સામે તે છોકરાઓ તેને જોઇતી વસ્તુઓ પૂરી પાડે છે, શોપિંગ કરાવે છે, ફિલ્મ જોવા અને મોંધી રેસ્ટોરામાં જમવા લઇ જાય છે. મેં તેને સમજાવી પણ તે માની નહીં. તેના માટે શરીરની ભૂખ વધારે મહત્વની હતી. ચારેક મહિના થયા હશે અને એક દિવસ સવારે તેણે મને ઊઠાડીને કહ્યું કે તે પ્રેગનન્ટ છે. મને તો આંચકો લાગ્યો. હું ફરી તેને ગાયનેક પાસે લઇ ગઇ. તેમણે ગોળી આપી અને આ તકલીફ દૂર કરી. તે પછી મનીષાના વર્તનમાં મને ઘણા ફેરફારો જોવા મળતા. ઘણીવાર ચીડીયા સ્વભાવની થઇ જતી, એકલી રડવા લાગતી, કારણ વિના ગુસ્સો કરવા લાગતી. એકવાર મેં તેને પ્રોટેક્શન સાથે સેક્સ કરે છે ને હવે એમ પૂછ્યું તો તેણે કહ્યું કે, તે રેગ્યુલર પીલ્સ લઇ લે છે. જેનાથી તેને કોઇ તકલીફ થતી નથી. પણ તેને થતી તકલીફ મને દેખાતી હતી. મેં તેને ખૂબ સમજાવી અને કહ્યું કે અનેક લોકો સાથે ફરવા કરતા કોઇ એક સાથે સંબંધમાં બંધાઇને રહીશ તો વધારે સારું રહેશે. તેને ક્યાંક ને ક્યાંક મારી આ વાત સાચી લાગી અને તે કોઇ એક સાથે સંબંધમાં બંધાઇને રહી પણ ખરી.
લોહી ચાખ્યા પછી પશુ પણ કોઇને છોડે નહીં, તો આ તો મનુષ્ય જીવ, ઇચ્છા થાય તો તેને તૃપ્ત કરવા શું કરવું. તેવામાં એકવાર ફેસબૂક પર રાકેશ નામની વ્યક્તિ સાથે તેનો સંપર્ક થયો. તે રોજ તેની સાથે મેસેજથી વાતચિત કરતી. મહેસાણાનો હતો અને વારંવાર કામના અર્થે અમદાવાદ આવતો હતો. બંનેની રેગ્યુલર મુલાકાત અને વાતચિત થવા લાગી. મને પણ તેણે તેની સાથે પરિચય કરાવ્યો હતો. મનીષા થોડી તેના તરફ વધારે ઝૂકી કારણકે તે મનીષા સાથે પ્રેમ થયો હોવાનો દાવો કરતો હતો. મનીષાને પણ તેના માટે લાગણી થવા લાગી. તે મનીષા માટે મોંધો મોબાઇલ લાવ્યો અને તેને બ્રાન્ડેડ વોચ પણ ગીફ્ટમાં આપી હતી. મનીષા ક્યારેય તેની પાસે કંઇ જ અપેક્ષા રાખતી નહોતી. બંને અનેકવાર ટૂર પર પણ જતા. જોકે મનીષાને ધીમે ધીમે તેના પર વિશ્વાસ આવવા લાગ્યો કે ખરેખર પ્રેમ કરે છે. એક વાર જરૂરીયાતના સમયે મનીષાએ તેને 80,000 રૂપિયા આપ્યા. જે વાત તેણે મને જણાવી હતી. (જોકે તે પૈસા ક્યારેય પાછા આવ્યા નહીં.) થોડા સમય બાદ મનીષાને અચાનક પૈસાની જરૂર ઊભી થઇ અને તેણે તે પાછા માંગ્યા તો બંને વચ્ચે ઝગડા થવા લાગ્યા. ધીમે ધીમે રાકેશનું બીજે પણ અફેર હોવાની ખબર પડી. અન્ય યુવતીઓ સાથેના તેના સંબંધો વિશે ખબર પડી. તે પરિણિત છે અને તેને બે બાળકો છે, તે ખબર પડી. ખરેખર તે સમયે મનીષા જે ભાંગી હતી, તે હું જ જાણુ છું. લોકો કેટલા જૂઠ્ઠા હોય છે, કઇ હદ સુધી જૂઠ્ઠુ બોલીને એક યુવતીના શરીરનો અને પૈસાનો સતત ઉપયોગ કરે છે. તે સમજાયું હતું. મનીષા સાથે તેણે કરેલી લગ્નની વાતો, હનિમૂનના સ્થળો નક્કી કરવા જેવા કેટકેટલાય જૂઠ્ઠાણા તેના મગજમાં ફરવા લાગ્યા. મનીષા મારી પાસે ખૂબ રડી હતી. તેની તે પીડા મેં જોઇ હતી અને અનુભવી હતી. મન પરથી જ્યારે કોઇ વ્યક્તિ ઊતરી જાય ને તો પગ ધોઇને પીવે તો પણ તેને ફરીથી પ્રેમ થઇ શકતો નથી. મનીષાએ તેને પ્રેમથી અલવિદા કહી દીધુ. જ્યારે પ્રેમ થાય ત્યારે અહેસાસ થતો હોય છે. શરીર અને સંપત્તિ બંને ગૂમાવ્યાનો અહેસાસ પહેલીવાર તેને થયો. પૈસા જતા રહેને તો ખૂબ દુખ થાય છે. તેમાં પણ પોતાની સમજી હોય તે વ્યક્તિ આવું કરે તો ભાંગી પડાય છે.
મનીષાએ મને કહ્યું હતું કે, તેણી તે સમયે રાકેશ સાથેના સંબંધમાં એટલી ઊંડી ઊતરી ગઇ હતી કે તેની સાથે જ્યારે પણ સેક્સ કરતી તો તેના કહેવાથી હું પીલ્સ લેતી હતી. તે પીલ્સ મને તે જ લાવી આપતો હતો. અમે બરોડા, મુંબઇ, ઉદેપૂર, ગોવા જ્યાં પણ ફરવા ગયા હતા, તે દરેક વખતે શારીરિક સંબંધ બાંધતી વખતે હું પીલ્સનો ઉપયોગ કરતી હતી. જોકે મનીષાએ લીધેલી તે પીલ્સની એટલી બધી ખરાબ આડઅસર થઇ હતી કે તેના કારણે તેના હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઇ જતા હતા. તેનો સ્વભાવ ચિડીયો થઇ જતો. તે ઘણીવાર બ્લેન્ક થઇ જતી. અને મનમાં શૂન્યાકાશ છવાઇ જતો હોય તેવું લાગતું. તે એકલી એકલી રડવા લાગતી. તેની માનસિક પરિસ્થિતી ખૂબ ખરાબ થવા લાગી. તેને સાઇક્યાટ્રિક ટ્રીટમેન્ટની જરૂર પડી અને તેણે તે લીધી. ગાયનેકોલોજીસ્ટને પણ બતાવ્યું અને રેગ્યુલર હોર્મોન્સ બેલેન્સ થાય તેની દવાઓ શરૂ કરી. પ્રેમમાં પડવાનો આનાથી વધારે ખરાબ અનુભવ કોઇ હોઇ શકે ખરો.
સ્નેહા મારી સામે રડી પડી અને મને કહ્યું કે, મનીષાની આવી સ્થિતીની જવાબદાર ક્યાંકને ક્યાંક હું પોતાને પણ માનું છું કે અનેક સાથેના સેક્સના સંબંધમાંથી હું તેને કોઇ એક સાથે બંધાઇને રહેવા માટે સતત કહેતી હતી અને જ્યારે તે કોઇ એક સાથે જોડાઇ તો પણ તેના જીવનમાં આવો અંધકાર છવાઇ ગયો. મનીષાની માનસિક હાલત એટલી હદે ખરાબ થઇ ગઇ હતી કે તે પોતાની જાતથી પણ ડરવા લાગી હતી. જોકે હાલમાં તો તે ઘણી સારી છે. તેને રાકેશ સાથેના સંબંધમાં પણ બાળક રહી ગયું હતું પણ પીલ્સની અસર ન થવાના કારણે ભ્રૂણ ગર્ભાશયમાં જ ચોંટી ગયું હતું. જેથી તેને પીલ્સ લીધા પછી પણ સતત 15 દિવસ બ્લિડીંગ થવા લાગ્યું હતું. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. સાથે જ તેને ડ્રીંક અને સ્મોકની આદત હતી તે છોડાવી છે અને હવે રેગ્યુલર તે મેડિટેશન કરે છે. હું તેની સાથે જ છું અને રહીશ.
સમજવા જેવું – યુવાનીમાં કે કોઇપણ ઉંમરે તમને કેવા મિત્રોની સંગત મળે છે, તે જીવનમાં ખૂબ જરૂરી છે. કેટલાક તમને જીવનમાં સાચો બોધપાઠ શીખવી જાય છે, તો કેટલાક તમારા જીવનને વેરવિખેર કરીને તમને માનસિક, શારીરિક અને આર્થિક રીતે પાયમાલ કરી નાખે છે. મિત્રોની સંગત જીવનમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે, તે સ્નેહાના અને મનીષાના જીવન પરથી સ્પષ્ટ થાય છે.